કૂટનીતિ : પ્રાચીન ભારતીય કૌટિલ્યનીતિ અનુસાર, સાધનો કે ઉપાયોની નૈતિકતા કે શુદ્ધિની પરવા વિના પોતાનાં (વૈયક્તિક, જૂથગત કે રાષ્ટ્રીય) હિતોનું રક્ષણ અને જતન કરવા માટે આચરવામાં આવતી કાર્યરીતિ. કોઈ પણ શાસક માટે રાજકીય સત્તા અથવા પ્રભુત્વ એ જ ધ્યેય હોવાથી, સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યા સિવાય જેનાથી ધ્યેય સિદ્ધ થાય તેનો ઉપયોગ કૂટનીતિની વિભાવનામાં અભિપ્રેત છે. પશ્ચિમમાં મૅકિયાવેલી અને પ્રાચીન ભારતમાં કૌટિલ્ય, કૂટનીતિની આવી વિભાવનાના મુખ્ય પુરસ્કર્તા મનાય છે.

પ્રાચીન ભારતમાં કૌટિલ્યમનુ વગેરે શાસ્ત્રકારોએ કૂટનીતિનાં મુખ્ય ચાર અંગો ગણાવ્યાં છે. તેમના મત અનુસાર સામ, દામ, ભેદ અને દંડ એ કૂટનીતિનાં ચાર અંગો છે અને એનો ઉપયોગ સામાન્ય રીતે એ ક્રમમાં કરવાનો છે.

આંતરિક રાજકારણમાં સત્તાકાંક્ષી રાજા સત્તા અથવા પ્રભુત્વ પ્રાપ્ત કરવા, પ્રાપ્ત કરેલ સત્તાનું રક્ષણ કરવા, રક્ષાયેલ સત્તામાં વૃદ્ધિ કરવા, વૃદ્ધિ પામેલ સત્તાને ર્દઢમૂળ કરવા તેમજ તે છીનવાઈ ન જાય અથવા તે ક્ષીણ ન થાય તે સારુ ઉપર જણાવેલ કોઈ પણ સાધનનો ઉપયોગ કરે, ત્યારે તેણે કૂટનીતિનું આચરણ કર્યું એમ કહેવાય.

પણ રાજ્ય-રાજ્ય વચ્ચેના સંબંધો(હાલની પરિભાષામાં આંતરરાષ્ટ્રીય સંબંધો)માં કૂટનીતિના આ ચાર ઉપાયોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વ્યવસ્થિત, પદ્ધતિસર અને કંઈક અંશે શાસ્ત્રીય ચર્ચા, કૌટિલ્ય વગેરે પ્રાચીન રાજનીતિશાસ્ત્રીઓએ કરી છે. તેમના મત અનુસાર, શત્રુ સાથે પ્રથમ તો ‘સામ’ એટલે કે સમજાવટનો ઉપાય અજમાવવો જોઈએ. સમજાવટ, સ્તુતિ, પ્રશંસા વગેરે થકી શત્રુવટ છોડી દેવા અને શાંતિથી મિત્રભાવે રહે એ માટે શત્રુને સમજાવવો જોઈએ. પણ જો એમાં સફળતા ન મળે અને શત્રુ વધારે મક્કમ હોય અને ધનપ્રાપ્તિ એ એનો ઇરાદો હોય તો તેને ધન (‘દામ’) આપીને આક્રમણ કરતાં અટકાવવો જોઈએ. સંભવિત યુદ્ધથી થનાર ધનહાનિ કરતાં થોડું ધન આપીને જો યુદ્ધ અટકતું હોય તો તેમ કરવાનો રાજાએ પ્રયત્ન કરવો જોઈએ. ધનલાલસા એ આક્રમણ અને યુદ્ધ પાછળનું મહત્વનું પ્રેરક બળ હોવાથી કૌટિલ્ય વગેરે શાસ્ત્રકારો ધન આપીને યુદ્ધ અટકતું હોય તો અટકાવવાનો પ્રયાસ કરી જોવાની હિમાયત કરે છે. પણ જો આ બન્ને ઉપાયો નિષ્ફળ જાય તો પ્રથમ ‘ભેદ’ એટલે કે શત્રુના રાજ્યમાં (તેનાં કુટુંબીજનો, મંત્રીઓ, સલાહકારો, સૈન્ય, વહીવટી તંત્ર વગેરેમાં) ફાટફૂટ, વિખવાદ, વિસંવાદિતા, કુસંપ વગેરે ઊભાં કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ‘ભેદ’નીતિના પ્રયોગમાં જાસૂસ અને ‘દૂત’નો ખાસ ઉપયોગ કરવો જોઈએ. રાજ્યની શક્તિ એની એકતા અને એખલાસમાં રહેલી છે, માટે તેને નિર્બળ બનાવવા વિખવાદ અને ફાટફૂટનો રાજાએ ઉપયોગ કરવો એવી હિમાયત કૌટિલ્ય વગેરે શાસ્ત્રકારોએ કરી છે; અને છેલ્લે ‘ભેદ’થી પણ જો કાર્ય સિદ્ધ ન થાય તો ‘દંડ’ એટલે કે શસ્ત્રબળનો ઉપયોગ કરતાં રાજાએ અચકાવું ન જોઈએ. ‘દંડ’નો પ્રયોગ કરતી વખતે રાજાએ ઉપરના ત્રણે ઉપાયોનો ઉપયોગ બરાબર જારી રાખવો જોઈએ. ‘દંડ’નો પ્રયોગ કરતાં અગાઉ રાજાએ સૈન્ય અને તેને આનુષંગિક તમામ તૈયારીઓ બરાબર કરી લેવી જોઈએ. યુદ્ધના મેદાનમાં સૈન્યની ગોઠવણી, આક્રમણની વ્યૂહરચના, શસ્ત્રાદિની પૂરતી સજ્જતા, રસદ અને કુમકનો બરાબર પ્રબંધ, ‘શત્રુના શત્રુ’ સાથે મૈત્રી અને તેની સહાય અને તે શક્ય ન હોય તો તેની ‘ઉદાસીનતા’, આ બધું અંકે કરીને જ રાજાએ આ અંતિમ ઉપાયનો ઉપયોગ કરવો એવી સ્પષ્ટ સલાહ કૌટિલ્યે આપેલી છે. ‘દંડ’નો પ્રયોગ અંતિમ ઉપાયનો ઉપયોગ કરવો એવી સ્પષ્ટ સલાહ કૌટિલ્યે આપેલી છે. ‘દંડ’નો પ્રયોગ અંતિમ ઉપાય હોવાથી એમાં રહેલાં જોખમોનું રાજાએ બરાબર આકલન કરી લેવું જોઈએ, એમ પણ શાસ્ત્રકારો જણાવે છે.

આમ, આંતરિક પણ વિશેષત: આંતરરાજ્ય રાજકારણમાં પોતાનાં સત્તા, પ્રભાવ અને હિતોના રક્ષણ કાજે સત્તાકાંક્ષી શાસકે સાધનોની ઝાઝી ચિંતા કર્યા વિના જે નીતિનું આચરણ કરવું જોઈએ એને કૂટનીતિની સંજ્ઞા ભારતના પ્રાચીન શાસ્ત્રકારોએ આપી છે.

દિનેશ શુક્લ