કિમ્બરલી : દક્ષિણ આફ્રિકા દેશનું શહેર. ભૌગોલિક સ્થાન : 28o 43′ દ. અ. અને 24o 46′ પૂ.રે.. આ સ્થળ દુનિયાનાં મહત્વનાં મોટાં હીરાધારક મથકો પૈકીનું એક છે. કેપ પ્રાંતમાં આવેલા કેપટાઉનથી ઈશાન તરફ 1040 કિમી.ને અંતરે છે. દુનિયાભરની મોટી ગણાતી હીરાની ખાણો કિમ્બરલી નજીક આવેલી છે. કિમ્બરલીમાં આવેલાં કારખાનાંમાં અહીંથી નીકળતા હીરાઓને કાપવાનું અને ઓપ આપવાનું કામ થાય છે. કિમ્બરલી નજીક ઍસ્બેસ્ટૉસ, મૅંગેનીઝ અને ચિરોડીની ખાણો પણ આવેલી છે.

સર્વેક્ષકોએ 1871માં કિમ્બરલીની સ્થાપના કરેલી. 1899થી 1902 સુધી અહીં બોઅર યુદ્ધ થયેલું. તેમાં બોઅર દળોએ 123 દિવસો માટે કિમ્બરલીને ઘેરામાં રાખેલું. વસ્તી 4725 (2016) છે.

ગિરીશભાઈ પંડ્યા