કૅરૉલ, લૂઇસ (જ. 27 જાન્યુઆરી 1832, ડેર્સબરી, ચેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 14 જાન્યુઆરી 1898, ગિલ્ડફર્ડ, સરે) : અંગ્રેજ બાળસાહિત્યકાર, તર્કશાસ્ત્રી, ગણિતજ્ઞ અને ફોટોગ્રાફર. મૂળ નામ ચાર્લ્સ લુટવિજ ડૉડ્ગસન. જગતભરમાં આબાલવૃદ્ધ વાચકોના પ્રિય વાર્તાકાર. માતા ફ્રાન્સિસ જેન લટ્વિજ. પિતા પાદરી. યૉર્કશાયરના રેક્ટર. ડેર્સબરી ઔદ્યોગિકીકરણની અસરથી વેગળું નાનકડું ગામ. બધાં ભાંડુડાં ઘરમાં જ એકમેક સાથે રમતાં. બાળકોએ હસ્તલિખિત સામયિક શરૂ કર્યું. પાછળથી પ્રસિદ્ધ થયેલ ‘યૂઝફુલ ઍન્ડ ઇન્સ્ટ્રક્ટિવ પોયેટ્રી’નાં કેટલાંક કાવ્યો સૌપ્રથમ એમાં લખાયેલાં. ‘ધ રેક્ટરી અમ્બ્રેલા’ (1850-53) અને ‘મિસમૅચ’ (1853-62) તેમનાં હસ્તલિખિત સામયિકો હતાં. ચાર્લ્સે એક વર્ષ યૉર્કશાયરની ‘રિચમંડ સ્કૂલ’માં અભ્યાસ કર્યો. ‘રગ્બી સ્કૂલ’માં 1846–50 સુધી શિક્ષણ લીધું. માંદગીને લીધે તેમનો એક કાન બહેરો થઈ ગયો હતો. રગ્બીના વિદ્યાર્થી મટી ગયા પછી પિતાએ તેમને ઘેર શિક્ષણ આપ્યું અને ક્રાઇસ્ટ ચર્ચ, ઑક્સફર્ડની મૅટ્રિક(1850)ની પરીક્ષા તેમણે સફળતાપૂર્વક આપી. ગણિતવિજ્ઞાન, ગ્રીક-લૅટિન અને અંગ્રેજીના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો. સ્કૉલરશિપ મળતાં મૅથમૅટિકલ ફાઇનલમાં પ્રથમ કક્ષાએ આવ્યા. કૉલેજમાં માસ્ટર ઑવ્ ધ હાઉસ અને ફેલો બન્યા. એ પછી તેમની ટ્યૂટર તરીકે નિયુક્તિ થઈ. જીવનના અંત સુધી તેમની ફેલોશિપ તેમણે જાળવી રાખેલી.

લૂઇસ કૅરૉલ

જોકે આ પ્રકારની સ્ટુડન્ટશિપ કે ફેલોશિપ માટે જીવનભર કુંવારા રહેવાનું ફરજિયાત હતું. ‘પ્રીસ્ટ’ બન્યા હોત તો તેઓ લગ્ન કરી શક્યા હોત; પરંતુ પોતાને ગમતું કામ કરવાનું મળે તે વાસ્તે આજીવન કુંવારા રહેવાનું તેમણે પસંદ કર્યું. તોતડાપણું તેમની ખોડ હતી. બાળકો સાથે તો તેઓ તદરૂપ થઈ જતા. એલિસ લિડેલ, લોરિના અને એડિથ નામની બહેનો સાથે તેમની દોસ્તી હતી. તેમના દ્વારા જૂની વાર્તાઓ નવા સ્વરૂપે અવતરતી. આમ બાળકોને વાર્તા કહેતાં કહેતાં એલિસની સાહસકથાઓ જન્મેલી. તેમણે એલિસ નામના પાત્રને સસલાના દરમાં લઈ જઈને જાતજાતની આશ્ચર્યભરી કથાઓની માંડણી કરેલી. આ પરીકથાનાં ચિત્રો પણ તેમણે જાતે જ દોરેલાં. એલિસ લિડેલીએ ‘એલિસ ઇન વન્ડરલૅંડ’ કથાઓ માટે લેખકને આગ્રહ કરેલો અને બાલસાહિત્યના અન્ય લેખક જ્યૉર્જ મૅકડોનાલ્ડના છ વર્ષના પુત્ર ગ્રેવિલે તો આ પ્રકારની વાર્તાઓનાં બીજાં 60,000 પુસ્તકો વાંચવા માટે ઇચ્છા વ્યક્ત કરેલી ! ‘એલીસીસ એડવેન્ચર્સ ઇન વન્ડરલૅન્ડ’ (1865) પ્રસિદ્ધ થઈ તે પહેલાં તેની પ્રથમ આવૃત્તિ ખરાબ છપામણીને કારણે વેચાણમાંથી પાછી ખેંચી લેવાઈ હતી. તેની માત્ર 21 નકલો જ હાથવગી રહી છે. 1866માં તેની નવી આવૃત્તિ સુધારા સાથે બહાર પડી. લેખકની અભિલાષા તેની 4,000 નકલો વેચાય તેવી હતી. પરંતુ લેખકના જીવનકાળ દરમિયાન જ તેની એક લાખ એંશી હજાર નકલો વેચાઈ હતી ! આની અનુગામી વાર્તાઓ તે ‘થ્રૂ ધ લુકિંગ ગ્લાસ ઍન્ડ વૉટ એલિસ ફાઉન્ડ ધેર’ (1872) હતી. 1932 સુધીમાં તો એલિસ અંગેની આ વાર્તાઓ દુનિયાભરનાં બાળકો માટેની ખૂબ વંચાતી હતી. એલિસની આ કથાઓમાં નથી કોઈ રૂપક કે ગૂઢાર્થ કે કોઈ પ્રકારનો ધાર્મિક, રાજકીય કે માનસશાસ્ત્રીય સંદેશ; માત્ર શુદ્ધ કથારસ છે. કૅરોલે કેટલાંક હાસ્યરસિક ચોપાનિયાં લખ્યાં છે, જે ‘નોટ્સ બાઇ ઍન ઑક્સફર્ડ ચીફ’(1874)ના નામે પ્રસિદ્ધ થયેલાં. સારા ફોટોગ્રાફર હોવા ઉપરાંત તેમણે નટી એલન ટૅરી, કવિ આલ્ફ્રેડ ટેનિસન અને ડી. જી. રોઝેટીનાં છબીચિત્રો (portraits) બનાવેલાં. જુદા જુદા પરિવેશમાં બાળકોના અસંખ્ય ફોટોગ્રાફ તેમણે લીધેલા. જોકે 48 વર્ષની વયે સમયની બરબાદી થાય છે તેમ માનીને તેમણે ફોટોગ્રાફી અને ચિત્રકળાનો ત્યાગ કરેલો.

ગણિતજ્ઞ તરીકે તેમણે ‘યુકલિડ ઍન્ડ હિઝ મૉડર્ન રાઇવલ્સ’ (1879) લખેલું. ‘ફેન્ટાસમાગોરિયા ઍન્ડ અધર પોઇમ્સ’ (1869), ‘રહાઇમ ઍન્ડ રીઝન’ (1883) અને ‘થ્રી સનસેટ્સ ઍન્ડ અધર પોઇમ્સ’ (1898) તેમનાં હાસ્યપ્રધાન કાવ્યો છે. ‘ધ હંટિંગ ઑવ્ ધ સ્નાર્ક’ (1883) તેમની ઉત્તમ જોડકણારૂપ રચના (nonsense verse) છે.

‘સિલ્વી ઍન્ડ બ્રુનો’ (1869) અને ‘સિલ્વી ઍન્ડ બ્રુનો કન્કલૂડેડ’ (1883) તેમનાં વાર્તાપુસ્તકો છે. ‘એલિસીસ ઍડવેન્ચર્સ અન્ડરગ્રાઉન્ડ’ની એલિસને મળેલ હસ્તપ્રત અને સ્વહસ્તે લખેલી લેખકની ડાયરી બ્રિટિશ મ્યુઝિયમમાં છે.

વિ. પ્ર. ત્રિવેદી