કુતુબન (ઈ. સ.ની 15મી શતાબ્દીનો અંત અને 16મી શતાબ્દીનો પ્રારંભ) :  સૂફી કવિ. મૃગાવતી તેમની પ્રસિદ્ધ રચના છે. એમાં પોતાના રચના-સમયના શાસકનું નામ હુસેનશાહ જણાવેલું છે. હુસેનશાહ જૌનપુરના શાસક હતા. કુતુબન શેખ બુઢનના શિષ્ય હતા. તેમણે મૃગાવતીની રચના 1503માં કરી હતી. આ રચનાનો જેટલો અંશ પ્રાપ્ત થયો છે તે પરથી જણાય છે કે કવિએ કાવ્યશૈલી અને કથાવસ્તુના નિરૂપણમાં ભારતીય પરંપરાનું અનુસરણ કર્યું છે. તેઓએ પોતે મૃગાવતીની રચના પ્રચલિત પ્રાચીન કથાને આધારે કરી હોવાનું કબૂલ્યું છે. છંદ-પ્રયોગની બાબતમાં પોતે દોહા, ચોપાઈ, સોરઠા, અરિલ્લ વગેરેના પ્રયોગો દ્વારા મૃગાવતી-કથાની રચના કરી છે. કુતુબને અવધી ભાષાનો પ્રયોગ કર્યો છે. હિંદીના ઉત્તરકાલીન સૂફી કવિઓ માટે કુતુબનની કવિતા પ્રેરણારૂપ બની છે.

પ્રવીણચંદ્ર પરીખ