કૂકડવેલ (કુકરપાડાની વેલ) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa echinata Roxb. (સં. દેવદાલી; હિં. સોનૈયા, બંદાલ, બિદાલી; બં. દેયતાડા; મ. દેવડાંગરી, કાંટેઇન્દ્રાવણ; ક. દેવદાળી, દેવડંગર; તે. ડાતરગંડી; અં. બ્રિસ્ટલીલ્યુફા) છે. તે પાતળી, અલ્પ પ્રમાણમાં રોમિલ અને ખાંચવાળું પ્રકાંડ ધરાવતી સૂત્રારોહી વનસ્પતિ છે. તે ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં વન્ય સ્થિતિમાં થાય છે. તે દ્વિશાખી સૂત્રો ધરાવે છે. પર્ણો વર્તુલાકાર (orbicular), વૃક્કાકાર (reniform) અને ઊંડું છેદન પામેલાં પાંચ-ખંડી કે પંચકોણીય હોય છે. નર પુષ્પવિન્યાસદંડ યુગ્મમાં હોય છે; એક શાખા એકપુષ્પી હોય છે; જ્યારે બીજી શાખા લાંબી 5-12 પુષ્પો ધરાવતી કલગી-સ્વરૂપે જોવા મળે છે. માદા પુષ્પો એકાકી હોય છે. ફળો લાંબાં કે ગોળાકાર હોય છે અને લગભગ 3.0 સેમી. લાંબાં, ખાંચારહિત અને પક્ષ્મલ (ciliate) ર્દઢલોમો (bristler) વડે આવરિત હોય છે.

ફળ પુષ્કળ પ્રમાણમાં કડવું અને રેસામય હોય છે. તે રેચક ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ જલોદર (dropsy), વૃક્કશોથ (nephritis), દીર્ઘકાલીન શ્વસનીશોથ (chronic bronchitis) અને ફેફસાંની તકલીફોમાં કરવામાં આવે છે. ફળનો આસવ પિત્તપ્રકોપ અને આંત્રશોથમાં આપવામાં આવે છે. તે દુર્ગંધિત તાવમાં અને કમળામાં શરીર પર લગાડવામાં આવે છે.

તેનું ફળ સ્ફટિકી કડવું ઘટક એકાઇનેટિન (0.33 %) અને સેપોનિન ધરાવે છે. બીજ પીળું કે બદામી લાલ મેદીય તેલ (11.1 %) ઉત્પન્ન કરે છે. તેલમાં 25 % સંતૃપ્ત અને 75 % અસંતૃપ્ત ફેટી ઍસિડ હોય છે.

કૂકડવેલ

આયુર્વેદ અનુસાર, તે ક્રાંતિકારક, ઉષ્ણ, કટુ અને તીક્ષ્ણ ગણાય છે. તે પાંડુ, કફ, દમ, ઉધરસ, મૂળવ્યાધિ, ક્ષય, કમળો, કૃમિ, હેડકી, તાવ, સોજો, વિષદોષ, ભૂતબાધા, અરુચિ અને ઉંદરના વિષનો નાશ કરે છે. તેનાં ફળ સારક અને કડવાં હોય છે અને ગુલ્મ, કૃમિ, કફ, શૂળ, અર્શ તેમજ કમળાનો નાશ કરે છે. એક મત પ્રમાણે કૂકડવેલ કડવી, દીપન, મૂત્રજનક, વિરેચક, શુક્રવિરેચક, વર્ણશોધક અને વર્ણરોપક હોય છે. યકૃત અને પ્લીહાની વૃદ્ધિ અને તેનાથી ઉત્પન્ન થયેલ જલોદર પર તે ગુણકારી છે. તેનો સર્પનાં વિષ, કમળો, ગંડમાલા, મધુરા, રાતના તાવ અને પાંડુરોગમાં ઉપયોગ કરવામાં આવે છે.

આ વનસ્પતિ તેના વિકાસના જુદા જુદા તબક્કામાં વિવિધ પ્રકારનાં ઍલ્કેલૉઇડનું સંશ્લેષણ કરતી હોવાથી રોગોના વિશાળ સમૂહ માટે ઉપયોગી ગણાય છે. તેનો મંદાગ્નિ, અજીર્ણ, યકૃતના રોગો, જીર્ણજ્વર, કમળો, શોથ અને કૃમિજ વ્યાધિઓમાં ઉપયોગ થાય છે. તેના હિમનું જો નસ્ય લેવામાં આવે તો કમળો નાક દ્વારા સ્રવી જાય છે અને પાંડુતા દૂર થાય છે.

તે જંતુઘ્ન ગુણધર્મ ધરાવતી હોવાથી જંતુજન્ય રોગોના વિશાળ સમૂહમાં ઉપયોગમાં લેવાય છે. કૉલેરાથી માંડી આંતરડાંના અનેક રોગો, શરદી, કફ અને ક્ષય જેવા રોગોમાં તે ઝાડા દ્વારા કે ઊલટી દ્વારા રોગને દૂર કરે છે, તેથી તેને થોડી માત્રામાં લેવાનું હિતકારી ગણાય છે.

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ