કુમાઉં પ્રદેશ : હિમાલયની હારમાળામાં આવેલાં ગિરિમથકો માટે જાણીતો રમણીય પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 28° 55’થી 30° 50′ ઉ. અ. અને 78° 52’થી 80° 56′ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ પ્રદેશ નૈનિતાલ, અલમોડા, તેહરી ગઢવાલ અને ગઢવાલ જિલ્લાઓથી બનેલો છે. આ પ્રદેશનો સમાવેશ ઉત્તરાંચલ રાજ્યમાં થાય છે. તેની ઉત્તરે ચીન, પૂર્વે નેપાળ, દક્ષિણે ઉત્તર પ્રદેશ તથા પશ્ચિમે ગઢવાલ આવેલા છે. તેનો પ્રાદેશિક વિસ્તાર આશરે 2,20,112 ચોકિમી. જેટલો છે.

કુમાઉં પ્રદેશને નીચે મુજબના ચાર વિભાગોમાં વહેંચેલો છે : (1) હિમાચલ પ્રદેશનો ટ્રાન્સ-હિમાલય વિભાગ, (2) મહાહિમાલય હારમાળા, (3) લઘુ હિમાલય અને (4) શિવાલિકની ટેકરીઓ. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશના પ્રાકૃતિક પેટાવિભાગો તરીકે તેના ચાર વિસ્તાર પાડેલા છે : (1) લાહુલ-સ્પિટિનો ખીણપ્રદેશ, (2) મહાહિમાલયનો વિસ્તાર, (3) ધૌલાધાર અથવા લઘુ-હિમાલય હારમાળા અને (4) શિવાલિકની ટેકરીઓ.

નંદાદેવી શિખર

અહીં 5,500 મીટરથી વધુ ઊંચાં 30 જેટલાં શિખરો આવેલાં છે; તે પૈકી નંદાદેવી (7,817 મી.), કામેત (7,756 મી.), ત્રિશૂલ (7,120 મી.), દૂનગિરિ (7,060 મી.), બદરીનાથ (7,138 મી.) અને કેદારનાથ (6,940 મી.) શિખરો જાણીતાં છે. આ પ્રદેશમાં આવેલા મુખ્ય ઘાટમાં રોહતાંગ ઘાટ (4,800 મી.), શિપ્કી, રામીસો, શિમડાંગ, થાલા, ટશાંગચૉક, મુલિંગ, મના, નીતિ ધુરા વગેરેનો સમાવેશ થાય છે.

બદરીનાથ મંદિર

આ સમગ્ર પ્રદેશ ભૂકંપને પાત્ર હોવાથી અહીં ભૂકંપ થતા રહે છે, જાનહાનિ અને સ્થાવર મિલકતોને નુકસાન પહોંચે છે. અહીંની નદીઓમાં ચંદ્રભાગા (ચિનાબ), ભાગીરથી, અલકનંદા, રામગંગા, કાલી, પિંડારી વગેરેનો સમાવેશ થાય છે, ઉપર્યુક્ત નદીઓનાં મૂળ હિમનદીઓમાં રહેલાં છે.

આ પ્રદેશનાં શિયાળા-ઉનાળાનાં તાપમાન અનુક્રમે -4° સે.થી 10° સે. તથા 10° સે.થી 20° સે. જેટલાં રહે છે. ઉત્તર તરફના ભાગોમાં શિયાળુ હિમવર્ષા થાય છે. ચોમાસામાં 500થી 2000 મિમી. જેટલો ભૂપૃષ્ઠનો વરસાદ પડે છે. તરાઈ પ્રદેશની આબોહવા રોગિષ્ઠ છે.

અગાઉ તરાઈ અને ભાભર વિસ્તારોમાં ગીચ જંગલો હતાં, તેમાંથી વૃક્ષો કપાઈ જવાથી જંગલ-ગીચતાનું પ્રમાણ ઘટી ગયું છે. જંગલ આરક્ષણ હેતુથી અહીં ચીપકો આંદોલન આરંભાયું છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં ઓક, ચેસ્ટનટ, ચીડ, દેવદાર; સરુ, એલ્ડર, સાયપ્રસ, ફર અને સાલનો સમાવેશ થાય છે.

કુમાઉંનાં જંગલોમાં દીપડા, વાઘ, રીંછ જેવાં હિંસક તથા અન્ય સાબર, હરણ જેવાં પ્રાણીઓ જોવા મળે છે. પાલતુ પશુઓમાં ગાય, ઘેટાં-બકરાં, યાક, ખચ્ચર અને ઘોડા મુખ્ય છે.

અહીંના ખીણપ્રદેશોની જમીનો ફળદ્રૂપ હોવાથી ખેતી-પ્રવૃત્તિ વિકસી છે. પહાડી ઢોળાવો પર ડાંગરની ખેતી થાય છે, જ્યારે ખીણપ્રદેશોમાં ડાંગર ઉપરાંત ઘઉં, બાજરી, કઠોળની ખેતી થાય છે. વળી પીચ, જરદાલુ, ચેરી, સફરજન, અખરોટ, રાસબરી, લીંબુ, સંતરાં, સ્ટ્રૉબેરી, જમરૂખ જેવાં ફળોની વાડીઓ પણ છે.

અહીં થોડા પ્રમાણમાં લોહઅયસ્ક, તાંબાની ખનિજો, સીસાની ખનિજો, ચિરોડી, ઍસ્બેસ્ટૉસ તેમજ ચૂનાખડકો મળે છે. ખનિજ-આધારિત મોટા એકમો અહીં વિકસ્યા નથી; બિલાસપુર ખાતે એ.સી.સી. સિમેન્ટ એકમ તથા લોખંડ-પોલાદના એક-બે એકમો સ્થપાયા છે. જળવિદ્યુત મેળવવા માટે કુદરતી પરિસ્થિતિ ઉપલબ્ધ હોવા છતાં તેનો લાભ પૂરતા પ્રમાણમાં લઈ શકાયો નથી. હાલનાં મહત્વનાં જળવિદ્યુત મથકો તરીકે પારાબત્તી, નાથપા નીકરી, બાસપા ભાબા અને માલાનાનો સમાવેશ થાય છે.

અહીંના લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. આ ઉપરાંત ઘડિયાળો, ધાતુકામ, ઊની પોશાકો, ફળ-પૅકિંગ, લાકડાં વહેરવાના તેમજ રાચરચીલું બનાવવાના ગૃહઉદ્યોગો વિકસ્યા છે.

આ પ્રદેશનું ભૂપૃષ્ઠ પહાડી હોવાથી રેલમાર્ગો વિકસ્યા નથી, તેથી અવરજવર તથા માલની હેરફેર માટે પાકા રસ્તાઓનો ઉપયોગ થાય છે. સિમલા આ પ્રદેશ માટેનું મુખ્ય હવાઈ મથક છે. આ પ્રદેશમાં મુખ્યત્વે ગઢવાલી અસુર, કુલિન્દ, કુશાણ, હૂણ, શક, નાગ, કિરાત વગેરે પ્રાચીન જાતિઓના વંશજો વસે છે. અહીંની મુખ્ય ભાષા હિન્દી, પંજાબી, ઉર્દૂ તથા ગઢવાલી છે.

અહીંના શ્રમિક લોકોનો જીવન-નિભાવ મોટેભાગે યાત્રાળુઓ પ્રવાસીઓ પર થાય છે. અહીં બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી, જમનોત્રી જેવાં યાત્રાધામો આવેલાં છે. અહીંના સૃષ્ટિસૌંદર્યને કારણે જાણીતાં બનેલાં પ્રવાસન-મથકોમાં સિમલા, મસૂરી, નૈનિતાલ, અલમોડા, રાણીખેત, કુલુ, પાલમપુર, મનાલીનો સમાવેશ થાય છે. તેને કારણે પ્રવાસન-ઉદ્યોગ વિકસ્યો છે. પ્રવાસીઓની અવરજવર ચાલુ રહે તે માટે ‘હિમાચલ પ્રદેશ પ્રવાસન-વિકાસ નિગમ’નું આયોજન કરવામાં આવ્યું છે. ચીને તિબેટ પર પ્રભુત્વ મેળવ્યા પછી ભારત સાથેનો વેપાર સ્થગિત થઈ ગયો છે, જોકે આ પ્રદેશનું વ્યૂહાત્મક મહત્ત્વ વધુ છે.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી