કૅન્સર – સ્તન(breast)નું

January, 2008

કૅન્સર, સ્તન(breast)નું : સ્તનનું કૅન્સર થવું તે. છાતીના આગળના ભાગમાં ચામડી નીચે આવેલી દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથિઓના સમૂહને સ્તન કહે છે. સગર્ભતા તથા પ્રસવ પછી તે સ્ત્રીઓમાં વિશિષ્ટ રીતે વિકસે છે. પુરુષોમાં તે અવશિષ્ટ સ્વરૂપે રહેલું હોય છે. તે પશ્ચિમી દેશો તથા શહેરી વિકસિત વિસ્તારોની સ્ત્રીઓનું મુખ્ય કૅન્સર છે. અમેરિકામાં સ્ત્રીઓને 29 % કૅન્સર સ્તનમાં ઉદભવે છે. અમદાવાદ અને મુંબઈમાં સ્ત્રીઓને સૌથી વધુ સ્તનનું કૅન્સર જ થાય છે. પુરુષોને સ્તનનું કૅન્સર ભાગ્યે જ થાય છે. સ્ત્રીઓના સ્તનના કૅન્સરની સારવારમાં ઘણો જ વિકાસ થયેલો છે અને તેને કારણે તકલીફો વગરનો લાંબો જીવનકાળ જોવા મળેલો છે. તેની સારવારમાં શસ્ત્રક્રિયા, વિકિરણન-સારવાર તથા દવાઓનો સમન્વય જરૂરી ગણાય છે.

વસ્તીરોગવિદ્યા : ભારતમાં સ્ત્રીઓના સ્તનનું કૅન્સર મોટા પ્રમાણમાં થાય છે. (10.2થી 28.9 / 100000 સ્ત્રીઓ). તે બર્શીના ગ્રામીણ વિસ્તારમાં સૌથી ઓછું જોવા મળે છે. (10.2 / 100000) જ્યારે દિલ્હીમાં તેનું પ્રમાણ સૌથી વધુ છે (28.9 / 100000). અમદાવાદ (18.56 / 100000) અને મુંબઈમાં સ્ત્રીઓમાં તે સૌથી વધુ પ્રમાણમાં થતું કૅન્સર છે. પશ્ચિમના વિકસિત દેશોમાં તેનું પ્રમાણ ઘણું વધુ છે. અમેરિકામાં તે 61.3થી 93.9 / 100000ના દરે, યુ.કે.માં 55થી 61.3/ 100000ના દરે તથા ફિનલૅન્ડમાં તે 44.7 / 100000ના દરે થાય છે. જાપાનના મિયામી  શહેરી વિસ્તારમાં તેનું પ્રમાણ ભારતના શહેરી વિસ્તારો જેમ 25 / 100000 જેટલું છે. ભારતમાં પુરુષોના સ્તનના કૅન્સરનું પ્રમાણ 0.0થી 1.6 જેટલું નોંધાયું છે. અમદાવાદમાં પુરુષોના સ્તનના કૅન્સરનું પ્રમાણ 0.06 % (0.5 / 100000) છે.

કારણો : સ્તનના કૅન્સરનું કારણ જાણી શકાયેલું નથી. કેટલાંક પરિબળોની હાજરીમાં તેનું પ્રમાણ વધે છે તેવું નોંધાયું છે. સ્ત્રીની ઉંમર વધે તેમ તેનો દર વધે છે; તેવી જ રીતે એક સ્તનમાં કૅન્સર થયું હોય તો બીજામાં તે થવાની વધુ શક્યતા રહે છે. દર્દીની મા કે બહેનને ઋતુસ્રાવિતાકાલ (premenopausal period) દરમિયાન બંને સ્તનનું કૅન્સર થયું હોય તો સ્તનના કૅન્સરનું જોખમ વધે છે. તેવી જ રીતે 35 વર્ષની ઉંમર પહેલાં જો વિકિરણનનો સંસર્ગ થયેલો હોય, ઋતુસ્રાવ (આર્તવ, રજોદર્શન, menstruation) વહેલો શરૂ થયો હોય અને મોડી ઉંમરે ઋતુસ્રાવ બંધ થયો હોય અથવા 30 વર્ષ પછી પહેલી સગર્ભાવસ્થા થઈ હોય અથવા કદી બાળક થયું ન હોય તો સ્તનના કૅન્સરનું જોખમ વધે છે. ગર્ભનિરોધક ગોળીને કારણે સ્તનનું કૅન્સર થવાની શક્યતા વધે છે કે નહિ તે નિશ્ચિત કરાયેલું નથી. ઋતુસ્રાવસ્તંભન (menopause) એટલે કે કાયમી ધોરણે ઋતુસ્રાવ બંધ થયો હોય તે પછી ઇસ્ટ્રોજન આપવાથી સ્તનના કૅન્સરનું જોખમ વધતું નથી. મોટું આંતરડું, ગલગ્રંથિ (thyroid gland), ગર્ભાશય અથવા અંડપિંડનું કૅન્સર થયું હોય તેવી સ્ત્રીને સ્તનનું કૅન્સર થવાની શક્યતા છે. નાની ઉંમરે સગર્ભાવસ્થા થઈ હોય અને 30 વર્ષ પહેલાં અંડગ્રંથિને શસ્ત્રક્રિયાથી કાઢી નખાઈ હોય તેમને સ્તનનું કૅન્સર થવાની શક્યતા ઓછી રહે છે. સ્તનના કૅન્સરના 70 % દર્દીઓમાં ઉપર જણાવેલ કોઈ પણ પરિબળો હોતાં નથી.

સારણી 1 : સ્તનના કૅન્સરનું જોખમ વધારતાં પરિબળો

 ક્રમ પરિબળ
  1. એક સ્તનમાં સ્તનનું કૅન્સર થયેલું હોય
  2. BRCA1 કે BRCA2 નામના જનીનોની વિકૃતિ
  3. વધતી વય
  4. વહેલો ઋતુસ્રાવપ્રારંભ (menarche)
  5. મોડું ઋતુસ્રાવસ્તંભન (menopause)
  6. કદી સગર્ભતા ન થયેલી હોય
  7. પ્રથમ બાળક 30 વર્ષની વય પછી
  8. અલાક્ષણિક (atypical) વિખંડીય કે નલિકાકીય અતિવિકસન

(lobular or ductal hyperplasia)

  9. અગાઉ થયેલું સ્તનનું પેશીપરીક્ષણ (biopsy)
10. ઋતુસ્રાવસ્તંભન પછી લાંબો સમય ઇસ્ટ્રોજન વડે સારવાર
11. આયનકારી વિકિરણનો વહેલો સંસર્ગ

ખોરાકમાં પ્રાણિજ ચરબી(ઘી, માખણ, પનીર વગેરે)નું પ્રમાણ વધુ હોય તો સ્તનનું કૅન્સર થવાની શક્યતા વધે છે, પરંતુ વધુ કૅલરીવાળો ખોરાક કે જાડું શરીર હોય તો તેથી સ્તનના કૅન્સરની શક્યતા વધતી નથી એવું મનાય છે. મધ્યમ પ્રમાણથી વધુ દારૂ લેવાની ટેવથી સ્તનના કૅન્સરનું જોખમ વધે છે. સારણી 1માં વ્યાધિસંભાવિતા (risk) વધારતાં પરિબળો દર્શાવ્યાં છે.

જો સ્તન કે અંડપિડનું કૅન્સર નાની ઉંમરે થયું હોય, કુટુંબમાં 2 કે વધુ સ્ત્રીઓને 50 વર્ષથી ઓછી વયે થયું હોય, કુટુંબમાં BRCA1 કે BRCA2ની વિકૃતિ નોંધાયેલી હોય, સ્તન અને અંડપિંડ બંનેનું કૅન્સર થયું હોય કે એશ્કે નામી યહૂદી વંશ હોય તો જનીનીય તપાસ કરાવવી જરૂરી ગણાય છે.

સ્તનમાં થતી સૌમ્ય ગાંઠોને ‘તંતુકોષ્ઠીય પરિસ્થિતિ’ (fibrocystic condition) કહે છે. તેમાં થયેલો પેશીવિકાર જો ઍડિનૉસિસ, સિસ્ટ, ઍપ્રોક્રાઇન મેટાપ્લૅઝિયા, ડક્ટ એક્ટેસિયા, ફાઇબ્રોઍડિનોમા, ફાઇબ્રોસિસ, મંદ (mild) હાયપરપ્લેઝિયા, મેસ્ટાઇટિસ, સ્ક્વેમસ મેટાપ્લેઝિયા એવી સંજ્ઞા વડે વર્ણવાયો હોય તો તે સર્વ તકલીફોમાં કૅન્સર થવાનો કોઈ વિશેષ ભય હોતો નથી. પરંતુ મધ્યમ તીવ્રતાવાળું અતિવિકસન (moderate hyperplasia) કે અંકુરાર્બુદ (papilloma) થાય તો કૅન્સર થવાનું જોખમ બમણું વધે છે અને જો અલાક્ષણિક અતિવિકસન (atypical hyperplasia) હોય તો જોખમ પાંચગણું થઈ જાય છે (સારણી 2).

સારણી 2 : સ્તનમાં થતા કૅન્સર સિવાયના વિકારો

સૌમ્ય વિકારો કૅન્સર થવાનું જોખમ
1.

2.

3.

 

4.

5.

6.

7.

8.

 

9.

ગ્રંથિતા (adenosis)

કોષ્ઠ (cyst)

સમીપસ્રાવી પરાવિકસન

(apocrine metaplasia)

નલિકા વિસ્ફારણ (duct actasia)

સતંતુગ્રંથિઅર્બુદ (fibroadenoma)

તંતુતા (fibrosis)

સ્તનશોથ (mastitis)

શલ્કસમ પરાવિકસન

(squamous metaplasia)

મંદ અતિવિકસન (mild hyperplasia)

વિશેષ જોખમ નહિ
10.

11.

અંકુરાર્બુદ (papilloma)

મધ્યમ તીવ્રતાવાળું અતિવિકસન

(moderate hyperplasia)

જોખમ બમણું વધે
12. અલાક્ષણિક અતિવિકસન

(atypical hyperplasia)

જોખમ 5ગણું વધે

પુરુષોમાં સ્તનનું કૅન્સર મોટી ઉંમરે થાય છે. ક્લાઇનફેલ્ટર સંલક્ષણ(syndrome)ના દર્દીઓમાં તેનો દર વધુ હોય છે (3 %).

નિર્દેશન અને નિદાન : સ્તનકૅન્સરના નિર્દેશન અથવા નિદાન માટે 3 મહત્વની પદ્ધતિઓ છે – જાતતપાસ (self examination), તબીબી તપાસ અને સ્તનચિત્રણ (mammography). 90 % કિસ્સામાં દર્દી પોતે જ ગાંઠ શોધી કાઢે છે, પરંતુ સ્તનની નિયમિત જાતતપાસ વડે તેનું ખૂબ વહેલા તબક્કામાં નિર્દેશન (detection) કરી શકાય છે. અમેરિકન કૅન્સર સોસાયટીએ સ્તનના કૅન્સરના નિદાન માટે કરેલી ભલામણ સારણી 3માં દર્શાવી છે. સ્તનની સ્વતપાસના ફાયદા વિવિધ અભ્યાસ દ્વારા સાબિત થયેલા છે. નિયમિત સ્વતપાસ એ સારી આરોગ્યપ્રદ ટેવ છે.

સારણી 3 : સ્તનના કૅન્સરના વહેલા નિર્દેશન માટેની માર્ગદર્શિકા

ઉંમર (વર્ષ) જાતતપાસ તબીબ દ્વારા તપાસ સ્તનચિત્રણ
1 20થી 40 વર્ષ દર મહિને દર ત્રણ વર્ષે 35થી 40 વર્ષ

વચ્ચે એક વખત

2 40થી 50 વર્ષ દર મહિને દર વર્ષે 1 અથવા 2 વર્ષે

નિયમિતપણે

3 50 વર્ષથી વધુ દર મહિને દર વર્ષે દર વર્ષે

જાતતપાસ કે તબીબી તપાસમાં 1 સેમી.થી નાની ગાંઠને શોધી કાઢવી અઘરી ગણાય છે. પરંતુ જો સપાટીની પાસેની 0.5 સેમી.થી પણ નાની ગાંઠ હોય તો તે જાણી શકાય છે. સ્તનચિત્રણમાં 10 % ગાંઠો શોધી શકાતી નથી માટે હાથ વડે સ્પર્શ કરીને કરાતી તપાસ વધુ આધારભૂત ગણાય છે. સામાન્યપણે આવી તપાસ ઋતુસ્રાવના પ્રથમ દિવસ પછી સાતમેથી દસમે દિવસે કરાય છે. આ સમયે સ્તનમાં અન્ય ગંડિકાઓ, પીડા કે સ્પર્શવેદના (tenderness) સૌથી ઓછી હોય છે. તપાસ સમયે પૂરતો પ્રકાશ હોવો જરૂરી ગણાય છે. કેમ કે તેનાથી ચામડીના રંગ અને સપાટીમાં થોડોક પણ નિશ્ચિત ફેરફાર જોઈ શકાય છે. સ્ત્રી પોતે ઊભાં ઊભાં, બેઠાં બેઠાં અને સૂતાં સૂતાં તપાસ કરે છે. જ્યારે તે ચત્તી સૂતી હોય ત્યારે સ્તન કોઈ એક બાજુ ઢળેલાં ન હોવાં જોઈએ. તેને બીજી બાજુ 30o જેટલું પડખું ફરીને સૂવાની અથવા હાથને માથા ઉપર રાખીને સૂવાની સલાહ અપાય છે. તેને કારણે સ્તનની સ્પર્શતપાસ (palpation) સુગમ થાય છે. આંગળીઓને હથેળી તરફની સપાટી વડે (ટોચ વડે નહિ) સ્તન પર ગોળ ગોળ ફેરવીને સ્પર્શતપાસ કરાય છે. બગલમાં જતી સ્તનની પૂંછની ખાસ તપાસ કરાય છે. સ્તનની ડીંટડી (ચુચુક, nipple) તથા તેની આસપાસના પરિપ્રદેશ-પરિચુચુક(areola)નું સ્થાન તથા સપાટી અને તેમાંથી નીકળતા સ્રાવ(પ્રવાહી)ની નોંધ લેવાય છે. આવી તપાસ બંને બાજુ પર કરાય છે. ત્યારબાદ તેને બેસવાનું કહેવાય છે અને સ્તનને ઉપર તથા નીચેથી – બંને હાથ વડે દબાવવામાં આવે છે. છેલ્લે તેને બંને હાથ ઉપર તરફ અને આગળ તરફ લંબાવવાનું કહેવામાં આવે છે. તે સમયે ચામડીમાં ખાડો પડતો હોય કે બંને સ્તનની ડીંટડીઓ (ચુચુકો) એક જ લીટીમાં ન હોય તો તે શંકાપ્રેરક ગણાય છે. સ્ત્રી પોતે આ તપાસ કરે તે માટે તે એક હાથ માથા પર રાખી સૂતાં સૂતાં બીજા હાથ વડે સ્તનની સ્પર્શતપાસ કરે છે અને અરીસા સામે ઊભાં રહીને સ્તનની સપાટી પરની વિકૃતિઓની નોંધ લઈ શકે છે. સ્તન પરની ચામડી તથા નીચેના સ્નાયુ અને હાડકાં પર સ્તન છૂટથી હાલી શકે એટલાં છૂટાં હોવાં જોઈએ. તેને સ્તનની જાતતપાસ અથવા સ્વપરીક્ષણ કહે છે.

સ્તનચિત્રણ (mammography) અને ધ્વનિચિત્રણ (sonography અથવા ultrasound) વડે તપાસ કરવાની પદ્ધતિઓ ખૂબ જ પ્રચલિત અને ઉપયોગી છે. સ્તનના કૅન્સરને કારણે થતા મૃત્યુનું પ્રમાણ તેના ઉપયોગથી ઘટ્યું છે. જે સ્ત્રીઓના કુટુંબમાં સ્તનના કૅન્સરના દર્દી હોય તે સિવાય અન્ય કોઈ પણ સ્ત્રીને 40 વર્ષ પહેલાં નિયમિત મૅમોગ્રાફી(સ્તનચિત્રણ)ની સલાહ અપાતી નથી. યુવાન સ્ત્રીઓના સ્તનની પેશી ઘનિત (dense) હોવાને કારણે તેનું ચિત્રણ ખાતરીપૂર્વકનું નિદાન આપતું નથી. જોકે સામુદાયિક તપાસમાં કરાતા ચયનેક્ષણ(screening)ના કાર્યક્રમોમાં યુવાન સ્ત્રીઓમાં પણ તે ઉપયોગી સાબિત થયેલી તપાસપદ્ધતિ છે. મૅમોગ્રાફી ઝેરોગ્રામ પદ્ધતિ

આકૃતિ 1 : સ્તનનું સ્વપરીક્ષણ (જાતતપાસ) : ઋતુસ્રાવ પછી તરત, ઋતુસ્રાવ બંધ થઈ ગયો હોય તો દર 1લી તારીખે સ્તનનું સ્વપરીક્ષણ કરવા માટે અપાતી સૂચના : (1, 2) દર્પણ સામે ઊભા રહો. પ્રથમ બંને હાથ નીચે રાખીને તથા ત્યારબાદ બંને હાથ ઊંચા કરીને જુઓ : સ્તનની ચામડીમાં ખાડો, કરચલીઓ, સોજો છે ? ડીંટડી (ચુચુક) કોઈ એક બાજુ ખેંચાયેલી છે ? ડીંટડી (ચુચુક) દબાવતાં તેમાંથી પ્રવાહી બહાર આવે છે ?, (3થી 8) સૂઈ જાઓ, ડાબા ખભાની નીચે ઓશીકું મૂકો, ડાબો હાથ માથા નીચે રાખો, જમણા હાથની હથેળી અને આંગળીઓની સપાટીથી સ્પર્શો, આંગળીઓની ટોચથી નહિ : કઠણ ભાગ કે ગાંઠ છે ? સૌપ્રથમ ડાબા આખા સ્તન પર હથેળી ફેરવો (3), સ્તનના અંદરના અને નીચેના ભાગથી શરૂ કરી (4), સ્તનના ઉપરના અને બહારના ભાગ સુધી હથેળી ફેરવો (5), તેવી જ રીતે સ્તનના નીચેના અને બહારના ભાગથી શરૂ કરી (6), બગલમાં હથેળી ફેરવો (7), સૂતાં સૂતાં બંને હાથ વડે સ્તનને ઉપર-નીચે તથા આજુબાજુ હલાવો (8), આ જ પ્રમાણે જમણી બાજુ પર પણ કરો.

અથવા ઓછી માત્રાવાળી ફિલ્મની પદ્ધતિથી થાય છે. સામાન્ય રીતે 0.01 Gy(1 rad)ની એક્સ-રે માત્રા વડે બે દિશામાંથી ચિત્રણો લેવાય છે. મૅમોગ્રાફીની મદદથી સૂક્ષ્મ કૅલ્સીકરણ (microcalcification) દર્શાવી શકાય છે, જે અતિસીમિત (in situ) કૅન્સરના નિદાનમાં ઉપયોગી છે. તેમાં સ્તનમાં કૅલ્શિયમ જમા થયું હોય તેવા ઝીણા વિસ્તારો જોવા મળે છે. સૉનોગ્રાફી સૂક્ષ્મ કૅલ્સીકરણ દર્શાવી શકતું નથી અને તેથી તે પ્રારંભિક સામુદાયિક તપાસ માટે ઉપયોગી નથી. જોકે સ્તનના કૅન્સરના વહેલા નિર્દેશનમાં તે મૅમોગ્રાફીની જેમ ઉપયોગી તપાસપદ્ધતિ છે. બંને તપાસપદ્ધતિઓના વપરાશ અંગેનાં સૂચન સારણી 3માં દર્શાવ્યાં છે. એમઆરઆઈ ચિત્રણો મેળવીને વધુ ચોકસાઈથી નિદાન કરી શકાય છે. સ્તનમાં ગાંઠ કૅન્સરની છે કે નહિ તે માટેનું સમસ્થાનિક વીક્ષણ (isotope scanning) મદદરૂપ રહે છે.

સારણી 4 : સ્તનની શરૂઆતની ગાંઠના નિર્દેશન માટેની  ચિત્રણતપાસપદ્ધતિઓ

દર્દીની ઉંમર (વર્ષ) ચિત્રણતપાસપદ્ધતિ (imaging modality)
1

2

 

 

3

 

 

4

20 વર્ષથી નીચે

20થી 30 વર્ષ

 

 

30થી 35 વર્ષ

 

 

36 વર્ષ અને વધુ

ઉંમર

ફક્ત સૉનોગ્રાફી (ધ્વનિચિત્રણ)

સૉનોગ્રાફી : કોષ્ઠીય (cystic) વિસ્તાર હોય તો વધુ

તપાસ નહિ, અન્યથા મૅમોગ્રાફી (પ્રવાહી ભરેલી

પુટિકાને કોષ્ઠ કહે છે.)

કુટુંબમાં સ્તનનું કૅન્સર ન હોય તો (2) પ્રમાણે; અને

સ્તનના કૅન્સરની કૌટુંબિક માહિતી હોય તો (4)

પ્રમાણે

મૅમોગ્રાફી અને જો મૅમોગ્રાફીમાં કોઈ વિકૃતિ ન

હોય તો સૉનોગ્રાફી

સ્તનના કૅન્સરનું નિદાન પાતળી સોય વડે શોષી કાઢેલા કોષોની કોષવિદ્યા(cytology)લક્ષી તપાસ (fine needle aspiration cytology, FNAC) અથવા રોગગ્રસ્ત વિસ્તારમાંથી ટુકડો લઈને જીવપેશીપરીક્ષણ (biopsy) વડે કરાય છે. બાયૉપ્સી વડે નિશ્ચિત નિદાન કરાય છે. ચાલુ શસ્ત્રક્રિયા વખતે ઝડપથી નિદાન કરવા માટે અતિશીત જીવપેશીપરીક્ષણ (frozen section) કરાય છે.

દર્દીની મુખ્ય ફરિયાદ અને તપાસનું મુખ્ય ચિહન સ્તનમાં થયેલી ગાંઠ હોય છે. સામાન્ય રીતે એક જ સ્તનમાં એક કઠણ, ઘન, અનિયમિત, પીડા વગરની અને ઘણી વખત ચોંટેલી ગાંઠ થાય છે. કેટલાક દર્દીઓમાં સ્તનમાંથી થોડાક પ્રવાહીનો બહિ:સ્રાવ (discharge) થાય છે. ક્યારેક તેમાં લોહી પડે છે. આ ઉપરાંત ચામડી અંદર તરફ ખેંચાઈ હોય, ડીંટડી (ચુચુક) એક બાજુ અથવા અંદર ખેંચાઈ હોય, ચામડી નારંગી-મોસંબીની છાલ જેવી ખરબચડી થઈ હોય, બગલમાં ગાંઠો થઈ હોય અથવા અન્ય અવયવોમાં કૅન્સર ફેલાયેલું હોય તો તેનાં ચિહનો અને લક્ષણો જોવા મળે છે. સ્તનમાંની ગાંઠ સૌમ્ય (benign) છે કે કૅન્સરગ્રસ્ત છે તે શોધી કાઢવામાં આવે છે. શંકાસ્પદ ગાંઠમાં કૅન્સરના નિદાન માટે તબીબી તપાસ, મૅમોગ્રાફી, સૉનોગ્રાફી તથા બાયૉપ્સી કે FNACની જરૂર પડે છે. ક્યારેક દર્દીને અન્ય વિકારો પણ થાય છે, જેમ કે ડર્મેટોમાયોસાયટિસ, ઍકન્થોસિસ નિગ્રીકાન્સ, કુશિંગનો સિન્ડ્રોમ, હાયપરકૅલ્સિમિયા વગેરે. તેને ક્યારેક બીજું કૅન્સર પણ થાય છે. સ્તનના કૅન્સર સંબંધિત લોહીની તપાસમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું વધેલું સ્તર યકૃત કે હાડકાંમાં કૅન્સર ફેલાયું છે એવું સૂચવે છે માટે તેનો સમાવેશ કરાય છે. CA 15.3 અને CA 27 : 29 નામના કૅન્સરસૂચકો(tumour markers)નું લોહીનું પ્રમાણ જાણવાથી પણ ઉપયોગી માહિતી મળે છે. તેમનો રોજબરોજની સારવારમાં વ્યાપક ઉપયોગ નથી.

વર્ગીકરણ : સારવારના પરિણામ પર રોગના પ્રકાર કરતાં તબક્કાની અસર વધુ હોય છે. વધુ તીવ્રતા-અંક(high grade)વાળા અથવા અતિ-અલ્પ વિભેદિત (poorly differentiated) કૅન્સર કરતાં ઓછી (low) તીવ્રતા-અંકવાળા કે પૂર્ણ વિભેદિત (well differentiated) કૅન્સરમાં જીવનકાળ લાંબો હોય છે. પ્રથમ તબક્કાના 80 %થી 95 % દર્દીઓ 5 વર્ષથી વધુ જીવે છે. મોટા ભાગનાં દર્દી(78 %)ને આક્રમક નલિકાજન્ય ગ્રંથિકૅન્સર (invasive duct adenocarcinoma) થાય છે જ્યારે 9 % દર્દીઓને લૉબ્યુલર કાર્સિનોમા થાય છે. અન્ય પ્રકારનાં કૅન્સર ઘણી ઓછી સંખ્યામાં થાય છે. સ્તનના કૅન્સરને નલિકાકીય (ductal), ઉપખંડીય (lobular), ડીંટડી સંબંધિત (nipple), પ્રકીર્ણ પ્રકારો એમ વિવિધ પ્રકારોમાં વહેંચવામાં આવે છે. નલિકાકીય કૅન્સરને નલિકાંત: (intraductal), આક્રમક (invasive), કોમેડો, શોથકારી (inflammatory), મજ્જાકીય (medullary), શ્ર્લેષ્મીય (mucinous), અંકુરિત (papillary), તંતુકઠિન (scirrhous), નલીય (tubular) વગેરે ઉપપ્રકારોમાં વહેંચાય છે. ઉપખંડીય કૅન્સર અતિસીમિત (in situ) અથવા આક્રમક હોય છે. ડીંટડીમાં પેજેટનો રોગ થયો હોય તો તેની સાથે ઘણી વખત નલિકાંત: કે આક્રમક નલિકાકીય કૅન્સર થાય છે. પ્રકીર્ણ પ્રકારમાં અવિભેદિત કૅન્સરનો સમાવેશ થાય છે.

આકૃતિ 2 : સ્તનનું કૅન્સર : (1) સ્તન, (2) પરિચુચુક (areola), (3) ડીંટડી, (4) ગ્રંથિઓ, (5) નલિકાઓ, (6) સ્નાયુ, (7) T0 તબક્કાની ગાંઠ, (8) T1 તબક્કાની ગાંઠ, (9) T2 તબક્કાની ગાંઠ, (10) T3 તબક્કાની ગાંઠ, (11) T4 તબક્કાની ગાંઠ,(12) નારંગીની છાલ જેવી સ્તનની ચામડી (T4 તબક્કો), (13) શોથકારી કૅન્સર (T4 તબક્કો). (અ) સ્તનની સામાન્ય રચના, (અથી ઐ) સ્તનના કૅન્સરના વિવિધ તબક્કા, (ઉ) સ્નાયુ કે હાડકાંમાં ફેલાવો, (ઊ) સ્તનની ચામડી અસરગ્રસ્ત, (એ) ચામડી, સ્નાયુ તથા હાડકાં અસરગ્રસ્ત, (ઐ) સ્તનનું ઇન્ફલેમેટરી કૅન્સર.

આ ઉપરાંત સ્તનમાં સિસ્ટોસાર્કોમા ફાયલોડ્સ, એન્જિયોસાર્કોમા તથા લિમ્ફોમા પ્રકારનાં કૅન્સર પણ થાય છે. કૅન્સર સીધેસીધું આસપાસની પેશીમાં, લસિકાવાહિનીઓ (lymphatics) અને લોહીની નસો દ્વારા ફેલાય છે. સામાન્ય રીતે તે સ્થાનિક લસિકાગ્રંથિઓ (lymphnodes), ચામડી, હાડકાં, યકૃત, ફેફસાં અને મગજમાં ફેલાય છે. રોગપ્રતિકારમાં ઉપયોગી લસિકાભપેશી(lymphoid tissue)ના બનેલા પિંડો(nodes)ને લસિકાગ્રંથિ કહે છે. તે મોટી થાય અને તેમાં દુખાવો થાય ત્યારે તેને વેળ ઘાલવી કહે છે. સામાન્ય રીતે તેને ડોક, બગલ, ઊરુપ્રદેશ વગેરે વિસ્તારોમાં સહેલાઈથી દર્શાવી શકાય છે. જેમ ગાંઠનું કદ મોટું અને જેમ તેનો તીવ્રતા-અંક વધુ તેમ લસિકાગ્રંથિઓમાં ફેલાવાનો દર વધુ હોય છે. લસિકાગ્રંથિમાં ફેલાયેલું કૅન્સર અન્યત્ર ફેલાય છે. તેથી અસરગ્રસ્ત લસિકાગ્રંથિની સંખ્યા અને સ્થાન જાણવાં મહત્વનાં ગણાય છે. મધ્યરેખા તરફના ગોળાર્ધમાં થતું કૅન્સર મુખ્યત્વે છાતીમાંની અંત:વક્ષીય (internal mammary) ગ્રંથિઓમાં ફેલાય છે, જ્યારે બગલ તરફના ગોળાર્ધમાંનું કૅન્સર બગલમાંની ગ્રંથિઓમાં ફેલાય છે. બગલની ગ્રંથિઓમાં આખા સ્તનમાં કોઈ પણ સ્થળે થતી ગાંઠ ફેલાય છે. કૅન્સરગ્રસ્ત પેશીમાં ઇસ્ટ્રોજન અને / અથવા પ્રોજેસ્ટેરોન નામના અંત:સ્રાવો(hormones)ના સ્વીકારકો (receptors) હોય તો સામાન્ય રીતે તે કૅન્સર ધીમે વિકસે છે અને તેમાં જીવનકાળ લાંબો હોય છે. તેમની મદદથી સારવારપદ્ધતિ નિશ્ચિત કરી શકાય છે. જો HER2/neu નામના સ્વીકારકની હાજરી હોય તો તે વધુ આક્રમકતા સૂચવે છે. જોકે તેમાં ટેસ્ટુઝુમેબ નામનું એક એકકોષગોત્રીય પ્રતિદ્રવ્ય (monoclonal antibody) સારવારમાં વાપરી શકાય છે જે પરિણામને ઘણું સુધારે છે. સ્તનની શસ્ત્રક્રિયા કરવાથી કે વિકિરણનની સારવાર આપવાથી તેના ફેલાવાનો દર ઘટાડી શકાતો નથી. સ્તનના કૅન્સરનું TNM વર્ગીકરણ અને તબક્કા સારણી 5માં દર્શાવ્યા છે.

અપેક્ષાનુમાની પરિબળો (prognostic factors) : સ્તન અને લસિકાગ્રંથિમાંની ગાંઠની લાક્ષણિકતાઓ વડે સારવારના પરિણામની કેવી અપેક્ષા રાખી શકાય તે સૂચવી શકાય છે. સ્તનની 1 સેમીથી નાની ગાંઠની સારવારનું પરિણામ સરસ રહે છે. જેમ ગાંઠ મોટી તેમ પરિણામ ઓછું સારું. તેવી રીતે બગલમાં અસરગ્રસ્ત લસિકાગ્રંથિઓની સંખ્યા જેટલી ઓછી તેટલું પરિણામ વધુ સારું. ગાંઠને સૂક્ષ્મદર્શક વડે તપાસતાં પેશીવિદ્યાકીય (histologic) કે કોષકેન્દ્રીય (nuclear) તીવ્રતાંક (grade) ગણી કઢાય છે. તે જેટલો ઓછો તેટલું પરિણામ વધુ સારું. આક્રમક નલિકાકીય (invasive ductal) કૅન્સર કે ઉપખંડીય (lobular) કૅન્સરનું પરિણામ સમાન હોય છે. શ્લેષ્મીય (mucinous) અથવા કલિલીય (colloid) અને મજ્જાકીય (medullary) કૅન્સરની 3 સેમીથી નાની ગાંઠની સારવાર વધુ ફળદાયી રહે છે. ગાંઠમાં ઇસ્ટ્રોજન/પ્રોજેસ્ટેરોનના સ્વીકારકો (receptors), જેમને અનુક્રમે ER અને PR સંજ્ઞાથી દર્શાવાય છે તે હોય તો તે લાભકારક રહે છે. HER2 / neu નામના પ્રોટીન દર્શાવતી ગાંઠ વધુ આક્રમક હોય છે.

સારવાર : પ્રારંભિક સારવાર શસ્ત્રક્રિયા છે. ત્યારબાદ દવાઓ અથવા / અને વિકિરણન-ચિકિત્સાની સહાયક (adjuvant) સારવાર અપાય છે. ફરીથી તે જ સ્થળે થતી નાની ગાંઠને દૂર કરી શકાય છે. હાડકાં કે મગજમાં ફેલાયેલા કૅન્સરમાં વિકિરણનની સારવાર અપાય છે જ્યારે કોઈ પણ સ્થળે ફેલાયેલા કે ફરીથી થતા કૅન્સર માટે કૅન્સરવિરોધી દવાઓ (કિમોથેરાપી) અપાય છે. દવાઓ મુખ્યત્વે 2 પ્રકારની છે – કૅન્સરવિરોધી દવાઓ અને અંત:સ્રાવી ઔષધો (endocrine agents).

સારણી 5 : સ્તનના કૅન્સરનું TNM વર્ગીકરણ અને તબક્કા

તબક્કો મૂળ ગાંઠ (T) લસિકાગ્રંથિ

(N)

અન્યત્ર

ફેલાવો (M)

TNM

વર્ગીકરણ

0 Tis : અતિસીમિત

(in situ) કૅન્સર

અથવા ડીંટડીમાં

પૅજેટનો રોગ

N0 M0 Tis N0 M0
I T1 : વધુમાં વધુ

વ્યાસ 2 સેમી.

N0 M0 T1 N0 M0
II T2 : 2થી 5

સેમી. વ્યાસ

N1 : બગલ-

માંની હલાવી

શકાતી ગાંઠ

M0 T0–1 N1 M0,

T2 N0–1 M0

III A T3 : 5 સેમી.થી

મોટી ગાંઠ

N2 : બીજી

લસિકાગ્રંથિ,

ચામડી કે

છાતીની

દીવાલ સાથે

ચોંટેલી

લસિકાગ્રંથિની

ગાંઠ,

M0 T0–2 N2 M0,

T3 N0–2 M0

III B T4 : ચામડી કે

છાતીની દીવાલ

સાથે ચોંટેલી ગાંઠ,

ચામડીમાં રોગ,

ચામડીમાં ચાંદું કે

સ્તનનો સોજો કે

સ્તન પરની

નારંગીની છાલ

જેવી ચામડી

(peau de’ orange)

N3 :

હાંસડીની

ઉપર કે

નીચેની ગાંઠ,

હાથ પર

લસિકાશોથ

(lympho-

edema)

અથવા સોજો

M0 T0–3 N3 M0

T4 N –3 M0

IV કોઈ પણ કદ કોઈ પણ સ્થિતિ M1 : અન્ય

અવયવમાં

ફેલાવો

T0–4 N0–3

M1

નોંધ : N0 અને M0 એટલે અનુક્રમે લસિકાગ્રંથિમાં કે અન્ય અવયવોમાં કૅન્સર

ફેલાયેલું નથી.

પ્રારંભિક સારવાર રૂપે સ્તન અને બગલમાંથી અસરગ્રસ્ત ગાંઠો કાઢવાની શસ્ત્રક્રિયાને મૉડિફાઇડ રૅડિકલ મૅસ્ટેક્ટોમી (MRM) અથવા તેને સુધારેલું નિ:શેષ (આમૂલ) સ્તન-ઉચ્છેદન કહે છે. પ્રથમ 2 તબક્કામાં ફક્ત ગાંઠ કાઢીને વિકિરણન-સારવાર આપવાનું સૂચવાયેલું છે. તેને કારણે સ્તનને સાચવી રાખી શકાય છે. વિવિધ અભ્યાસ થયા હોવા છતાં હજુ સ્તન સાચવવા(breast preservation)ની શસ્ત્રક્રિયાની જેમ જ MRM પ્રચલિત છે. સ્તનમાં એકથી વધુ ગાંઠ હોય, સ્તનચિત્રણ(mammography)માં વ્યાપક રીતે ફેલાયેલું સૂક્ષ્મકેલ્સીકરણ જોવા મળે કે ગાંઠ સ્તનની મધ્યે હોય, તો ફક્ત ગાંઠ કાઢીને સ્તન બચાવી લેવાની શસ્ત્રક્રિયા થતી નથી. સ્તન સાચવવાની શસ્ત્રક્રિયાને સ્તનપરિરક્ષક (breast preservation) શસ્ત્રક્રિયા અથવા અર્બુદોચ્છેદન (lumpectomy) કહે છે જ્યારે આખા સ્તનને તથા બગલમાંની ગાંઠોને કાઢવાની શસ્ત્રક્રિયાને પરિવર્તિત નિ:શેષ (આમૂલ) સ્તનોચ્છેદન (modified redical mastestectomy, MRM) કહે છે. એક સેમીથી મોટી ગાંઠ હોય, 3થી વધુ લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત હોય, અંત:સ્રાવી સ્વીકારકો(hormonal receptors)ની તપાસ નકારાત્મક હોય તથા તીવ્રતા-અંક વધુ હોય તેવા કૅન્સરમાં શસ્ત્રક્રિયા પછી સહાયક સારવાર રૂપે દવાઓ અપાય છે. બગલમાંની લસિકાગ્રંથિઓ કાઢવાથી રોગનો તબક્કો જાણી શકાય છે તથા તેની સારવાર પણ થાય છે. જોકે તેનાથી દેખાવમાં ક્ષતિ અને 5 % દર્દીઓમાં હાથમાં સોજો કે ચેતાઓને ઈજા થવાનો ભય છે. મૂળ હૉલ્સ્ટેની નિ:શેષ (અથવા આમૂલ) શસ્ત્રક્રિયા(radical surgery)માં સ્તન, તેની નીચેના પૅક્ટોરાલિસ સ્નાયુઓ તથા તેની સાથેની બગલમાંની પેશીને દૂર કરાય છે. જે દર્દીમાં પૅક્ટોરાલિસ સ્નાયુ અસરગ્રસ્ત થયો હોય તેમનામાં જ હાલ નિ:શેષ (આમૂલ) શસ્ત્રક્રિયા કરાય છે. અન્ય બધા જ દર્દીઓમાં અર્બુદોચ્છેદન અથવા MRM કરાય છે. મધ્યરેખા તરફના ગોળાર્ધમાં ગાંઠ થઈ હોય તો સ્તન ઉપરાંત છાતીમાંની ઇન્ટર્નલ મેમરી લસિકાગ્રંથિઓ દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે.

આકૃતિ 3 : સ્તનના કૅન્સરનો લસિકાગ્રંથિમાં ફેલાવો : (1) સ્તન, (2) વક્ષાસ્થિ (sternum), (3) હાંસડીનું હાડકું, (4) લોહીની નસો, (5) પેક્ટોરાલિસ માયનોર સ્નાયુ, (6) લસિકાગ્રંથિઓ, (7) બગલમાંની લસિકાગ્રંથિઓમાં N1 તબક્કાનો ફેલાવો, (8) ચોંટેલી, અસરગ્રસ્ત N2 તબક્કાની લસિકાગ્રંથિઓ, (9) N3 તબક્કાની લસિકાગ્રંથિઓ, (10) હાંસડીની ઉપરની લસિકાગ્રંથિઓમાં ફેલાવો (M1) તબક્કો.

બગલમાં ગાંઠો હોય તો જીવનકાળ ઘટે છે. બગલમાંની લસિકાગ્રંથિઓને 3 સ્તરમાં વહેંચવામાં આવેલી છે : સ્તર (level)  1 એટલે પૅક્ટોરાલિસ માયનોર સ્નાયુની બહારની બાજુ, સ્તર 2 એટલે તેની નીચે તથા સ્તર 3 એટલે તેની અંદરની બાજુ પર આવેલી લસિકાગ્રંથિઓમાં રોગનો ફેલાવો થયો છે એવું સૂચવે છે. આવો ફેલાવો ક્રમિક હોતો નથી, પરંતુ તે જોખમની તીવ્રતા સૂચવે છે. MRMની સારવાર પછી પ્રથમ તબક્કાના દર્દી 5 વર્ષથી વધુ જીવે છે (95 %). દર્દીની બગલમાંની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત છે કે નહિ તે જાણવા ભૂરા રંગના રંજકદ્રવ્ય (dye) કે વિકિરણનશીલ (radioactive) દ્રવ્ય વડે દ્વારરક્ષક (senilinel) લસિકાગ્રંથિ અસરગ્રસ્ત છે કે નહિ તે જાણવાના પ્રયોગો ચાલે છે. નિષ્ણાત હાથમાં તે 92 %થી 95 % કિસ્સામાં સફળ રહે છે.

અતિસીમિત (in situ) લૉબ્યુલર કૅન્સરની દર્દી સામાન્ય રીતે યુવાન હોય છે. તે ક્યારેક બંને સ્તનમાં થાય છે (25 %). 35 %  દર્દીઓમાં પાછળથી બંને સ્તનનું આક્રમક (invasive) કૅન્સર થાય છે. આવા દર્દીમાં કૅન્સરગ્રસ્ત વિસ્તાર દૂર કરવાથી માંડીને બંને બાજુના સ્તનને દૂર કરવાની શસ્ત્રક્રિયા કરવાનાં વિવિધ પ્રકારનાં સૂચનો થયેલાં છે. ઇન્વેસિવ ડક્ટ કાર્સિનોમાના અતિસીમિત તબક્કામાં સ્તન કાઢી નાખવામાં આવે છે અથવા કૅન્સરગ્રસ્ત ભાગ કાઢી નાખીને વિકિરણનની સારવાર અપાય છે. 2 % દર્દીઓમાં બગલના નીચેના ભાગની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત હોય છે તેથી કેટલાક નિષ્ણાતો તેને દૂર કરવાનું સૂચવે છે.

પ્રારંભિક સારવારમાં કેટલીક તકલીફો ઉદભવે છે. હાથ પર લસિકાજન્ય (lymphatic) સોજો આવે છે (10 %થી 25 %). તેને લસિકાશોફ (lymphoedema) કહે છે. તે ઉપરાંત ખભાના સ્નાયુઓનું હલનચલન મર્યાદિત અને પીડાકારક બને છે. શસ્ત્રક્રિયાના ઘાની રૂઝપેશી (scar) જાડી થાય છે. લસિકાશોફને કારણે વારંવાર ચેપ લાગે છે અને ક્યારેક (ભાગ્યે જ) તેમાં લસિકાવાહિની-માંસાર્બુદ (lymphangiosarcoma) થાય છે. વિકિરણન-સારવારને કારણે ચામડીમાં કાળાશ આવે છે. જો તે સ્તનમાં ફરીથી કૅન્સર ઉદભવે તો શસ્ત્રક્રિયામાં તકલીફ પડે છે.

સ્તનમાંની મૂળ ગાંઠ મોટી થયેલી હોય (T3 કે T4 તબક્કો) તો શસ્ત્રક્રિયા પહેલાં દવા કે વિકિરણન અપાય છે. આવા સંજોગોમાં 40 %થી 50 % દર્દીઓને 5 વર્ષનો જીવનકાળ મળી રહે છે. સગર્ભાવસ્થા હોય તોય સ્તનના કૅન્સરની સારવાર અપાય છે. કૅન્સરની સાથે શોથજન્ય સોજો (inflammatory swelling) હોય તો પહેલાં દવાઓ અપાય છે ત્યારબાદ શસ્ત્રક્રિયા તથા વિકિરણન-સારવાર અપાય છે. પુરુષોના સ્તનના કૅન્સરમાં MRMની શસ્ત્રક્રિયા કરાય છે. તેમાં ઘણી વખત પૅક્ટોરાલિસ સ્નાયુ દૂર કરવો પડે છે.

MRM શસ્ત્રક્રિયા પછી પ્લાસ્ટિકના આવરણમાં સિલિકોન જેલ ભરી શકાય એવી સંયોજના (device) કરીને પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા કરી શકાય છે. ક્યારેક કાયમી કૃત્રિમ સ્તન (artificial breast) મૂકવાની પદ્ધતિ અપનાવાય છે. કૃત્રિમ-ઉપાંગ(prosthesis)ને બદલે સ્નાયુ-ચામડીનો પટ્ટો (myo-cutaneous flap) મૂકવાની શસ્ત્રક્રિયા પણ કરી શકાય છે. આવી પુનર્રચનાલક્ષી સારવાર દરેક દર્દીમાં વપરાતી નથી. મોટાભાગનાં દર્દીઓ કૃત્રિમ સંયોજનાનો ઉપયોગ કરીને ક્ષતિ છુપાવે છે.

શસ્ત્રક્રિયા વડે કરાતી પ્રારંભિક સારવાર સંપૂર્ણ ગણાતી નથી. તેમને સહાયક (adjuvant) સારવાર અપાય છે. આવી સહાયક સારવાર સમયે શરીરમાં કોઈ દેખીતો રોગ હોતો નથી. હાલ સામાન્ય રીતે જેમની બગલની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત થઈ હોય અને ઋતુસ્રાવ આવતો હોય તેવી યુવાન સ્ત્રીઓમાં કૅન્સરવિરોધી દવા (chemotherapy) અપાય છે તથા ઋતુસ્રાવ બંધ હોય અને ER/PR નામના અંત:સ્રાવી સ્વીકારકોની હાજરી હોય તો ટૅમૉક્સિફીન અથવા એરોમિટેઝ ઇન્હિબિટર જૂથની દવા વડે અંત:સ્રાવી સારવાર કરવામાં આવે છે. 1થી 3 લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત હોય તો પરિણામ ઘણું સારું હોય છે અને 10થી વધુ લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત હોય તો બહુ ફાયદો થતો નથી. સામાન્ય રીતે સાઇક્લોફૉસ્ફેમાઇડ, મિથોટ્રેક્ઝેટ, 5-ફ્લ્યુરોયુરેસિલ, ડૉક્સોરુબિસિન, પેક્લિટેક્સેલ વગેરે દવાઓના વિવિધ પ્રકારના જૂથ કરીને સામૂહિક ઔષધ સારવાર કરાય છે. તેમને CMF, FAC, CAF, TAC, AC વગેરે વિવિધ સંજ્ઞાઓ વડે ઓળખવામાં આવે છે (સારણી 6). 14 મહિના સુધી જેમને રોગનો ઊથલો ન મારે તેમને લાંબા ગાળાનો ફાયદો થાય છે.

સારણી 6 : સ્તનકૅન્સરમાં વપરાતા ઔષધસમૂહો

ક્રમ ઔષધ

સમૂહ

ઔષધ માર્ગ દિવસ આવર્તન

(cycle)

આવર્તન

સંખ્યા

1. AC ડૉક્સોરુબિસિન

સાઇક્લોફૉસ્ફેમાઇડ

શિરા

શિરા

1

1

દર 21

દિવસે

4
2. CMF સાઇક્લોફૉસ્ફેમાઇડ

મિથોટ્રેક્ઝેટ

5-ફલ્યુરોયુરેસિલ

મુખ

શિરા

શિરા

1થી 14

1 અને 8

1 અને 8

દર 25

દિવસે

 

6

3. AC + P ડૉક્સોરુબિસિન

સાઇક્લોફૉસ્ફેમાઇડ

પેક્લિટેક્સેલ

શિરા

શિરા

શિરા

1

1

1

દર 21

દિવસે

4

 

4

નોંધ : ACનાં 4 આવર્તનો પછી પેક્લિટેક્સેલનાં 4 આવર્તનો કરાય છે.
4. CAF સાઇક્લોફૉસ્ફેમાઇડ

5-ફલ્યુરોયુરેસિલ

ડૉક્સોરુબિસિન

અથવા

એપિરુબિસિન

શિરા

શિરા

શિરા

 

શિરા

1

1

1

 

1

 

દર 21

દિવસે

 

6

5. TAC ડોસિટેક્સેલ

સાઇક્લોફૉસ્ફેમાઇડ

ડૉક્સોરુબિસિન

શિરા

શિરા

શિરા

1

1

1

દર 21

દિવસે

4થી 6

ઋતુસ્રાવ બંધ થયો હોય, બગલમાંની લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત હોય અને અંત:સ્રાવી (ખાસ કરીને પ્રોજેસ્ટેરોન) સ્વીકારકોની હાજરી હોય, તો ટેમોક્સિફેન કે ઍરોમિટેઝ ઇન્હિબિટર વડે લાંબા ગાળા માટેની સહાયક સારવાર કરાય છે. વધુ આક્રમક કૅન્સર હોય અને ઋતુસ્રાવ બંધ થયો હોય તેવી સ્ત્રીઓને કૅન્સરવિરોધી દવાઓ વડે સારવાર અપાય છે.

અન્યત્ર ફેલાયેલા કૅન્સરમાં કૅન્સરવિરોધી દવાઓ અને અંત:સ્રાવી સારવાર અપાય છે. ધીમે ધીમે વધતું અને અંત:સ્રાવી સ્વીકારકો ધરાવતું કૅન્સર ઋતુસ્રાવ બંધ થયેલી સ્ત્રીને થયું હોય અને તે અન્યત્ર ફેલાયેલું હોય તો લેટ્રેઝોલ કે અન્ય ઍરોમિટેઝ ઇન્હિબિટર વડે કાબૂમાં લેવાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં કૅન્સરવિરોધી દવાઓ અપાય છે.

અંત:સ્રાવી સારવાર નિષ્ફળ જાય, અંત:સ્રાવી સ્વીકારકો ન હોય અથવા આક્રમક અને ઝડપથી ફેલાતો રોગ હોય તો કૅન્સરવિરોધી દવાઓ અપાય છે. જે દર્દીની ગાંઠમાં HER-2 નામના પ્રોટીનની હાજરી દર્શાવી શકાતી હોય તેમાં ટ્રેસ્ટુઝુમેબ (હર્સેપ્ટિન) નામની દવા શસ્ત્રક્રિયા પછીની સહાયક સારવાર રૂપે તથા શરીરમાં અન્યત્ર ફેલાયેલા કૅન્સરની રાહતદાયી સારવાર રૂપે અપાય છે. તે મોંઘી સારવાર છે. તે હૃદયની ક્ષમતા ઘટેલી હોય તો આપતી વખતે વિશેષ સાવચેતી રાખવી પડે છે.

ફક્ત ગાંઠ કાઢીને સ્તન જાળવી રખાયું હોય, T3 કે વધુ મોટી ગાંઠ હોય, 3થી વધુ લસિકાગ્રંથિઓ અસરગ્રસ્ત થઈ હોય, તો શસ્ત્રક્રિયા પછીની સહાયક સારવારમાં વિકિરણન-ચિકિત્સા અપાય છે. સામાન્ય રીતે તેને ઔષધચિકિત્સા પછી કે તેની વચમાં અપાય છે. 4,500થી 5,000 × 1,000થી 1,500 CGYની માત્રામાં વિકિરણન-ચિકિત્સા અપાય છે.

અંત:સ્રાવી સારવાર (hormone therapy) : સ્તન અંત:સ્રાવો વડે નિયંત્રિત અવયવ છે. સ્તનના કૅન્સરમાં ઘણી વખત ER/PR – અંત:સ્રાવ સ્વીકારકો (hormone receptors) જોવા મળે છે. તેવા દર્દીમાં ટેમોક્સિફેન, એનેસ્ટ્રેઝોલ, લેટ્રોઝોલ અને એક્ઝિમસ્ટિન નામની ઇસ્ટ્રોજન-વિરોધી દવાઓ સહાયક સારવાર કે રાહતદાયી સારવાર રૂપે અપાય છે. તેમાંની પાછલી 3 દવાઓને ઍરોમિટેઝ ઇન્હિબિટર ઔષધો કહે છે.

અતિસીમિત (in situ) કૅન્સર : ઉપખંડીય (lobular) ઉપપ્રકારને કૅન્સર ગણવામાં આવતું નથી. આવી દર્દીની વારંવાર શારીરિક તપાસ તથા 4થી 12 મહિના માટે ટેમોક્સિફેન વડે સારવાર કરાય છે. નલિકાકીય (ductal) ઉપપ્રકારને નલિકાકીય અતિસીમિત કૅન્સર (ductal carcinoma in situ, DCIS) કહે છે. સારવાર રૂપે ગાંઠને શસ્ત્રક્રિયાથી દૂર કરીને ટેમોક્સિફેન અપાય છે.

સ્થાનિક અતિવર્ધિત સ્તનકૅન્સર (locally advanced breast cancer, LABC) અને શોથકારી (inflammatory) સ્તનકૅન્સર : તે 5 સેમીથી મોટું (T3, T4), ચામડીમાં સીધેસીધું પ્રસરેલું (T4) અથવા બગલમાંની ચોંટેલી ગાંઠો(N2)વાળું કૅન્સર હોય છે. શરૂઆતની સારવારમાં ઔષધચિકિત્સા (chemotherapy) અપાય છે (AC + P). તેને પૂરતી સફળતા મળે પછી શસ્ત્રક્રિયા કરાય છે જેના પછી છાતીના તે ભાગ અને હાંસડી ઉપરના ગળાના ભાગ પર વિકિરણન-ચિકિત્સા અપાય છે.

સ્થાનાંતરિત (metastatic) કે અન્યત્ર ફેલાયેલું કૅન્સર : દર્દીની તકલીફો ઘટાડવા માટે ઔષધચિકિત્સા તથા વિકિરણન-ચિકિત્સાનો ઉપયોગ કરાય છે. અંત:સ્રાવી ચિકિત્સા રૂપે ટેમોક્સિફેન, એનેસ્ટ્રેઝોલ, લેટ્રેઝોલ, એક્ઝિમસ્ટિન, લ્યુપ્રોલિડ તથા ગોસેરેસિન (ઝોલાડેક્સ) વપરાય છે. ઋતુસ્રાવ આવતો હોય તેવી સ્ત્રીમાં અંડપિંડ-ઉચ્છેદન (oophorectomy) દ્વારા અંડપિંડને દૂર કરવાની સારવાર પણ કરી શકાય છે. હાડકાંમાં પ્રસરેલા કૅન્સરમાં બિસ્ફોસ્ફોનેટ (ઝોલેન્ડ્રોનિક ઍસિડ) અને વિકિરણન-સારવાર ઉપયોગી છે. અગાઉ વર્ણવેલાં ઔષધો ઉપરાંત કૅપેસિટાબિન, સિસ-પ્લૅટિન, કાર્બોપ્લૅટિન, જેમ્સાયટાબિન, વિનોરેલ્બિન, વિન્ક્રિસ્ટિન વગેરે ઔષધો પણ ઉપયોગી છે. સ્થાનિક પુન:સક્રિય કૅન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણન-ચિકિત્સા તથા ઔષધો વપરાય છે.

પુરુષોનું સ્તનકૅન્સર : MRMની શસ્ત્રક્રિયા કરાય છે. ત્યારબાદ તેમને ઉપર જણાવેલા સિદ્ધાંતો પ્રમાણે સારવાર અપાય છે.

શિલીન નં. શુક્લ

જયવીરસિંહ ઝાલા