કીડી : માનવને સૌથી વધુ પરિચિત ત્વક્પક્ષ (hymenoptera) શ્રેણીના ફૉર્મિસિડે કુળનો કીટક. સમૂહમાં રહેનાર આ કીટક સામાન્યપણે પોતે બનાવેલા દરમાં રહે છે, જેને કીડિયારું કહે છે. ત્યાં રહેતી કીડીઓની સંખ્યા ઓછી હોય અથવા કરોડ કરતાં પણ વધારે હોઈ શકે. કીડિયારામાં રહેતી કીડી સામાન્યપણે માદા હોય છે; રાણી અને કામદાર. સામાન્યપણે માત્ર પ્રજનનકાળ દરમિયાન પાંખયુક્ત નર નજરે પડે છે. નર કીડીનો જીવનકાળ માત્ર માદાને ફલિત કરવા પૂરતો મર્યાદિત હોય છે. કુંવરી રાણી પાંખયુક્ત હોય છે અને સમાગમ બાદ તે પાંખ ગુમાવે છે. જ્યારે પાંખવાળો નર જૂજ કલાકોમાં મરણ પામે છે. નરનો વિકાસ અફલિત ઈંડામાંથી થયેલો હોય છે, જ્યારે કામદાર માદાનો વિકાસ ફલિતાંડોમાંથી થાય છે. સમાગમ બાદ રાણી યોગ્ય સ્થળ શોધી કાઢી વસાહતનું સ્થાન નિશ્ચિત કરે છે. ઉડ્ડયન દરમિયાન સમાગમ દ્વારા રાણી નર પાસેથી શુક્રકોષોની એક કોથળી (spermatheca) મેળવે છે. તેમાંથી જરૂર પૂરતા શુક્રકોષોની મદદથી ઈંડાંને ફલિતાંડોમાં ફેરવે છે. દરમિયાન નિરુપયોગી બનેલા પાંખના સ્નાયુઓ ધીમે ધીમે વિભાજનથી ખોરાક તત્વમાં ફેરવાય છે. રાણી બચ્ચાનું પોષણ શરૂઆતમાં આ ખોરાક તત્ત્વમાંથી કરે છે. સમય જતાં બચ્ચાંના પોષણની જવાબદારી કામદાર કીડી ઉપાડે છે. કેટલીક કામદાર માદા મજબૂત જડબાં ધરાવે છે. તેની મદદથી ખોરાકનો ભૂકો બનાવે છે તેમજ કીડિયારામાં પ્રવેશેલા દુશ્મનો સામે લડી તે કીડિયારાનું રક્ષણ કરે છે. આવી કીડીઓને રક્ષક (soldier) કહે છે.

આકૃતિ 1 : (અ) સામાન્ય લાલ કીડી, (આ) રાણી કીડી (પાંખ વગરની)

સામાન્યપણે કીડીઓ ભૂનિવાસી હોય છે અને ભૂમિની સપાટી ઉપર ખોરાકની શોધમાં જ્યાંત્યાં હરતીફરતી નજરે પડે છે. સપાટીની નીચે આવેલી વસાહતમાં કીડીઓ પોતાના કામમાં મગ્ન રહે છે. કેટલીક કીડીઓ વૃક્ષ પર જીવન પસાર કરે છે અને તે ભાગ્યે જ ઝાડ પરથી નીચે ઊતરે છે. તે મોટેભાગે પાંદડાં કે અન્ય પદાર્થો વડે કીડિયારું બાંધે છે. જોકે કેટલીક કામદાર માદા ઝાડમાં આવેલા કુદરતી અથવા જાતે બનાવેલાં પોલાણોમાં વાસ કરે છે. કીડીઓ વનસ્પતિભક્ષક દુશ્મનોનો સામનો કરી વૃક્ષનું રક્ષણ કરે છે.

કીડીઓના ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. મોટાભાગની કીડીઓ જન્મથી જ આક્રમક બની અન્ય કીટકો કે નાનાં પ્રાણીઓને પકડી બચ્ચાંનું પોષણ કરે છે. પુખ્ત કીડીઓ નક્કર વસ્તુઓને ખાતી નથી પરંતુ ફૂલમાંથી મધુરસ, મૃતદેહોમાંથી મળતો રસ અને ખાદ્ય પદાર્થમાંથી તત્ત્વોને પ્રવાહી રૂપે ચૂસે છે. તે પ્રોટીન, મિષ્ટ અથવા અન્ય પોષક તત્ત્વોનું પ્રાશન પણ કરે છે. શસ્ય-કીડી (harvester ant) વસાહતમાં બનાવેલા ખંડોમાં બીજ સંઘરે છે અને જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. કોઈ કારણસર બીજનું અંકુરણ થાય તો કીડી તેને કીડિયારામાંથી બહાર કાઢી ફેંકી દે છે. કેટલીક શસ્ય-કીડીઓ રાફડા બનાવે છે. આ રાફડા નાના હોય કે 2-3 મીટર જેટલા ઊંચા પણ હોય. ઘણુંખરું કીડીઓ રાફડાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખે છે અને ત્યાં ઊગતી વનસ્પતિઓનો નાશ કરે છે.

મિર્મિસિને ઉપકુળની ઍટિનિ કીડીઓ પોતાના ઉપયોગ માટે ફૂગને ઉછેરે છે અને સામાન્યપણે ઇયળનો મળ અને તેના જેવા અન્ય

પાંદડું કાપી લઈ જતી કીડી

પદાર્થોને ભેગા કરીને ફૂગના ઉછેર માટે ખાતર પૂરું પાડે છે. કેટલીક કીડીઓ તો પાંદડાંના ટુકડા કરી તેના લોંદા બનાવે છે, જે ફૂગના પોષક તત્ત્વની ગરજ સારે છે. પાંદડાને કાતરનાર કીડીઓની વસાહતમાં 5,00,000 જેટલી કીડીઓ હોઈ શકે છે અને તે દૂર સુધી પ્રવાસ ખેડે છે. છોડ જો નાનો હોય તો એક જ રાત્રિમાં તેને સાવ પાંદડાં વિનાનો બનાવે છે.

કેટલીક કીડી મધદ્રવ્ય(honeydew)નો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. તે આ મધદ્રવ્ય મોલો વનસ્પતિ-જૂ જેવા કીટકોનાં મીઠાં ઉત્સર્ગદ્રવ્યમાંથી મેળવે છે. મોટેભાગે તે વનસ્પતિ પર રહેતા મોલાનું રક્ષણ કરવા તેમની આસપાસ રક્ષણ-સ્થાનો રચે છે. કેટલીક કીડીઓ મોલાને પોતાનાં કીડિયારાંમાં લઈ જઈ તેમને સંભાળે છે અને તેમને રસમય વનસ્પતિ-ખોરાક આપે છે. બદલામાં મસીને દાબીને તે મધદ્રવ્યનો સ્રાવ કરે છે. જોઈએ ત્યારે મધદ્રવ્ય મેળવવાની આ વ્યવસ્થાને ગૌશાળા (dairy cows) સાથે સરખાવી શકાય.

કેટલીક કીડીઓ બીજીનાં કીડિયારાંમાં રહી પરજીવી જીવન પસાર કરે છે. એમેઝૉનમાં વાસ કરતી કેટલીક પૉલિગૅસ જાતની લાલ કીડીઓ કાળા રંગની (Formica fusca) કીડીઓને ગુલામ બનાવે છે. વિરોધ કરનાર કાળી કીડીઓની દાતરડાં જેવાં જડબાં વડે હત્યા કરી, તેમના કોશેટાને પોતાના કીડિયારામાં લઈ જાય છે. કોશેટાના વિકાસથી પુખ્ત બનેલી કાળી કીડી લાલ કીડીના કીડિયારાનું કામકાજ કરે છે.

ડૉરિલિને ઉપકુળની કેટલીક કીડીઓ આફ્રિકામાં સેના-કીડી (army ants) અને અમેરિકામાં ડ્રાઇવર-કીડી તરીકે જાણીતી છે. કેટલીક વાર કરોડોની સંખ્યામાં આવેલી આ કીડીઓ 3-4 સમૂહોમાં વિભાજિત થઈને ખોરાકની શોધમાં જુદી જુદી દિશામાં કૂચ કરે છે. આવી કીડીઓ ગામડામાંથી પસાર થતાં ત્યાંના લોકો પોતાનું ઘર ત્યજીને 4-5 કલાક માટે બહાર જતા રહેતા હોય છે. દરમિયાન આ સેના-કીડીઓ ઘરમાંના વંદા અને અન્ય હાનિકારક જીવાતનું ભક્ષણ કરીને ત્યાંથી ખસી જાય છે. સેના-કીડીઓની આ આદત ખેડૂતવાસીઓ માટે આશીર્વાદરૂપ નીવડે છે.

કીડિયારામાંથી બહાર નીકળેલી કીડીઓ સ્પર્શ, ર્દશ્ય વસ્તુઓ, ગંધ જેવી સંવેદનાઓની મદદથી પોતાના માર્ગથી પરિચિત રહે છે. કેટલીક કીડીઓ પોતાના આગેવાનોએ ત્યજેલી ગંધને પારખી તેને અનુસરે છે. આમ કીડી એક યા બીજા અખતરા કરી ખોરાકની શોધમાં પોતાના નિવાસસ્થાનથી દૂર કૂચ કરી વસાહત તરફ પાછી આવવામાં સફળ નીવડે છે.

જિતેન્દ્ર રાવજીભાઈ પટેલ

મ. શિ. દૂબળે