કિમ્બરલાઇટ : અલ્ટ્રાબેઝિક ખડક. મૂળ નામ માઇકાપેરિડોટાઇટ. મૅગ્મામાંથી બનેલો અંત:કૃત ઉત્પત્તિવાળો અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક. તેના ખનિજબંધારણમાં મુખ્યત્વે ઓલિવિન છે. તેની સાથે થોડા પ્રમાણમાં બાયોટાઇટ ખનિજ પણ મળી આવે છે. દક્ષિણ આફ્રિકાના કિમ્બરલી વિસ્તારમાં મળતો હોવાથી તેને કિમ્બરલાઇટ નામ અપાયું છે. અહીંના જ્વાળામુખી કંઠમાં આ ખડક પુરવણી સ્વરૂપે મળી આવે છે. હીરાનું ખનનકાર્ય આ ખડકમાંથી કરવામાં આવતું હોવાથી તેનું વિશિષ્ટ આર્થિક મહત્વ છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે