કુડુ : મંદિર-સ્થાપત્યમાં દેખાતી સામાન્ય રીતે ઘોડાની નાળના જેવા આકારની બારી. કાળક્રમે તે ક્ષીણ થતાં માત્ર સુશોભન તરીકે રહેલ. ‘કુડુ’ની ડિઝાઇન પલ્લવોના સમયમાં (ઈ. 300થી 800) દક્ષિણ ભારતમાં દાખલ થયેલી. બધે બને છે તેમ તેની ડિઝાઇનમાં ક્રમશ: ફેરફાર થતો ગયો. આ ડિઝાઇન અને તેમાં થતા ફેરફાર ઉપરથી સ્થાપત્ય અર્થાત્ મકાન કે મંદિરનો સમય નક્કી કરી શકાતો. સ્થાપત્યની પલ્લવ શૈલીનું લક્ષણ ‘કુડુ’ છે. ‘કુડુ’નો આકાર બાહ્ય રીતે પાવડાના જેવો અને તેની કિનારીઓ અંદરની બાજુએ વળેલી હોય છે. આ આકારની બારી અને તેમાંથી કોઈ એક વ્યક્તિ જોતી હોય તેમ તેનું મુખ બારીની વચમાં હોય છે. ચોળ સમય દરમિયાન (800થી 1300) પાવડાના આકારનું રૂપાંતર થઈને લાંબી ડોકવાળા સિંહનું મસ્તક આવ્યું. વિજયનગરની સત્તા દરમિયાન (1350થી 1600) સિંહનું મસ્તક અને ઘોડાની નાળના કુડુના આકારને વધારે સુશોભિત કરવામાં આવ્યો. તેમાં મુખને બદલે બારીની મધ્યમાં કમળનો આકાર ઉપસાવીને કરેલી ગોળ આકૃતિને કંડારીને તેને સુશોભિત કરવામાં આવી છે.

‘કુડુ’ આજે પણ સુધારેલી આકૃતિઓ સાથે અર્વાચીન મંદિર-સ્થાપત્યમાં નજરે પડે છે. સામાન્ય રીતે મધ્યકાળના થાંભલાની ટોચ ઉપર નળાકાર થર ઉપરાંત ચૈત્ય જેવી ‘કુડુ’ની આકૃતિ નજરે પડે છે. બીજી રીતે કહીએ તો ‘કુડુ’ એ ચૈત્ય – કમાનનું જ નાનું સ્વરૂપ છે.

કુડુનો વિકાસ : a પૂર્વ સાતવાહન (ઈ.સ.ની 1લી સદી), b. વાકાટક (પાંચમી સદી), c. પૂર્વ પશ્ચિમી ચાલુક્ય (છઠ્ઠી સદી), d. વિષ્ણુકુંદીન (છઠ્ઠી સદી), e. પલ્લવ (સાતમી સદી)

મહાબલિપુરમ્ કે મામલ્લપુરનાં મંદિરોનાં મુખદ્વાર ઉપર નળાકાર થર હોય છે અને તે કુડુથી શોભે છે.

પ્રિયબાળાબહેન શાહ