કૅરોલિના : યુ.એસ.નું આટલાન્ટિક કાંઠા ઉપર આવેલું એક રાજ્ય.

ઉત્તર કૅરોલિના : આટલાન્ટિક કાંઠા ઉપર અગ્નિખૂણે 33o 50´થી 36o 35′ ઉ. અ. અને 77o 27’થી 84o 20′
પ. રે. વચ્ચે તે આવેલું છે. ક્ષેત્રફળ 1,26,180 ચોકિમી., તેની સૌથી વધુ લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 301 કિમી. અને 810 કિમી. છે. આ રાજ્યની ઉત્તરે વર્જિનિયા, પૂર્વે આટલાન્ટિક મહાસાગર અને દક્ષિણે દક્ષિણ કૅરોલિના તથા નૈર્ઋત્યમાં જ્યૉર્જિયા અને પશ્ચિમે ટેનેસી રાજ્યો આવેલાં છે.

તેના ત્રણ કુદરતી વિભાગો છે : કિનારાનાં મેદાનનો વિસ્તાર કુલ વિસ્તારના 50 % જેટલો છે. પીડમૉન્ટના ઉચ્ચપ્રદેશનો વિસ્તાર કુલ વિસ્તારના જેટલો છે. પીડમૉન્ટનો પૂર્વભાગ 90-180 મી. ઊંચો છે, જ્યારે બ્લૂ રિજનો ભાગ સરેરાશ 457 મી. ઊંચો છે. ઍપેલેશિયન ગિરિમાળાનાં ચાલીસેક શિખરો 1,830 મી.થી પણ વધુ ઊંચાં છે. માઉન્ટ માઇકેલ શિખર 2,037 મી. ઊંચું છે. કિનારા નજીક નાના ટાપુઓ છે. મેદાનનો સમુદ્રકાંઠા નજીકનો ભાગ કાદવકીચડવાળો અને છીછરાં સરોવરવાળો છે. જમીન સામાન્ય રીતે હલકી, ચૂના તથા ક્ષારના તત્વની ઊણપવાળી છે.

કૅરોલિના

દરિયો નજીક હોવાથી તેમજ તેના ભૂપૃષ્ઠની ઊંચાઈને કારણે ઉનાળો સખત નથી. ઉનાળામાં 22oથી 28oસે. અને શિયાળામાં 2oથી 8o સે. તાપમાન રહે છે. પહાડી પ્રદેશમાં શિયાળો સખત હોય છે. સરેરાશ વરસાદ 1,158 મિમી. છે.

પહાડી પ્રદેશમાં સ્પ્રુસ, ફર, પાઇન, જંગલી ઑલિવ વગેરે વૃક્ષો થાય છે. અહીં તમાકુ, સોયાબીન, મકાઈ, મગફળી, શાકભાજી, દ્રાક્ષ, સફરજન વગેરે મુખ્ય પાક થાય છે. ઉત્તર કૅરોલિના યુ.એસ.માં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરે છે. 46 લાખ હેક્ટર જમીન પૈકી  જમીનમાં ખેતી થાય છે. ફેલ્સ્પાર, અબરખ, લિથિયમ, રૉક ફૉસ્ફેટ, રેતી વગેરે મુખ્ય ખનિજો છે.

જંગલોમાં રીંછ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. ગાય, ડુક્કર, ટર્કી, બ્રૉઇલર વગેરેની સંખ્યા ઘણી છે. મત્સ્યઉદ્યોગ પણ વિકસ્યો છે.

ખેતીવાડી અને પશુપાલન મુખ્ય ઉદ્યોગ છે. જંગલોને કારણે લાકડાં કાપવાનો, ફર્નિચર બનાવવાનો, કાગળ અને પ્લાયવુડના વગેરે ઉદ્યોગો વિકસ્યા છે.

રાજ્યમાં 5,400 કિમી. રેલમાર્ગ; 1,16,000 કિમી.ની સડકો; 2 મોટાં બંદરો તથા 82 વિમાનઘરો કાર્યરત છે.

રાજ્યની રાજધાની રૅલે (2,61,000, 1999) અને સૌથી મોટું શહેર શાર્લોટ (વસ્તી : 5,20,829, 1999) છે. રાજ્યની વસ્તી 80,49,313 (2000) છે.

ફ્રેન્ચ સંશોધકોએ સત્તરમી સદીમાં આ પ્રદેશની શોધ કર્યા બાદ એમાં કાયમી વસવાટ કરનાર અંગ્રેજો હતા. મૂળ તેર બ્રિટિશ સંસ્થાનો પૈકીનું આ સંસ્થાન હતું અને સ્વાતંત્ર્યવિગ્રહ તથા આંતરવિગ્રહમાં તેણે ભાગ લીધો હતો. સ્થાનિક મૂળ વતની રેડ ઇન્ડિયનોની વસ્તી ઘટતી ગઈ છે. અન્ય લોકોમાં જર્મન, આઇરિશ, વેલ્શ, સ્વિસ વગેરે મુખ્ય છે.

દક્ષિણ કૅરોલિના : 32o 2’થી 35o 13′ ઉ. અ. અને 78o 33’થી 83o 22′ પૂ. રે. વચ્ચે આવેલા આ રાજ્યનું ક્ષેત્રફળ 77,988 ચોકિમી. છે. લંબાઈ 322 કિમી. અને પહોળાઈ 402 કિમી. છે. તેની ઉત્તરે ઉત્તર કેરોલિના, પૂર્વ અને અગ્નિકોણમાં આટલાન્ટિક મહાસાગર તથા નૈર્ઋત્ય અને પશ્ચિમે જ્યૉર્જિયા રાજ્યો આવેલાં છે.

સમુદ્રકિનારાનું મેદાન, પશ્ચિમ મધ્યભાગમાં પીડમૉન્ટનો ઉચ્ચપ્રદેશ અને ઈશાન ખૂણે બ્લૂ રિજનો પ્રદેશ એમ ત્રણ કુદરતી વિભાગો છે. આ ત્રણ વિભાગના પટ્ટાઓ ઈશાનથી નૈર્ઋત્ય ખૂણે આવેલા છે. પહેલો વિભાગ ‘નીચાણવાળો પ્રદેશ’ અને બાકીના બે વિભાગો ‘ઊંચાણવાળા પ્રદેશ’ તરીકે ઓળખાય છે. બ્લૂ રિજ વિસ્તાર 1295 ચોકિમી. જેટલો નાનો છે. નદીઓમાં ધોધ આવેલા છે, તે જળવિદ્યુત માટે ઉપયોગી છે પણ નૌવહન માટે અવરોધરૂપ છે. બ્લૂ રિજનું સૌથી ઊંચું શિખર ‘સસાફ્રાસ’ 1085 મી. ઊંચું છે.

દક્ષિણ કૅરોલિનાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. લાંબો ઉનાળો, સમધાત શિયાળો અને આખા વરસ દરમિયાન વર્ષા તેની લાક્ષણિકતા છે. જાન્યુઆરીમાં કાંઠા અને ઉચ્ચપ્રદેશમાં તાપમાન 10o સે.થી 4o સે. રહે છે, જ્યારે ઉનાળામાં તે 27o સે.થી 25o સે. રહે છે. વરસાદ 1,140થી 1,550 મિમી. પડે છે. કાંઠાના વિસ્તારમાં હિમવર્ષા થતી નથી. અન્યત્ર થોડી હિમવર્ષા થાય છે. બરફ પડે છે પણ તરત પીગળી જાય છે.

ત્રણે વિભાગમાં થોડો જંગલવાળો વિસ્તાર છે. અહીં પાઇન, પૉપ્લર, ઓક અને હિકોરી વગેરે વૃક્ષો આવેલાં છે. કેટલાંક વૃક્ષોનું લાકડું સખત અને કેટલાંકનું નરમ હોય છે. ઘઉં, મકાઈ, કપાસ, તમાકુ, સોયાબીન, શાકભાજી મુખ્ય પાક છે. અગાઉ ડાંગરનું વાવેતર ઘણું હતું. પીચના ઉત્પાદનમાં તેનો ક્રમ કૅલિફૉર્નિયા પછી આવે છે. ઈંડાં, દૂધ, મરઘીનાં બચ્ચાં, ટર્કી વગેરે વિપુલ પ્રમાણમાં મળે છે, તેની નિકાસ થાય છે. પશુપાલનપ્રવૃત્તિ પણ વિકસેલી છે. ગ્રૅનાઇટ, ચૂનાખડકો, ચિનાઈ માટી, રેતી વગેરે સિવાય અન્ય ખનિજો નથી. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે.

દક્ષિણ કૅરોલિનાનું રાજભવન

ઉદ્યોગો : કાપડ ઉદ્યોગ, તૈયાર વસ્ત્રો, રસાયણો, યંત્રો, રબર, પ્લાસ્ટિક, સિમેન્ટ, વીજળીનાં સાધનો, ધાતુ, કાચ, ફર્નિચર, વ્યાવસાયિક સેવા, આરોગ્ય-સેવા મુખ્ય છે. સસ્તી વીજળીને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો છે. ચાર સ્થળોએ અણુવિદ્યુતમથકો છે. 2000માં રાજ્યની વસ્તી 44,12,012 છે.

દક્ષિણ કૅરોલિનામાં 3,400 કિમી. રેલવે, 67,200 કિમી.ના રસ્તા, વિમાનઘરોની સુવિધા શ્રેષ્ઠ પ્રકારની છે. રાજ્યમાં ત્રણ બંદરો આવેલાં છે.

ત્યાં મોટાભાગના ગોરા લોકો ઍંગ્લો-સૅક્સન છે. કોલંબિયા રાજ્યની રાજધાની (વસ્તી : 1,11,821) છે. ચાર્લ્સટન (વસ્તી : 88,596) રાજ્યનું મહત્વનું બંદર છે. આટલાન્ટિક કિનારા પર આવેલું જ્યૉર્જટાઉન કાગળ અને લાકડાના ઉદ્યોગનું કેન્દ્ર છે. ગ્રીનવિલ, સ્પાર્ટનબર્ગ, રૉકહિલ વગેરે બીજાં શહેરો છે.

આંતરવિગ્રહમાં આ રાજ્યે દક્ષિણનાં રાજ્યોને સહકાર આપ્યો હતો.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ

શિવપ્રસાદ રાજગોર