કીટ-આકર્ષક ઉત્તેજનવાહકો

January, 2008

કીટ-આકર્ષક ઉત્તેજનવાહકો (pheromones) : પ્રાણીઓ વચ્ચે સંદેશાની આપલે માટે શરીરમાંથી વિમુક્ત કરવામાં આવતાં સંમોહકો. કીટ-આકર્ષક તરીકે જાણીતાં આ રાસાયણિક દ્રવ્યોના સ્રાવ કીટકો ઉપરાંત કૃમિ, કરોળિયા, સ્તરકવચી (crustaceous), માછલી અને સસ્તનો જેવાં પ્રાણીઓ પણ કરતાં હોય છે. તે જાતીય આકર્ષણ, ચેતવણી (alarm), રક્ષણ, પ્રદેશોનું સીમાંકન કે નિશાન જેવા વિવિધ હેતુઓ માટે સંકેતરૂપ નીવડે છે. માનવોમાં પણ જાતીય ઉત્તેજકો તરીકે તે મહત્વનો ભાગ ભજવે છે.

કીટસૃષ્ટિમાં કીટ-આકર્ષકોનો ઉપયોગ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. આ પ્રલોભકોના સ્રાવ વિશેની જાણકારી સૌપ્રથમ કીટકસૃષ્ટિના અધ્યયનથી પ્રાપ્ત થઈ અને 1959ના અરસામાં આ બાષ્પશીલ દ્રવ્યોને ઉત્તેજન-વાહકો તરીકે ઓળખવામાં આવ્યાં. મોટા ભાગના ઉત્તેજન-વાહકો જાતીય પ્રલોભકો તરીકે પ્રવર્તે છે. સામૂહિક જીવન ગાળનાર કીટકો (social insects) મોટા પ્રમાણમાં આ દ્રવ્યોને મુક્ત કરતાં હોય છે. દાખલા તરીકે રાણી મધમાખી પોતાના અધોહનુ(mandible)માંથી સ્રવતા આ પ્રલોભકો દ્વારા નરને આકર્ષે છે. પરિણામે નર રાણી સાથે સમાગમ કરવા પ્રેરાય છે. વંધ્ય માદા રાણીની માવજત અને શિશુકીટકોને એકઠાં કરી તેમનું પોષણ અને રક્ષણ કરવાની જવાબદારી ઉપાડવા તત્પર થાય છે. કીડીઓ માર્ગ ઓળંગતી વખતે લિસોટા રૂપે કીટ-આકર્ષકનો ત્યાગ કરે છે. પરિણામે અન્ય કીડીઓ આ માર્ગને અનુસરીને ખોરાકપ્રાપ્તિસ્થાન તરફ કૂચ કરે છે. પ્રાપ્ત ખોરાકને દર તરફ લઈ જતી કીડીઓ પણ કીટ-આકર્ષકનો સ્રાવ કરતી હોય છે. આમ તો કીટ-આકર્ષકો બાષ્પશીલ હોવાથી પર્યાવરણમાં થોડા જ સમયમાં વિલયન પામીને સારી રીતે ફેલાય છે. વારંવાર થતા કીટ-આકર્ષકના વિમોચનને લીધે ખોરાકપ્રાપ્તિ સુલભ બને છે.

ઉત્તેજકની અસર હેઠળ દેવદાર(pine)ના છોડના સંપર્કમાં આવતાં છાલભમરા (bark beetles) છોડ ઉપર વિશિષ્ટ ટર્પિન આલ્કોહૉલ શરીરમાંથી છોડે છે. પરિણામે અન્ય ભમરા તે છોડ પર સંયુક્ત રીતે હુમલો કરી ખોરાક મેળવે છે. પુખ્ત ઉમરના ભમરા(Limonius californicus)ની માદા સંમોહક તરીકે વેલેરિક ઍસિડને વિમુક્ત કરે છે. જોકે પ્રયોગશાળામાં આ સંમોહક અપાકર્ષક તરીકે પુરવાર થયું છે. માત્ર અત્યંત મંદ સંકેંદ્રિત વેલેરિક ઍસિડથી નર ભમરા આકર્ષાય છે. આ જાણકારીનો ઉપયોગ ભમરાની વસ્તી પર નિયંત્રણ રાખવામાં કરવામાં આવે છે.

લાલ ઓકનાં પાંદડાં ટ્રાન્સ-2-કક્ઝેનિલ આલ્ડિહાઇડનો સ્રાવ કરતાં હોય છે. આના સ્રાવથી માદા ફૂદાં (anthera polyphemus) ઉત્તેજિત બનીને પોતે લૈંગિક કીટ-આકર્ષકનો સ્રાવ કરે છે. પરિણામે નર ફૂદું સમાગમ માટે પ્રેરાય છે. કેટલાંક નર પતંગિયાંના કીટ-આકર્ષકના વિમોચનથી માદા આકર્ષાય છે અને નરને સાથી તરીકે સ્વીકારે છે. માળામાં પ્રજનક માદા ન હોય ત્યારે કેટલીક નર-ઊધઈ કીટ-આકર્ષકનો સ્રાવ કરે છે. તેની સોડમની અસર હેઠળ માદાનાં જનનાંગો વિકાસ પામીને ક્રિયાશીલ બને છે. માદાના શરીરની અંદર ઈંડાં પરિપક્વ થઈ સમાગમ બાદ ફલિતાંડોમાં પરિણમે છે.

કેટલીક માછલીઓ પણ પ્રલોભકોનો સ્રાવ કરતી હોય છે, પરંતુ તેની ફલસિદ્ધિ વિશે શાસ્ત્રજ્ઞો જાણી શક્યા નથી. લાંબાં અંતર કાપનારાં પક્ષીઓ માટે બાષ્પશીલ સંમોહક વડે સંદેશો મોકલવો નિરર્થક હોવાથી પક્ષીઓ સંમોહકોનો સ્રાવ કરતાં નથી. સસ્તનોના સામાજિક જીવનમાં સંમોહકો મહત્વનો ભાગ ભજવે છે. પ્રાદેશિક કબજાની જાણકારી, માર્ગ ઓળંગવાનો ખ્યાલ, કુટુંબ કે સાથીની જાળવણી કે જાતીય આકર્ષણમાં સંમોહકો અગત્યનો ભાગ ભજવે છે. કામોત્તેજનાના કાળ દરમિયાન પુખ્ત નર કસ્તૂરી-મૃગના ઉદરપ્રદેશમાં આવેલી કસ્તૂરી-ગ્રંથિમાં 200 ગ્રામ જેટલું કસ્તૂરી દ્રવ્ય (musk) હોય છે. તેનો ઉપયોગ માનવ વેપારી ધોરણે સુગંધી પદાર્થના ઉત્પાદન માટે કરે છે. આ માટે તે કસ્તૂરીમૃગોની હત્યા પણ કરે છે. જબાદી બિલાડી (civet cat) ગુદા પાસે આવેલી એક ગ્રંથિમાંથી સુગંધી કસ્તૂરી-માર્જરી(civet)નો સ્રાવ કરે છે. તે લૈંગિક સંમોહક તરીકે ઉપયોગી નીવડે છે. પુખ્ત માનવનાં જનનાંગોમાં સ્રવતાં દ્રવ્યો સમાગમને ઉત્તેજે છે. સ્ત્રીના જનનાંગમાં સ્રવતાં દ્રવ્યો ફેટી ઍસિડનાં બનેલાં હોય છે અને તે અન્ય અંગુષ્ઠધારીઓમાં વિમુક્ત થતા સંમોહકને મળતાં આવે છે. અંડપિંડમાંથી મુકાતા અંડ દરમિયાન માનવસ્ત્રી કસ્તૂરી સુગંધીથી ઉત્તેજના પામે છે. તેના પરથી માનવના એક સમયના નરપૂર્વજો કસ્તૂરી સુગંધીનો સ્રાવ કરતા હશે તેમ માનવામાં આવે છે. નિયમિત સ્નાન કરનાર માનવના શરીરમાંથી સ્રવતા સંમોહકો ધોવાઈ જતા હોવાથી સાંસ્કૃતિક વારસા રૂપે માનવ આજે અત્તરો અને કોલન દ્રવ્યોનો ઉપયોગ કરતો થઈ ગયો છે એમ અનુમાન કરી શકાય.

કીટ-આકર્ષકોનો ઉપયોગ આજે ઉપદ્રવી કીટકોના નાશ માટે કરવામાં આવે છે. દુર્ભાગ્યે તેની સાથે કેટલાક ઉપયોગી કીટકોનો પણ નાશ થતો હોય છે. માત્ર વિશિષ્ટ કીટકોનો નાશ કરે તેવાં દ્રવ્યોની શોધ માનવની દૃષ્ટિએ હિતકારી ગણાય.

મ. શિ. દૂબળે