કિરંદડ દિવારૂં (1953) : પ્રસિદ્ધ સિંધી લેખિકા સુંદરી ઉત્તમચંદાણીની આધુનિક નવલકથા. તેને ભારતીય સાહિત્ય અકાદમી તરફથી 1986ના વર્ષના સિંધીના શ્રેષ્ઠ પુસ્તકનો પુરસ્કાર મળ્યો હતો. ‘કિરંદડ દિવારૂં’નો અર્થ થાય છે ‘પડી જતી દીવાલો’. તેમાં એમણે દર્શાવ્યું છે કે પુરાણી સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, જીવનમૂલ્યો, એ બધાંની અચલ મનાતી દીવાલો કડડભૂસ થઈને તૂટતી જાય છે. એમાં આજે સમાજરચના જે પુરુષ-નિયંત્રિત છે તેની સામે નવા યુગની નારી બંડ કરે છે. સ્ત્રીઓ આર્થિક ક્ષેત્રે પણ હવે પોતે જ ધનોપાર્જન કરે છે અને પોતે કમાયેલા ધન ઉપર પોતાનો સંપૂર્ણ અબાધિત અધિકાર ધરાવે છે. તેથી નાયિકાને નારી-સ્વાતંત્ર્ય માટે પુરુષ સાથે સતત સંઘર્ષ કરતી દર્શાવી છે; એટલું જ નહિ પણ એ સંઘર્ષમાં તે પુરુષને હંફાવે છે. તેથી નવલકથા નાયિકાપ્રધાન બની છે. એમાં બોલાતી ભાષાનો પ્રયોગ, શૈલી તળપદી અને સરળ, સ્વાતંત્ર્યોત્તરકાળની કૃતિ અને પરિવેશ  મહારાષ્ટ્રનો છે. એથી સિંધી અને મહારાષ્ટ્રવાસી તેમજ બન્નેના પરસ્પર સંબંધનું સુંદર ચિત્રણ થયું હોવાને લીધે સમકાલીન સિંધી સાહિત્યમાં તેનું પ્રદાન અનોખું રહ્યું છે.

જયંત રેલવાણી