કૅના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસી અને ઉપકુળ કૅનેસીની એક પ્રજાતિ. 67 જેટલી જાતિઓ ધરાવે છે. તેની ઘણી ઉદ્યાન-જાતો સંકરિત છે અને તેને સુંદર પર્ણો અને પુષ્પો માટે ઉછેરવામાં આવે છે. પુષ્પોનો રંગ આછા પીળાથી માંડી ઘેરા કિરમજી સુધીના હોય છે. Canna edulis જેવી જાતિઓની ગાંઠામૂળી ખાદ્ય હોય છે.

કૅનાની લગભગ બધી જ જાતિઓ ભૂમિગત ગાંઠામૂળીમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે છે. ખાદ્ય જાતિઓની ગાંઠામૂળી શોભન-જાતિઓની ગાંઠામૂળી કરતાં વધારે સુગંધિત હોય છે અને ટેનિન અને રેસા ઓછા ધરાવે છે.

C. edulis (ક્વિસલૅંડ કે પર્પલ ઍરોરૂટ) સુંદર બહુવર્ષાયુ શાકીય જાતિ છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂળનિવાસી છે. તે ઉષ્ણકટિબંધના વિવિધ પ્રદેશોમાં કંદિલ, ખાદ્ય ગાંઠામૂળી માટે ઉગાડવામાં આવે છે અને ક્વિસલૅંડ એરોરૂટ સ્ટાર્ચનું ઉત્પાદન કરે છે. તે મ્યાનમાર અને શ્રીલંકામાં સફળતાપૂર્વક ઉછેરવામાં આવે છે.

કૅના કાંકરાવાળી અને ભારે ભેજવાળી માટીયુક્ત મૃદા સિવાયની મોટાભાગે બીજી બધા પ્રકારની મૃદામાં ઊગે છે. તે 1.8 મી.થી 2.5 મી. ઊંચાઈ ધરાવે છે અને 15-20 ગાંઠામૂળીના સમૂહો ઉત્પન્ન કરે છે. ગાંઠામૂળી ખીચોખીચ જથ્થા સ્વરૂપે વિકસે છે. અનુકૂળ મૃદા અને આબોહવામાં તે ખૂબ સારું ઉત્પાદન આપે છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં તેની જુદી જુદી જાતો વિકસાવાઈ છે, જેમના પર્ણસમૂહના રંગ, પ્રકાંડની ઊંચાઈ, ગાંઠામૂળીનું કદ, આકાર અને બંધારણમાં પુષ્કળ વિવિધતાઓ હોય છે.

કૅના સ્ટાર્ચ ચળકતા આછા પીળા રંગના કણિકામય ચૂર્ણ સ્વરૂપે હોય છે. તેની કણિકાઓ નરી આંખે જોઈ શકાય તેવી હોય છે. સ્ટાર્ચ સરળતાથી પચી શકે તેવો હોય છે. બાળકો અને રોગીઓના ખોરાક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ગાંઠામૂળી અને પર્ણો ઢોરોના ખાણ તરીકે ઉપયોગમાં લેવાય છે.

C. orientalis Rosc. syn. C. indica Linn. var, orientalis Rosc. (ગુ. કદડી, અક્કલબેર, વૈજયન્તી, હિં. સર્વજજ્ય, બજરબટ્ટુ; મ. દેવકેલી; ક. કલાહુ; ત. કાલ્વાલાઈ; તે. કૃષ્ણતમારા; મલા. કટ્ટુવાલા; અં. ઇંડિયન શૉટ, સ્વીટફ્લાવર) બહુવર્ષાયુ શાકીય જાતિ છે અને આછા કિરમજી રંગનાં કે પીળાં પુષ્પો ધરાવે છે. તેનું સમગ્ર ભારતમાં સુંદર પુષ્પો અને પર્ણો માટે વાવેતર થાય છે. તેની ઘણી જાતો (varieties) કેળવાઈ છે; દા.ત., કાંસાના રંગનાં પર્ણો અને લાલ પુષ્પોવાળી ‘હિંગ હમ્બર્ટ’, લીલાં પર્ણો અને લાલ પુષ્પોવાળી ‘પ્રેસિડેન્ટ’, પીળાં પુષ્પોવાળી ‘માસ્ટર પીસ’, આછાં પીળાં પુષ્પોવાળી ‘તાજમહાલ’, નારંગી રંગનાં પુષ્પોવાળી ‘મિસિસ વૂડ્રો વિલ્સન’, ભપકાદાર ગુચ્છાવાળી ‘સ્ટાર ઑવ્ ઇંડિયા’ વગેરે.

તેનું વાવેતર ચોમાસામાં ઑગસ્ટથી ઑક્ટોબર દરમિયાન ગાંઠામૂળી દ્વારા થાય છે. તેની સારી વૃદ્ધિ માટે પૂરતા પ્રમાણમાં સિંચાઈની આવશ્યકતા રહે છે. સારાં ભરાવદાર અને આકર્ષક પુષ્પો મેળવવા તેની પ્રતિવર્ષ નવા ક્યારામાં રોપણી જરૂરી છે.

તેનું પુષ્પ 6 પરિદલપત્રો (petals) ધરાવે છે. 6 પુંકેસરોમાંથી 5 આકર્ષક, રંગીન, વંધ્ય અને દલાભ (petaloid) હોય છે. તે પૈકી બે દલાભ પુંકેસરો જોડાઈને ઓષ્ઠક (labellum) બનાવે છે. બાકીના એક પુંકેસરમાં પરાગાશયનો એક જ ખંડ ફળાઉ હોય છે. તેનો બાકીનો ભાગ દલાભ હોય છે. શોભન જાતોમાં ફળ કે બીજ બેસતાં નથી. વન્ય જાતોમાં જ ફળ થાય છે.

તેનાં મૂળ પ્રસ્વેદક (diaphorctic) અને મૂત્રલ (diuretic) તરીકે તાવ અને જલશોથ(dropsy)માં સ્થાનિક ઔષધ સ્વરૂપે ઉપયોગી થાય છે. તેના દંડના ટુકડા કરી ભાતના પાણી અને મરી સાથે ઉકાળી ઝેરી ઘાસની અસરો નાબૂદ કરવા ઢોરોને પ્રતિવિષ (antidote) તરીકે આપવામાં આવે છે.

બીજ કાળાં, ગોળ અને ચળકતાં હોય છે અને ગળાનો હાર અને જપમાળા બનાવવા વપરાય છે. તેઓ પાકે તે પહેલાં એકત્રિત કરી તેમને કાણાં પાડી સૂકવવામાં આવે છે. બીજ સુંદર જાંબલી રંગ આપે છે.

મ. ઝ. શાહ

જ. પુ. ભટ્ટ

બળદેવભાઈ પટેલ