કિમ્બરલીઝ : ઑસ્ટ્રેલિયાના વાયવ્ય ભાગમાં આવેલું ઉચ્ચપ્રદેશો તથા હારમાળાઓનું જૂથ. અહીંનો કિમ્બરલી જિલ્લો સહાયક નદીઓથી ઘેરાયેલો છે. અહીંનો સમગ્ર વિસ્તાર તેના પર્વતો, ઉચ્ચપ્રદેશો તેમજ કોતરોથી નયનરમ્ય બની રહેલો છે. ભૂસ્તરીય દૃષ્ટિએ જોતાં, આ પ્રદેશ દુનિયાભરના પ્રાચીનતમ પ્રદેશો પૈકીનો એક છે. અહીંની મોટાભાગની હારમાળાઓ પ્રીકેમ્બ્રિયન સમયના રેતીખડકો અને ક્વાર્ટ્ઝાઇટથી બનેલી છે. તેનાં કેટલાંક શિખરો સમુદ્રસપાટીથી આશરે 915 મીટરની ઊંચાઈ ધરાવે છે.

કિમ્બરલીનો ઘણોખરો વિસ્તાર કૃષિઉપયોગ માટે અનુકૂળ નથી. અહીંના ખેડૂતો માંસ માટેનાં ઢોરનું પાલન કરે છે. અહીં ડિસેમ્બર અને માર્ચ વચ્ચેના ગાળામાં ભારે વરસાદ પડે છે. ઑર્ડ નદી તથા તેની સહાયક નદીઓ અહીંની કાળી જમીનથી બનેલાં મેદાનોમાં થઈને વહે છે. આ કિમ્બરલી વિસ્તારનું મુખ્ય નગર વિન્ધેમ છે. 1970ના દાયકાના છેલ્લા ચરણમાં અહીં હીરાધારક કિમ્બરલાઇટ નળીઓની શોધ કરવામાં આવી છે.

મહેશ મ. ત્રિવેદી

વસંત ચંદુલાલ શેઠ