કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર

January, 2008

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર (જ. 1864; અ. 1913) : મલયાળમ કવિ. એ કેરલના વ્યાસ તરીકે ઓળખાતા. કોટુંગલ્લૂરના રાજવંશમાં પ્રસિદ્ધ સાહિત્યકારોના કુટુંબમાં જન્મ. ‘કવિભારતમ્’ કાવ્યસંગ્રહથી ખ્યાતિ પામ્યા (1893). તેમના કાકા તથા મહેલના શિક્ષકો પાસેથી તેઓએ સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતમાં શિક્ષણ મેળવ્યું.

મૂળ સંસ્કૃત કૃતિના છંદો યથાતથ રાખીને તેમણે મહાભારતનો અનુવાદ કર્યો છે. એમનું મહાભારત ‘ભાષાભારતમ્’ (1906) નામથી ઓળખાય છે. ઉપરાંત એમના મૌલિક તેમજ અનુવાદિત ગ્રંથોની સંખ્યા 60 જેટલી થાય છે. એમણે ઊર્મિકાવ્યો, ગીતો, રૂપકકાવ્યો, નિબંધો અને ઉપનિષદો તથા પુરાણો પર ટીકાગ્રંથો રચ્યા છે. એમણે કેટલાંક પુસ્તકો સંસ્કૃતમાં પણ લખ્યાં છે.

એમણે મલયાળમની કાવ્યભાષાને સરળ, પ્રવાહી અને વધુ માધુર્યસભર બનાવી છે. એમણે સાહિત્યિક પરંપરા સામે શરૂ કરેલું આંદોલન ‘વેણ્માણિ પ્રસ્થાન’ તરીકે જાણીતું છે. તેમને ‘સરસદૂતકવિકિરીટમણિ’નો ખિતાબ આપવામાં આવ્યો.

અક્કવુર નારાયણન્