કૅન્સર વૉર્ડ, ધ : નોબેલ પારિતોષિકવિજેતા (1970) રશિયન નવલકથાકાર ઍલેક્ઝાન્ડર સૉલ્ઝિનિત્સિનની નવલકથા. રાષ્ટ્રની નીતિ વિરુદ્ધ લેખનકાર્ય બદલ તેમને 1953 બાદ સાઇબીરિયામાં દેશનિકાલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને કૅન્સરની બીમારી લાગુ પડી. તેથી તેમને હૉસ્પિટલમાં દાખલ કરી તેમના પર શસ્ત્રક્રિયા કરવામાં આવી. હૉસ્પિટલમાં થયેલા અનુભવો પર આ નવલકથા રચાઈ છે. તેમની અન્ય નવલકથાઓની જેમ આમાં પણ સ્વાનુભવ આલેખાયેલો હોઈ તે હૃદ્ય અને અસરકારક બની છે. લગભગ 1967માં લખાયેલી આ નવલકથા સૌપ્રથમ રશિયા બહાર પશ્ચિમમાં પ્રગટ થઈ હતી. નવલકથાની હસ્તપ્રતની નકલો સાહિત્યિક વર્તુળોમાં ફરતી થઈ હતી અને તેમાંથી તે રશિયા બહાર પગ કરી ગઈ અને પ્રગટ થઈ.

સોવિયેટ સેન્ટ્રલ એશિયાની કોઈક હૉસ્પિટલમાં જીવલેણ કૅન્સરમાં સપડાયેલા દર્દીઓનાં કીડિયારાં ઊભરાયાં છે. એ પશ્ચાદભૂમિકામાં નાદુરસ્ત નાયક કૉસ્તોગ્લોતૉવની મનોવ્યથા અને વેદના કલાત્મક સંરચનાવિધાન પામી છે. કૅન્સર હૉસ્પિટલનું વાતાવરણ પણ હૃદયદ્રાવક અને તાર્દશ છે. પણ સામ્યવાદના ભરડામાં ભીંસાતું સમસ્ત રશિયા કૅન્સર વૉર્ડમાં ફેરવાઈ ગયું છે એ હકીકત લેખકના અજંપાનું મૂળ કારણ છે. વાત કૅન્સરની હૉસ્પિટલની અને તેમાંના યાતનાગ્રસ્ત નાયકની, પણ એનો અભિધા સ્તરે જે કલાવિનિમય થયો છે તે સાહિત્યિક ર્દષ્ટિએ મૂલ્યવાન છે જ, પરંતુ તે તત્કાલીન રાજનીતિ અને રાજકર્તાઓ વિશેની વ્યંગાત્મક અભિવ્યક્તિમાં માનવીય ગરિમાની તેમની ખેવના પ્રગટ કરે છે. ભિન્ન ભિન્ન પ્રતીકો દ્વારા નીપજતી તેમની અભિવ્યક્તિ સ્થાનિક સ્થળ-કાળને ઓળંગીને શાશ્વત તથા વૈશ્વિક પ્રતિઘોષ પાડે છે.

લેખકની કથાત્રયીના છેલ્લા સોપાનરૂપ આ નવલકથામાં રશિયાની પરંપરાગત ગદ્યશૈલીનો તથા પુષ્કળ પ્રમાણમાં લોકબોલીનો વિનિયોગ થયો છે. આસ્વાદ્ય સાહિત્યિક કૃતિ હોવા ઉપરાંત ‘કૅન્સર વૉર્ડ’ વેધક કટાક્ષથી રંગાયેલી રાજકીય નવલકથા પણ છે. રૂઝાનોવ આખરે તો નોકરશાહીનો લાક્ષણિક નમૂનો છે. એ વિચારે છે કે તેણે ઢગલાબંધ પુરુષો તથા સ્ત્રીઓને મૃત્યુમાર્ગે દોર્યાં છે અથવા સરકારી ફરજમાંથી મુક્ત કરીને કેદખાનાંમાં સબડાવ્યાં છે. આ બધું પોતે પોતાના કુટુંબની સુખસગવડ ખાતર જ કર્યું છે એવું તેનું મનગમતું બહાનું છે. આખરે સામ્યવાદ શેના માટે છે એવો પ્રશ્ન નવલકથાના અંતે પડઘાયા કરે છે.

આવા રાજ્યવિદ્રોહી લેખનકાર્ય બદલ સૉલ્ઝિનિત્સિનને રશિયાનું નાગરિકત્વ ગુમાવવું પડ્યું હતું અને તેમણે ફરજિયાત પશ્ચિમ જર્મનીમાં વસવાટ કર્યો હતો.

ધીરુ પરીખ

વિ. પ્ર. ત્રિવેદી