કુષ્ઠ (આયુર્વિજ્ઞાન) : માયકોબૅક્ટેરિયમ લેપ્રી (mycobacterium Leprae) નામના જીવાણુ સામેની કોષીય પ્રતિરક્ષા(cell-mediated, immunity)થી થતો લાંબા ગાળાનો રોગ. તેને હેન્સનનો રોગ પણ કહે છે. તેને કેટલાક લોકો ભૂલથી કોઢ(Leucoderma)ના નામે પણ ઓળખે છે. તે કોઢ કરતાં જુદો જ રોગ છે. તેના મુખ્ય બે ધ્રુવીય (polar) પ્રકાર છે : ક્ષયાભ (tuberculoid) અને વ્યાપક કુષ્ઠ રોગ (lepromatous leprosy). આ ઉપરાંત ત્રીજો પ્રકાર પણ છે – સીમાવર્તી (borderline) કુષ્ઠરોગ. ક્ષયાભ કુષ્ઠરોગ ચામડી અને ચેતાઓ(nerves)ને અસર કરે છે. વ્યાપક કુષ્ઠરોગ ચામડી, પરિઘીય (peripheral) ચેતાઓ, નાક અને ગળું, આંખ, શુક્રપિંડ તથા તનુતન્ત્વી-અંતચ્છદીય તંત્ર(reticulo-endothelial system)ને અસર કરે છે. શરૂઆતનો વિકાર આ ત્રણમાંથી ગમે તે એકમાં વિકસે છે.

આકૃતિ 1 : જી. એ. હેન્સન (1841 – 1912)

જીર્હાર્ડ હેન્રિક આર્મોર હૅન્સને 1873માં આ જીવાણુને ઓળખી બતાવ્યો હતો. તેને નિર્જીવ માધ્યમમાં કે પ્રાણીઓમાં પ્રાયોગિક ધોરણે ઉછેરવો મુશ્કેલ છે. તે કોષની અંદર રહેતો, દંડ આકારનો 1થી 7 મ્યુ જેટલો લાંબો, 0.25 મ્યુ જેટલો પહોળો જીવાણુ છે અને તેનો દેખાવ ક્ષયના જીવાણુને મળતો આવે છે. એક વખત અભિરંજિત કર્યા પછી તેને ઍસિડ વડે પણ બિન-અભિરંજિત કરી શકાતો નથી; માટે તેને ઍસિડ-સહ્ય (acid-fast) દંડાણુ (bacillus) કહે છે. તે વિર્શો(virchow)ના મહાકોષ(giant cell)માં સિગારના બંડલની જેમ સમૂહમાં જોવા મળે છે. જે દંડાણુનો કોષરસ વિભાજિત હોય તે મરેલા હોવાનું મનાય છે, જ્યારે જેમનો કોષરસ (cytoplasm) એકસરખો અભિરંજિત થાય છે તેમને જીવતા હોવાનું મનાય છે. તેમની સંખ્યાની ગણતરીને સ્વરૂપલક્ષી અંક (morphologic index) કહે છે. સામાન્ય ઉંદરડીના પગની ગાદીમાં તેને ઉછેરીને તેનો અભ્યાસ કરાય છે. જોકે તેને ત્યાં ઉછેરવા માટે 6-12 મહિના લાગે છે. વેડ(wad)ની છેદન દ્વારા ખોતરણ(scrapped incision)ની પદ્ધતિ દ્વારા આ જીવાણુને નિદાન તથા અભ્યાસ માટે દર્દીના શરીરમાંથી મેળવી શકાય છે. આ પદ્ધતિમાં અસરગ્રસ્ત ચામડીમાં લોહી ન આવે એવો 2-3 મિમી.નો નાનો છેદ મૂકવામાં આવે છે. છેદની એક બાજુને ખોતરવામાં આવે છે. આ માટે કાનની બૂટ કે ભ્રમરની ચામડી ઉપયોગમાં લેવાય છે. આવી રીતે મેળવેલી પેશીના માવાને સૂકવીને તથા અભિસ્થાપિત (fixation) કરીને ઝેલ-નેલ્સનની પદ્ધતિથી અભિરંજિત કરવામાં આવે છે. ક્ષયાભ પેશીવિકારમાં જીવાણુની સંખ્યા ઓછી હોય છે અને તેથી ઘણી વખત તે દર્શાવી શકાતા નથી. દર્દીનો રોગ જેમ જેમ ક્ષયાભ વિકારમાંથી વ્યાપક કુષ્ઠરોગ તરફ બદલાતો જાય તેમ તેમ તેના શરીરમાં કુષ્ઠરોગના જીવાણુની સંખ્યા વધતી જાય છે અને તે 1012 જીવાણુ જેટલી થઈ જાય છે. દર્દીની પેશીમાં જેટલા જીવાણુ હોય તેને દર્દીનો જીવાણુ-અંક (bacterial index) કહે છે.

કુષ્ઠજન પ્રતિક્રિયા (lepromin reaction) : કુષ્ઠરોગના દર્દીની પેશીમાંથી મેળવેલા મરેલા જીવાણુના નિલંબિત (suspended) પ્રવાહીને કુષ્ઠજન કહે છે. તે કુષ્ઠરોગકારી જીવાણુનો પ્રતિજન (antigen) ધરાવે છે. તેને જ્યારે ચામડીમાં ઇન્જેક્શન દ્વારા પ્રવેશ આપવામાં આવે છે ત્યારે ક્યારેક 48 કલાકમાં ટ્યુબર્ક્યુલિન જેવી પ્રતિક્રિયા (ફર્નાન્ડેઝની પ્રતિક્રિયા) અથવા અઠવાડિયામાં નાની ફોલ્લીઓવાળી (papular) મિત્સુદા(Mitsuda)ની પ્રતિક્રિયા ઉદભવે છે; તેને કુષ્ઠજન પ્રતિક્રિયા કહે છે. તે દરેક વ્યક્તિમાં થતી હોવાથી નિદાનસૂચક નથી, પરંતુ વ્યાપક કુષ્ઠરોગના દર્દીમાં જોવા મળતી નથી અને આમ તેને ક્ષયાભ કુષ્ઠરોગથી અલગ પાડીને તેનું નિદાન કરવામાં ઉપયોગી રહે છે.

વસ્તીવૃત્તશાસ્ત્ર (epidemiology) : દુનિયામાં આશરે 1થી 2 કરોડ વ્યક્તિ કુષ્ઠરોગના જીવાણુથી રોગગ્રસ્ત છે, જેમાંની મોટા ભાગની વ્યક્તિ વિકાસશીલ દેશોમાં છે. વિકાસશીલ દેશની વસ્તીના 1 %થી 2 % ઉપરાંત લોકો તેનાથી પીડાય છે. તે ભારત ઉપરાંત કોરિયા, ચીન અને મેક્સિકોમાં જોવા મળે છે. ભારતમાં તેનું વધુ પ્રમાણ આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને બંગાળમાં જોવા મળે છે. ગુજરાતમાં આશરે 1,00,000 દર્દી હોવાની ધારણા છે. તે ઘણે ભાગે કૌટુંબિક રોગ છે અને પતિ-પત્ની વચ્ચે તેનો ફેલાવો 5 %થી 10 % કિસ્સામાં જોવા મળે છે. જો યોગ્ય સારવાર ન લીધી હોય તો તેમનાં 30 %થી 50 % બાળકોમાં પણ તેમનો રોગ પ્રસરે છે. સામાન્ય રીતે ક્ષયાભ કુષ્ઠરોગનો દર્દી ચેપ ફેલાવતો નથી. દર્દીના નાકના અભિસ્રાવ(secretion)માંના જીવાણુ અન્ય વ્યક્તિઓમાં તેમની ચામડી કે નાકની શ્લેષ્મકલા (mucosa) દ્વારા પ્રવેશે છે એવું મનાય છે. ભારતમાં 80 % દર્દીઓ ચેપકારક હોતા નથી. ચેપ લાગ્યા પછી 3થી 5 વર્ષે તેનાં ચિહનો-લક્ષણો જોવા મળે છે. તેને જીવાણુનો સંવર્ધનકાળ (incubation period) કહે છે.

રુગ્ણતાજનન (pathogenesis) : તે સંસર્ગજન્ય (contagious) ચેપી રોગ છે. ચામડી કે નાકની શ્લેષ્મકલા દ્વારા પ્રવેશેલા જીવાણુઓ વ્યાપક કુષ્ઠરોગ કરે તો તે સમગ્ર શરીરમાં લોહી દ્વારા ફેલાય છે. તેને જીવાણુ-રુધિરતા (bacteraemia) કહે છે અને લોહીમાં પણ આ જીવાણુને દર્શાવી શકાય છે. ત્યારબાદ તે પેશીઓમાં સ્થાપિત થાય છે અને ચામડી, પરિઘીય ચેતાઓ, આંખનો આગળનો ભાગ, સ્વરપેટીથી ઉપરનો શ્વસનમાર્ગ, શુક્રપિંડ તથા હસ્ત અને પાદને અસર કરે છે. આ બધા જ ભાગનું તાપમાન 37° સે.થી નીચે હોય છે અને તેને કારણે જીવાણુ કદાચ આ ભાગોને પસંદ કરે છે. કોણી આગળની અલ્નર ચેતા ઢીંચણ પાસેની પેરોનિયલ ચેતા તથા કાનની પાછળની ચેતા ખાસ કરીને અસરગ્રસ્ત થાય છે. વ્યાપક કુષ્ઠરોગના દર્દીમાં યકૃત, બરોળ તથા અસ્થિમજ્જામાં પણ ક્યારેક જીવાણુ જોવા મળે છે, પરંતુ મોટેભાગે તે લોહીમાંથી દૂર કરાયેલા જીવાણુઓ છે. શરીરના અનેક ભાગોને અસર કરતો વ્યાપક કુષ્ઠરોગ શરીરમાં તેની સામેની પ્રતિરક્ષા (immunity) ઓછી છે એવું સૂચવે છે અને તેથી જ તે સમયે કુષ્ઠજન પ્રતિક્રિયા પણ જોવા મળતી નથી.

આકૃતિ 2 : કુષ્ઠરોગની સૂક્ષ્મ પેશીવિકૃતિ : (અ) લેપ્રાકોષોમાં કુષ્ઠરોગ કરતા જીવાણુઓ; (આ) કુષ્ઠરોગથી ગ્રસ્ત ચામડીનો ઊભો છેદ, (1) લેપ્રાકોષમાં જીવાણુઓ, (2) અધિત્વક્ (epidermis), (3) ત્વચાની કલિકાઓ, (4) અધિત્વક્ પ્રદેશમાં રોગગ્રસ્ત કોષોની ગીચતા, (5) કલિકાની નીચેના વિસ્તારમાં ફેલાયેલા રોગગ્રસ્ત કોષો.

પ્રકારો : કુષ્ઠરોગનાં ચિહનો-લક્ષણો, સૂક્ષ્મ પેશીવિકૃતિ (histo-pathology), કુષ્ઠજન(lepromin)-પ્રતિક્રિયાને આધારે તેના મુખ્ય પ્રકાર નક્કી કરવામાં આવેલા છે : (1) વ્યાપક કુષ્ઠરોગમાં વિવિધ પેશીઓ અને અવયવો અસરગ્રસ્ત થાય છે. તે શરીરની ડાબી અને જમણી બંને બાજુએ એક સમાન વિકૃતિ અને વિકારો સર્જે છે. તેમાં ફેલાયેલા ચિરશોથગંડ (diffuse granuloma) થાય છે. સૂક્ષ્મદર્શક દ્વારા તેમાં મહાભક્ષી કોષો (macrophages), વિર્શોના ફીણવાળા મહાકોષો, કોષોમાં રહેલા કુષ્ઠરોગના જીવાણુઓ તથા ઘણી વખત મોટામોટા ગોળ ગોળા જેવા ગઠ્ઠા જોવા મળે છે. કુષ્ઠજન-પ્રતિક્રિયા નકારાત્મક હોય છે. (2) ક્ષયાભ કુષ્ઠરોગ લક્ષણ-ચિહન-પટ (spectrum of clinical manifestations)ના બીજા છેડે જોવા મળતો વિકાર છે. તેમાં ચામડી પર સ્પષ્ટપણે અંકિત થયેલા એકાદ કે થોડા રોગવિસ્તારો (demarcated lesions) જોવા મળે છે. ચેતાઓમાં પણ વિકાર ઉદભવે છે. સૂક્ષ્મપેશીરચનાનો અભ્યાસ તેમાં લસિકાકોષો (lymphocytes), અધિચ્છદાભ (epitheloid) કોષો, ક્યારેક મહાકોષો (giant cells), બહુ જ થોડા અથવા નહિવત્ જીવાણુઓ વગેરે દર્શાવે છે. કુષ્ઠજન પ્રતિક્રિયાલક્ષી કસોટી વિધાયક અથવા હકારાત્મક (positive) પરિણામ આપે છે. (3) સીમાવર્તી કુષ્ઠરોગ અથવા દ્વિરૂપી (dimorphous) કુષ્ઠરોગનો દર્દી વ્યાપક અને ક્ષયાભ એમ બંને ધ્રુવીય પ્રકારના કુષ્ઠરોગનાં ચિહનો-લક્ષણો અને સૂક્ષ્મપેશીવિકૃતિ દર્શાવે છે. સારવાર ન કરાય તો તે કોઈ એક ધ્રુવીય પ્રકારમાં પરિણમે છે. જોકે એક ધ્રુવીય પ્રકારમાંથી બીજા ધ્રુવીય પ્રકારમાં પરિવર્તન થવાનું ભાગ્યે જ બને છે. દરેક પ્રકારના કુષ્ઠરોગમાં પરિઘીય ચેતાઓ હંમેશાં બીજી બધી જ પેશીઓ કરતાં વધુ પ્રબળતાથી અસરગ્રસ્ત થાય છે અને ક્યારેક ફક્ત ચેતાઓ એકલી જ અસરગ્રસ્ત થયેલી હોય છે.

ચિહનો અને લક્ષણો : (1) શરૂઆતનો તબક્કો : સૌપ્રથમ ચિહનો ચામડીમાં જોવા મળે છે. ઝાંખા કે ગાઢા લાલ રંગના એકાદ કે વધુ ડાઘા કે ફોલ્લીવાળા વિસ્તારો ઉદભવે છે. ક્યારેક ચામડીનો કોઈક ભાગ બહેરો થઈ જાય છે અથવા તેમાં વિષમ સંવેદનાઓ ઉદભવે છે. કુષ્ઠરોગના દર્દીના સંસર્ગમાં આવતી વ્યક્તિમાં સૌપ્રથમ તો બહેરી ચામડીના નાના નાના એકાદ કે વધુ વિસ્તારો જોવા મળે છે.

(2) ક્ષયાભ કુષ્ઠરોગ : સૌપ્રથમ ચામડી પર સહેજ બહેરાશ તથા તે સ્થળે ઝાંખા રંગનો સુસ્પષ્ટ ડાઘો જોવા મળે છે. ધીરે ધીરે તે મોટો થાય છે તથા ડાઘાની કિનારી ઊપસી આવે છે. તેમાં ગડીઓ પડે છે. જેમ જેમ કિનારી પર વિસ્તાર વધતો જાય છે તેમ તેમ તેનો વચલો ભાગ રુઝાતો જાય છે. રોગગ્રસ્ત વિસ્તારો (lesions) એકાદ કે વધુ હોય છે, પરંતુ તે શરીરની ડાબી-જમણી બાજુએ એકસરખા સ્થળે હોતા નથી. પરિઘીય ચેતાઓ મોટી અને અડકી શકાય એટલી જાડી થાય છે. મુખ્યત્વે અલ્નર, પેરોનિયલ અને ગ્રેટર ઑરિક્યુલર ચેતાઓ મોટી થાય છે. તેને કારણે પ્રબળ ચેતાશોથજન્ય પીડા (neruritic pain) પણ થાય છે. ચેતાઓ પર અસર થવાથી હથેળી અને આંગળીના સ્નાયુઓ અપક્ષીણતા પામીને નાના થાય છે. નાના અને ટૂંકા થયેલા સ્નાયુઓને કારણે હાથપગની આંગળીઓ ખેંચાઈને ટૂંકી તથા વાંકી થઈ જાય છે તેને કર્ષિતવક્રતા (contracture) કહે છે. ઈજા, દાહ, ચેપ વગેરેને કારણે વારંવાર ચાંદાં પડે છે અને ધીરે ધીરે બહેરી થઈ ગયેલી ચામડી તથા વિકૃત થયેલી અક્કડ આંગળીઓને કારણે તેમાંનું હાડકું શોષાતું જાય છે તેમજ આંગળીઓ અને હથેળી શોષાઈને નાની થઈ જાય છે. ચહેરાની ચેતા અસરગ્રસ્ત થાય ત્યારે આંખો પૂરેપૂરી બંધ ન થઈ શકે એટલી મોટી થાય છે. તેની ખુલ્લી રહેતી સ્વચ્છા (cornea) પર ચાંદાં પડે છે અને તેથી ક્યારેક અંધાપો આવે છે. (3) વ્યાપક કુષ્ઠરોગ : ચામડી પર ડાઘા (machules), ફોલ્લીઓ (papules) અને ગંડિકાઓ (nodules) થાય છે. તેમાં ક્યારેક ચામડીનો રંગ ઝાંખો થઈ ગયેલો હોય છે. તેની કિનારી સ્પષ્ટ હોતી નથી અને રોગગ્રસ્ત વિસ્તારનો મધ્યભાગ ઊપસેલો હોય છે. ગાલ, નાક, ભ્રમર, કાન, કાંડું, કોણી, નિતંબ (buttocks) અને ઢીંચણની ચામડી સામાન્ય રીતે અસરગ્રસ્ત થાય છે. ઘણી વખતે અસરગ્રસ્ત ચામડીનો વિસ્તાર સ્પષ્ટપણે અલગ પાડી પણ શકાતો નથી. બહારના ભાગની ભ્રમરના વાળ જતા રહે છે. ધીરે ધીરે ચહેરા અને કપાળ પરની ચામડી જાડી થાય છે. તેની જાડાઈમાં ખાંચા પડે છે. તેને સિંહસમ (leonine) ચહેરાની વિકૃતિ કહે છે. બંને કાન (કર્ણપર્ણ) લચી પડે છે. નાકનું જામી જવું, નસકોરી ફૂટવી તથા શ્વાસ લેવામાં તકલીફ પડવી, નાક બંધ થઈ જવું, સ્વરયંત્રશોથ (laryngitis), અવાજ જાડો થઈ જવો, નાકના પડદામાં કાણું પડવું વગેરે ચિહ્નો જોવા મળે છે. ક્યારેક નાકનો પડદો તૂટી જવાથી નાક વચ્ચેના ભાગમાં બેસી જઈને ઘોડાના જીન(saddle)ના આકારનું થઈ જાય છે. પુખ્ત વ્યક્તિઓમાં શુક્રગ્રંથિ અસરગ્રસ્ત થાય ત્યારે તેમાં તંતુતા થાય છે અને વ્યક્તિને વંધ્યતા (sterility) થાય છે. આંખનો આગળનો ભાગ રોગગ્રસ્ત થાય તો સ્વચ્છાશોથ (keratitis) તથા પટલ-નેત્રમણિ-સ્નાયુશોથ (iridocyclitis) થાય છે. બગલ અને ઊરુ (inguinal) વિસ્તારમાં લસિકાગ્રંથિઓ (lymphnodes) મોટી થાય છે. ક્ષયાભ કુષ્ઠરોગની માફક પરંતુ ઓછી તીવ્રતાથી ચેતાઓ પણ અસરગ્રસ્ત થાય છે. (4) પ્રતિક્રિયાલક્ષી તકલીફો : સામાન્ય રીતે કુષ્ઠરોગનો વિકાસ ધીમો હોય છે, પરંતુ તેમાં દવા શરૂ કર્યા પછી બે પ્રકારની પ્રતિક્રિયાઓ (reactions) જોવા મળે છે. કુષ્ઠરોગી પ્રતિક્રિયા થવાનાં વિવિધ કારણોમાં મુખ્યત્વે અપોષણ, માનસિક તણાવ, વાતાવરણમાં ફેરફાર, માછલી કે આયોડિનવાળો ખોરાક, પ્રસૂતિ, મલેરિયા વગેરેને ગણવામાં આવે છે. (ક) કુષ્ઠરોગી ગંડિકાકીય રક્તિમા (erythema nodosum leprosum  – ENL) અને (ખ) સીમાવર્તી પ્રતિક્રિયા. વ્યાપક કુષ્ઠરોગના દર્દીની સારવારના પ્રથમ વર્ષને અંતે કુષ્ઠરોગી ગંડિકાકીય રક્તિમા જોવા મળે છે. તે સમયે ચામડીની નીચે નાની લાલ ગંડિકાઓ થાય છે જેને અડકવાથી દુખાવો થાય છે. તે શોથજન્ય (inflammatory) છે. તે એક-બે અઠવાડિયાં રહે છે. નવી ગંડિકાઓ બનતી રહે છે. આમ ક્યારેક ENL લાંબા સમય સુધી ચાલે છે. ક્યારેક તાવ, લસિકાગ્રંથિઓ મોટી થવી તથા હાડકાના સાંધામાં દુખાવો થાય છે. તે આર્થસ પ્રતિક્રિયાના પ્રકારની પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયા છે. સીમાવર્તી કુષ્ઠરોગના દર્દીમાં સારવારના સમયે, ચામડીમાંના રોગગ્રસ્ત વિસ્તારોમાં લાલાશ આવે છે, તે ઊપસી આવે છે અને આવા નવા રોગગ્રસ્ત વિસ્તારો પણ બને છે. તેમાં જો લસિકાકોષો જોવા મળે તો તે ક્ષયાભ કુષ્ઠરોગમાં પરિણમે છે. ક્યારેક ઔષધરોધી (drug resistant) જીવાણુઓની હાજરીમાં પણ આવી પ્રતિક્રિયા થાય છે. મેક્સિકો અને મધ્ય અમેરિકામાં વ્યાપક કુષ્ઠરોગના દર્દીઓમાં ધમનીશોથ (arteritis) અને ખાંચાવાળાં ચાંદાં થાય છે. તેને સૌપ્રથમ વર્ણવનાર મેક્સિકોના વૈજ્ઞાનિકના નામ ઉપરથી લ્યુસિઓ પ્રક્રિયા (Lucio phenomenon) તરીકે ઓળખવામાં આવે છે.

આકૃતિ 3 : કુષ્ઠરોગના દર્દીઓ : (અ) સક્રિય કુષ્ઠરોગથી પીડાતી છોકરીના મોં પરની ગંડિકાઓ અને આંગળીની જાડી થયેલી ચામડી, (આ) કુષ્ઠરોગીનો સિંહસમ ચહેરો, (ઇ) આંગળીઓના વેઢાનું ગળી પડવું

આનુષંગિક તકલીફો : કુષ્ઠરોગના દર્દીમાં અપક્ષીણતાને કારણે હાથપગની આંગળીઓ શોષાઈ જવી, અંધાપો આવવો, ક્યારેક એમિલોઇડતા થવી, અન્ય લાંબા ગાળાના ચેપ લાગવા અને ક્ષય રોગ થવો વગેરે આનુષંગિક તકલીફો જોવા મળે છે.

નિદાન : આગળ દર્શાવેલી છેદ-ખોતરણ (scraped incision) પદ્ધતિ દ્વારા અસરગ્રસ્ત ચામડીના ખોતરણનું કાચની તકતી પર વિલેપન (smear) તૈયાર કરીને ઝીલ-નેલ્સન અભિરંજન પદ્ધતિ દ્વારા અભિરંજિત કરવામાં આવે છે. તેમાં ઍસિડસહ્ય (acid fast) અભિરંજિત જીવાણુ દર્શાવીને નિદાન કરી શકાય છે. ક્ષયાભ કુષ્ઠરોગના રુગ્ણવિસ્તારમાં આ રીતે દર્શાવવા માટે પૂરતા જીવાણુ હોતા નથી. તેવા કિસ્સામાં ચામડી કે ચેતાના ટુકડાનું પેશીવિકૃતિલક્ષી પરીક્ષણ (histopathological examination) કરીને નિદાન કરી શકાય છે. કુષ્ઠજન પ્રતિક્રિયા નિદાનસૂચક નથી. 10 %થી 40 % દર્દીઓમાં ઉપદંશ(syphilis)ની નિદાનકસોટીઓ ખોટી રીતે વિધાયક પરિણામ આપે છે. કુષ્ઠરોગને નિદાનાર્થે ચામડી અને ચેતાના અન્ય રોગોથી અલગ પાડવો જરૂરી ગણાય છે.

સારવાર : ઘણી વખત કુષ્ઠરોગના નિષ્ણાતો દ્વારા શરૂઆતના તબક્કામાં થોડાક મહિના માટે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવાનું સૂચવાય છે. તેની સારવાર માટે મુખ્ય ઔષધ ડેપ્સોના (ડાયફિનાઇલ સલ્ફોન અથવા 4, 4¢ ડાયએમિનો ડાયફિનાઇલ સલ્ફોન, DDS) વપરાય છે. પુખ્તવયની વ્યક્તિમાં 50થી 100 મિગ્રા.ની માત્રાથી શરૂ કરીને માત્રા ધીમે ધીમે વધારાય છે. 99 % કિસ્સામાં દર્દી થોડાંક અઠવાડિયાંમાં ચેપકારી (infective) રહેતો નથી. મૃત જીવાણુનો સંપૂર્ણ નાશ થતાં ઘણી વખતે 5થી 10 વર્ષ લાગે છે. થોડાક સજીવ જીવાણુઓ પણ પેશીમાં રહી જાય છે અને તેથી સારવાર બંધ કરવામાં આવે તો રોગ ઊથલો મારે છે. ક્યારેક સલ્ફીન સામે ટકી શકતા જીવાણુ પણ જોવામાં આવેલા છે. આ સંજોગોમાં 5થી 20 વર્ષે ફરીથી રોગ ઊથલો મારે છે. આવા ઔષધરોધી (drug resistant) જીવાણુઓને કાબૂમાં રાખવા સારવારમાં કલોકૂઝીમાઇન તથા રીફામ્પિસિનનો ઉમેરો કરવામાં આવે છે. સહચિકિત્સા માટે વપરાતી અન્ય દવાઓમાં પ્રોથિઓનેમાઇડ, ઇથિઓનેમાઇડ, થાયામ્બ્યુટોસાઇન, આયલોની આઝીડ તથા થાયાસીટેઝોનનો સમાવેશ થાય છે. ઍસિડેપ્સોન એક અંત:સ્થાપી (suppository) ઔષધ છે, જે વર્ષમાં ફકત પાંચ વખત આપવું પડે છે. તેની સાથે પ્રથમ 90 દિવસ માટે રીફામ્પિસિન અપાય છે. ક્ષયાભ અને સીમાવર્તી કુષ્ઠરોગમાં ઔષધરોધી જીવાણુ ન હોવાને કારણે એકલા સલ્ફોન કે ઍસિડેપ્સોન પૂરતાં થઈ પડે છે. રોગ ધીમે ધીમે કાબૂમાં આવે છે, પરંતુ ચેતાકીય રૂઝ સંપૂર્ણ હોતી નથી. પ્રતિક્રિયાલક્ષી વિકાર થાય ત્યારે તાવ ઘટાડનાર ઔષધો, પીડાનાશકો તથા જરૂર પડ્યે કોર્ટિકોસ્ટીરોઇડ્સ અપાય છે. જરૂર પડ્યે સલ્ફોનની માત્રા ઘટાડાય છે. કુષ્ઠરોગી ગંડિકાકીય રક્તિમાવાળી પ્રતિક્રિયા(ENL)ની સારવારમાં થેલિડોમાઇડ અક્સીર પુરવાર થાય છે, પરંતુ તેની ગર્ભ ઉપર ખરાબ અસર હોવાથી તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરાય છે. કુષ્ઠરોગજન્ય વિકૃતિઓની સારવાર માટે પુનર્વાસલક્ષી સારવાર પદ્ધતિઓ અને જરૂર પડ્યે પુનર્રચનાલક્ષી (reconstructive) શસ્ત્રક્રિયા કરાય છે.

નિયંત્રણ : કુષ્ઠરોગ-નિવારણ માટે ભારત સરકારે રાષ્ટ્રીય કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. કેટલાંક સામાજિક સેવાભાવી સંગઠનો પણ કુષ્ઠરોગની સારવારમાં કાર્યરત છે. આ રોગથી પીડાતી વ્યક્તિ કોઈ સમાજમાં પુન:સ્થાપિત થાય તે માટે સમાજસેવક આમટેના જેવા સેવાકાર્યનું સાતત્ય જળવાય તે જરૂરી છે. ગાંધીજીએ પણ કુષ્ઠરોગથી પીડાતી વ્યક્તિ તરફ સામાજિક અભિગમ બદલાય તે માટે કાર્ય કર્યું હતું. આ રોગને નિયંત્રિત કરવા વૈજ્ઞાનિક પદ્ધતિએ પ્રયત્નો કરી શકાય છે. સતત સંપર્કવાળી વ્યક્તિઓને ડેપ્સોન કે ઍસિડેપ્સોન વડે સુરક્ષિત કરી શકાય છે. કુષ્ઠરોગની સામે અસરકારક રસી તૈયાર કરવાના પ્રયોગો થઈ રહ્યા છે.

રંજન એમ. રાવલ

શિલીન નં. શુક્લ