કૃત્રિમ બુદ્ધિમત્તા : માનવબુદ્ધિનાં કાર્યો યંત્ર દ્વારા ગોઠવવાની કુશળતા. યાદ રાખવું, યાદદાસ્ત તાજી કરવી, તર્કથી વિચારવું, વિવિધ વિચારો વચ્ચે સંબંધ જોડવા, નવા વિચાર વિકસાવવા અગર વિચાર-વિસ્તાર કરવો, વ્યૂહરચનાઓ અને કાર્યક્રમ ઘડવા, અનુભવમાંથી શીખવું, પોતે પોતાને સુધારવું વગેરે માનવબુદ્ધિનાં કાર્યો કરવાની શક્તિ જ્યારે કોઈ યંત્ર દ્વારા ગોઠવવામાં આવે ત્યારે તે ‘કૃત્રિમ બુદ્ધિમત્તા’ કહેવાય છે. અદ્યતન તંત્રરચનાથી કમ્પ્યૂટર જ્યારે તેમાં ગોઠવેલા કાર્યક્રમો વચ્ચે પોતે આંતરસંબંધો જોડી અને આંતરક્રિયાઓ વડે અનુમાન ન કરી શકાય કે ધારણા ન કરી શકાય તેવાં ઉકેલ કે પરિણામ મેળવે ત્યારે તેમાં ‘કૃત્રિમ બુદ્ધિમત્તા’ વ્યક્ત થયેલી ગણાય છે.

સંચાલકો હવે માહિતીસંચાલન-સંહતિના ભાગ રૂપે નિર્ણય-ઘડતરમાં માનવબુદ્ધિને પૂરક એવા અગાઉથી તૈયાર કરેલા કાર્યક્રમો (decision support system) અને નિષ્ણાત જેવી સલાહ આપતા કાર્યક્રમો(expert systems)નો ઉપયોગ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તાને કામે લગાડે છે. દા.ત., ધંધાકીય પ્રવાસોના આયોજન માટે ‘ઓડિસી’ અને કાર્યને અનુરૂપ કુશળ કર્મચારીઓની ફાળવણી માટે ‘ઓમેગા’ નામના તૈયાર કાર્યક્રમો હવે બજારમાં મળી રહે છે.

જ. ઈ. ગઠિયાવાલા