કૂચબિહાર (Coochbehar) : પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 26o 20′ ઉ. અ. અને 89o 20’ની આજુબાજુના) આશરે 3,387 ચોકિમી જેટલો વિસ્તાર આવરી લે છે. ભૌગોલિક ર્દષ્ટિએ તે હિમાલયના તરાઈ વિસ્તારનો એક ભાગ છે. તેની ઉત્તર અને પશ્ચિમ તરફ જલપાઈગુરી જિલ્લો, પૂર્વ તરફ આસામનો ગોલપાડા જિલ્લો તથા દક્ષિણ તરફ બાંગ્લાદેશનો રંગપુર જિલ્લો આવેલા છે. આ જિલ્લાનું નામ કૂચ જાતિના લોકોની ભૂમિ એવો થાય છે. કૂચ જાતિના લોકો રાજ્યના ઈશાન ભાગમાં વસે છે તથા ‘બિહાર’ નામ વાસ્તવિક અર્થમાં ‘વિહાર’ તરીકે ઘટાવાય છે. જિલ્લામથક કૂચબિહાર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાનો મોટો ભાગ સમતળ મેદાની પ્રદેશથી બનેલો છે. જિલ્લામાં રક્ષિત તેમજ બિનવર્ગીકૃત જંગલો આવેલાં છે.

તોરસા અને સંકોશ અહીંની મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત અસંખ્ય નાની નાની નદીઓ પણ પસાર થાય છે. કૂચબિહાર નગરમાં સાગરદીઘી, બૈરાગીદીઘી અને લાલદીઘી નામનાં ત્રણ રમણીય સરોવરો આવેલાં છે.

ખેતીપશુપાલન : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ડાંગર, ઘઉં, કઠોળ, તેલીબિયાં તથા બટાટા, શેરડી, શણ અને મેસ્તાની ખેતી થાય છે. નદીઓ તથા ઊંડા અને છીછરા ટ્યૂબવેલનાં પાણીથી ખેતી થાય છે. ગાય, ભેંસ અને બકરી અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં ચૌદ જેટલાં કારખાનાં કાર્યરત છે તેમાં ડાંગર, છડવાની મિલો, ચા-પ્રક્રમણ, બીડીઓ, લાકડાની લાટીઓ, પ્લાયવુડ વગેરેના એકમોનો સમાવેશ થાય છે; આ ઉપરાંત સામયિકો, પુસ્તકો, જર્નલો, ઍટલાસ, નકશા, સંગીત-ડિરેક્ટરી વગેરે છાપવાના તથા પ્રકાશિત કરવાના એકમો પણ છે. વિદ્યુત-ઊર્જા ઉત્પાદન, મોટરગાડીઓ-મોટરસાઇકલોનું સમારકામ તેમજ ચા ભરવાનાં પ્લાયવુડનાં ખોખાં તૈયાર કરવાનું કામ પણ થાય છે.

કૂચબિહાર

કૂચબિહાર નગર જિલ્લાનું મુખ્ય વ્યાપારી મથક છે. અહીં તમાકુ, શણ, ચોખા, કઠોળ અને રાઈનો વેપાર થાય છે. તમાકુની પેદાશો, બીડીઓ, સાબુ. જેવી ચીજોનું ઉત્પાદન લેવાય છે. શણ અને તમાકુની નિકાસ તથા કાપડ, ચોખા, ખાંડ, કોલસો, મીઠું વગેરેની આયાત કરવામાં આવે છે.

પરિવહન : જિલ્લામાં બધી જ નદીઓ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે; જ્યારે મુખ્ય માર્ગો પૂર્વ-પશ્ચિમ જાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 31 કૂચબિહાર નગરમાંથી પસાર થાય છે. ન્યૂ જલપાઈગુરીથી ન્યૂ બોંગાઈગાંવ(આસામ)નો બ્રૉડગેજ રેલમાર્ગ કૂચબિહાર નગરની નજીકથી પસાર થાય છે. આ ઉપરાંત અલીપુરદ્વારથી ગીતાલદહાનો મીટરગેજ રેલમાર્ગ પણ કૂચબિહાર નગરને જોડે છે. જિલ્લાના આશરે 1,500 કિમીના સડકમાર્ગો પૈકી 600 કિમીના રસ્તા પાકા છે. માનસી અને દીપા નદીઓમાં ચોમાસાની ઋતુ પૂરતો હોડી-વ્યવહાર ચાલે છે.

પ્રવાસન : જિલ્લામાં થોડાંક મંદિરો તથા સ્થાપત્યના અવશેષો જોવાલાયક છે. કૂચબિહાર નગરથી આશરે 10 કિમી અંતરે બાણેશ્વર શિવનું મંદિર આવેલું છે, તે અહીંના યાત્રાધામ સમું છે. આ ઉપરાંત કામટેશ્વરી મંદિર, મહાદેવ હરિહર મંદિર અને સિદ્ધેશ્વરી મંદિર પણ જાણીતાં છે. ગોસાનિમરી ગામ ખાતે કામટીપુર શહેરના ભગ્નાવશેષો નજરે પડે છે, જે જૂના વખતના રાજવીઓ તથા તેમની સમૃદ્ધિનો ખ્યાલ આપે છે. અહીં પૂર્વ-પશ્ચિમ લંબાઈ ધરાવતો અંદાજે 32 કિમીના પરિઘમાં પથરાયેલો ત્રિકોણાકાર કિલ્લો પણ છે. તેની અંદર અને બહાર તરફ 24 કિમી લંબાઈની ખાઈ ખોદેલી છે. કૂચબિહાર નગર ખાતે ત્રણ સુંદર સરોવરો પણ જોવાલાયક છે. સાગરદીઘીની લંબાઈ 291 મીટર અને પહોળાઈ 165 મીટર જેટલી છે. તે 1807માં ખોદીને તૈયાર કરાયેલું છે. સાગરદીઘીની ઉત્તરે કૂચબિહાર મહેલ છે, જેની મુખ્ય ઇમારત તેના ભૂમિભાગથી આશરે 1.45 મીટરની ઊંચાઈથી શરૂ થાય છે, તે 4767 ચોમી.નો વિસ્તાર આવરી લે છે. તુફાનગંજ નગરમાં આવેલો ચિલારાય કિલ્લો અને ચિલારાય તળાવ પણ જોવાલાયક છે. વારતહેવારે મેળા તથા ઉત્સવો પણ યોજાય છે.

વસ્તીલોકો : 2024 મુજબ આશરે જિલ્લાની વસ્તી 31,16,218 છે. બંગાળી અને હિન્દી અહીં બોલાતી મુખ્ય ભાષાઓ છે. જિલ્લામાં હિન્દુ-મુસ્લિમની વસ્તી વિશેષ છે; જિલ્લાના આશરે 50 % લોકો શિક્ષિત છે. શાળા-મહાશાળાઓ અને કૉલેજોનું પ્રમાણ મધ્યમસરનું છે. અહીં દસ જેટલી ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ આવેલી છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ જિલ્લો પોલીસ-સ્ટેશનો અને સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે.

ઇતિહાસ : અગાઉના વખતમાં કૂચબિહાર જે સામ્રાજ્યનો એક ભાગ હતો, તે આસામના હસ્તકમાં હતો. પ્રાચીન સમયમાં તે કામરૂપ તરીકે ઓળખાતો હતો. અહીં કામટા અને કામરૂપનાં સામ્રાજ્યો હતાં, તેનો ઉલ્લેખ આઇને અકબરી તેમજ બહારિસ્તાની-ગૈબીમાં જોવા મળે છે. પ્રાણનારાયણ અને મોદનારાયણ નામના કૂચબિહારના બે રાજવીઓ કામટા પર સત્તરમી સદીમાં શાસન કરતા હતા. સત્તરમી સદીના મધ્યકાળ દરમિયાન કામટા કૂચબિહાર તરીકે અને કામરૂપ કૂચહજો તરીકે ઓળખાતાં હતાં. 1773માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંધિ થઈ. કૂચબિહાર એક અલગ ભાગ તરીકે અસ્તિત્વમાં આવ્યું. ભારત સ્વતંત્ર થયા પછી તે પશ્ચિમ બંગાળમાં મુકાયું છે.

ગિરીશભાઈ પંડ્યા