કુડુમ્બ વિળક્કુ (રચનાસાલ – 1942) : ગૃહસ્થ જીવન અંગેનું તમિળ કાવ્ય. રચયિતા ભારતીદાસન. તે પાંચ ખંડોમાં વિભાજિત થયેલું છે. પ્રથમ ખંડમાં ગૃહસ્થ જીવનમાં બનતી ઘટનાઓનું વર્ણન છે અને તે દ્વારા આદર્શ ગૃહિણીનું ચિત્ર રજૂ થયેલું છે. બીજા ખંડમાં ગૃહિણી દ્વારા થતા અતિથિસત્કારનું વર્ણન છે. આ ખંડમાં કવિએ નારીશિક્ષણ તથા ભોજન સંબંધી સુંદર વિચારો વ્યક્ત કર્યા છે. ત્રીજા ખંડમાં વેડપ્પન અને નાહમુત્તુના પ્રેમ તથા લગ્નનું વર્ણન છે. કવિએ આ બંનેનાં માતાપિતાને આદર્શ માબાપ તરીકે વર્ણવ્યાં છે. બંનેનાં માતાપિતા તેમનાં બાળકોનાં લગ્ન અંગેના નિર્ણયને સહર્ષ સ્વીકારી લે છે. ચોથા ખંડમાં નાહમુત્તુ દ્વારા ગર્ભધારણ, શિશુજન્મ ઇત્યાદિ ઘટનાઓનું વર્ણન છે. ‘વૃદ્ધોનો પ્રેમ’ શીર્ષક હેઠળના અંતિમ ખંડમાં કવિએ દામ્પત્યસ્નેહ તથા ગૃહિણીના મહિમાનું વર્ણન કર્યું છે. આ પાંચમા ખંડનાં ભિન્ન ભિન્ન પદોમાં કવિની કવિત્વશક્તિનો વૈભવ જોવા મળે છે. આ કાવ્ય અભિનવ કાવ્યશૈલીમાં રચવામાં આવેલું છે.

કે. એ. જમના

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે