કુષ્ઠ (આયુર્વેદ) : શરીરની ત્વચા અને ત્વચાસ્થિત ધાતુઓનો નાશ કરનાર રોગ. આયુર્વેદમાં ચામડીના વિકારોને કૃષ્ઠ કહ્યા છે. कुष्णाति वपुः इति कुष्ठम् પાશ્ચાત્ય વૈદ્યકમાં dermatoses કે disease of the skin તરીકે તેને ઓળખાવે છે.

પ્રકારો : કુષ્ઠરોગના મુખ્યત્વે બે પ્રકાર છે : મહાકુષ્ઠ અને ક્ષુદ્ર-કુષ્ઠ. મહાકુષ્ઠના 7 પ્રકાર છે અને ક્ષુદ્રકુષ્ઠના 11. મહાવિશેષણથી વધુ લક્ષણોવાળો, વધુ દોષોવાળો, વધુ વેદનાવાળો તથા ક્રમે ક્રમે ધાતુમાં ગતિ કરી તેને બગાડી ચામડીના રોગ પેદા કરે તેવો રોગ એમ સૂચવાય છે. મહાકુષ્ઠની ચિકિત્સા પણ વધુ લાંબો સમય માગી લે છે. લેપ્રસી જેવા રોગનાં લક્ષણો મહાકુષ્ઠમાં હોય છે. સામાન્યપણે જલદી મટી શકે એવા ચર્મરોગો ક્ષુદ્રકુષ્ઠ કહેવાય છે. સામાન્ય રીતે ગુજરાતી ભાષામાં કુષ્ઠના બે અર્થ થાય છે : કોઢ (રક્તપિત્ત) અને સફેદ કોઢ એટલે કે શ્વિત્ર (leucoderma). કોઈ પણ કુષ્ઠરોગની લાંબો વખત અવગણના કરવી યોગ્ય નથી. કેમ કે આમ કરવાથી તે શીઘ્ર સમગ્ર શરીરમાં વ્યાપી જાય છે અને પછી અસાધ્ય બને છે.

કુષ્ઠને રક્તવિકાર પણ કહેવામાં આવે છે. બધા જ કુષ્ઠરોગોમાં વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષોનો પ્રકોપ હોય છે, છતાં તે તે દોષની અધિકતાથી જુદા જુદા પ્રકારના કુષ્ઠ થાય છે.

દોષાનુસાર લક્ષણો : વાયુપ્રકોપના આધિક્યથી રૌક્ષ્ય, શોષ, તોદ (સોય ભોંકાયા જેવી પીડા), શૂલ, સંકોચ, હર્ષ, શ્યાવતા કે અરુણતા ઉત્પન્ન થાય છે. પિત્તના આધિક્યથી દાહ, રાગ, સ્રાવ, પાક, વિસ્રગંધ, ક્લેદ અને અંગપતન થાય છે. કફના આધિક્યથી શ્વૈત્ય, શૈત્ય, કંડૂ, સ્થૈર્ય, ઉત્સેદ, ગૌરવ, સ્નેહ, ક્લેદ અને જન્તુની ઉત્પત્તિ થાય છે.

કારણો : ત્વચા વગેરે ધાતુઓમાં શૈથિલ્ય (પ્રતિકારશક્તિનો હ્રાસ) થાય તેને લીધે કુષ્ઠ થાય છે. શીત-ઉષ્ણનો વ્યત્યય, ભય, શ્રમ, સંતાપ, આહારમાં અપતર્પણ, વિરુદ્ધ આહાર, કુસુમ્ભ (સફોલા), અળસીનું તેલ વગેરેનો અતિશય ઉપયોગ, પંચકર્મનો મિથ્યા યોગ, પાપકર્મો વગેરે કારણોથી કુષ્ઠ થાય છે.

પૂર્વરૂપ : અતિશય સ્વેદ થવો, સ્વેદ બિલકુલ ન થવો, ત્વચાની રુક્ષતા કે શ્લક્ષણતા, તોદ, દાહ, રોમહર્ષ, કાઠિન્ય, સત્વરે વ્રણરોપણ ન થવું, વ્રણનું દૂષિત થવું, ત્વચાના વર્ણની વિકૃતિ, ફોડા, ફોડલી, ચકામાં થવાં, રક્ત કાળું પડી જવું વગેરે કુષ્ઠની સંપ્રાપ્તિનાં લક્ષણો છે.

શ્વિત્ર : સફેદ કોઢ કિલાસ નામથી ઓળખાય છે. શ્વિત્ર જ્યારે રક્તાશ્વિત હોય ત્યારે રક્તવર્ણ, માંસાશ્રિત હોય ત્યારે તામ્રવર્ણ અને મેદાશ્રિત (મેદમાં રહેલો) હોય ત્યારે શ્વેતવર્ણ હોય છે. ઘણાં વર્ષોનો કિલાસ અસાધ્ય હોય છે.

ચિકિત્સા : કુષ્ઠરોગમાં અંત:પરિમાર્જન અને બહિ:પરિમાર્જન એમ બન્ને ચિકિત્સા સાથે કરવી જોઈએ. અંત:પરિમાર્જનમાં શોધન અને શમનચિકિત્સા થાય. શોધન પછી શમનચિકિત્સા તાત્કાલિક લાભ આપનાર છે. શોધનચિકિત્સામાં ઘૃતપાન, વિરેચન, રક્તમીક્ષણ, વમન આદિ દોષાનુસાર ચિકિત્સા થાય છે. ઊર્ધ્વભાગ-ગત શ્વિત્રમાં નસ્ય અને વૈરેચનિક ધૂમની ચિકિત્સા થાય છે. રક્તમોક્ષણ શસ્ત્ર વડે શિરામાં છિદ્ર પાડીને દૂષિત રક્ત વહાવીને થાય છે. શમન ચિકિત્સામાં કફપિતશામક કડવાં-તૂરાં દ્રવ્યોનો પ્રયોગ થાય છે. તે ઉપરાંત મહામંજિષ્ઠાદિ કવાથ, ઉશીર, દાર્વી, રસાંજન, ત્રિફલા, કડૂ, ગંધક રસાયન, શુદ્ધ ગંધક, આરોગ્યવર્ધની વગેરેનો પ્રયોગ થાય છે.

આહાર : લઘુ અન્ન, તિક્ત (કડવાં) શાકભાજી, જૂનાં ધાન્ય, મગ, પરવળ અને જંગલ માંસરસ આપી શકાય. ભારે અન્ન, અમ્લ, દૂધ, દહીં, અનૂપમાંસ, ગોળ, તલ વગેરે અપથ્ય આહાર લેવાતા નથી.

બાહ્ય ચિકિત્સા : દદ્રુ, પામા, પુંડરીક, સિદ્ધ, વિપાદિકા આદિ કુષ્ઠમાં ઔષધીય તૈલોનો અભ્યંગ અને લેપ થાય, લિંબોળી(નિમ્બબીજ)નું તૈલ પણ ગુણકારી છે. તેનો બાહ્ય અને આભ્યંતર ઉપયોગ થઈ શકે.

શ્વિત્ર ચિકિત્સા : બાવચીનું તેલ શ્રેષ્ઠ ચિકિત્સા છે. બાવચી ઉંબરો, અસન, પ્રિયંગુ અને શતપુષ્પાનો કવાથ તથા પટોલાદિકવાથ આપી શકાય. શ્વિત્રહરલેપ, કાકમાચી, કુવાડિયાંનાં બીજ અને પીપરની સોગઠી બકરીના મૂત્રમાં ઘસી તેનો લેપ કરી શકાય. બાવચી શ્વિત્રનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. ખેરના પાણીથી સ્નાન, ખેરના પાણીનો પીવામાં ઉપયોગ, એ પાણીમાં રાંધેલ અન્નનું ભોજન પણ ગુણકારી ઉપાય છે. જ્યારે પાપ ક્ષીણ થાય ત્યારે શ્વિત્ર મટે એમ ચરકે કહ્યું છે.

કિરીટ પંડ્યા

ચં. પ્ર. શુક્લ