કિમ-ઇલ-સુંગ (જ. 15 એપ્રિલ 1912, પિયોંગયાંગ, ઉત્તર કોરિયા; અ. 8 જુલાઈ 1994, પિયોંગયાંગ) : ઉત્તર કોરિયાના સૈનિક, રાજનીતિજ્ઞ અને પછીથી પ્રમુખ. તેમનું મૂળ નામ કિમ-સુંગ-જૂ હતું. 1948થી 72 ડેમૉક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑવ્ કોરિયા(ઉત્તર કોરિયા)ના પ્રીમિયર અને ડિસેમ્બર 1972થી ઉત્તર કોરિયાના પ્રમુખ અને રાજ્યના વડા બન્યા.

કિમ-ઇલ-સુંગ

1931માં કોરિયાની કમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાઈને 1932માં તેમણે કોરિયન પીપલ્સ રેવોલ્યુશનરી આર્મીની સ્થાપના કરી હતી. 1930માં જાપાને કોરિયાનો કબજો લીધો હતો તેનો તેમણે રેવોલ્યુશનરી આર્મી દ્વારા સશસ્ત્ર પ્રતિકાર કરી ગેરીલા યુદ્ધ ચાલુ રાખ્યું. બીજા વિશ્વયુદ્ધ (1939-45) દરમિયાન સોવિયેત સૈન્યના ભાગ રૂપે કોરિયાની લડાયક ટુકડીઓનું સંચાલન કર્યું. 1945માં ઉત્તર કોરિયામાં સોવિયેત પ્રભાવ હેઠળની સામ્યવાદી સરકાર સ્થાપવા તેઓ કોરિયા પાછા ફર્યા. તેઓ સમગ્ર કોરિયાની પ્રજાનું પ્રતિનિધિત્વ કરવાનો દાવો કરતા. જોકે ઉત્તર કોરિયામાં સામ્યવાદી સોવિયેત સંઘનો પ્રભાવ ધરાવતું રાજ્ય રચાય તેવા પ્રયાસો તેમણે ચાલુ રાખેલા. 1948માં પ્રજાસત્તાક કોરિયાની એકતરફી ઉદ્ઘોષણા કરીને નવા પ્રજાસત્તાકના અસરકારક રાજકીય વડા બન્યા. ડિસેમ્બર 1972માં ઉત્તર કોરિયાના પ્રમુખ ચૂંટાયા. આ હોદ્દા પર સતત પાંચ વાર ચૂંટાતાં તેઓ જીવનપર્યંત દેશના પ્રમુખ રહ્યા. આ હોદ્દા પરથી તેમણે સતત બંને કોરિયાના એકીકરણની અને પછીથી તેના સમવાયતંત્રની હિમાયત કરી હતી. 1982માં અને 1986માં તેઓ કોરિયાના વડાપ્રધાન ચૂંટાયા. આ દરમિયાન તેમણે અમેરિકા જેવા મૂડીવાદી દેશ સાથે મૈત્રીભર્યા સંબંધો સ્થાપવાની હિમાયત કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધેલા.

આમ છતાં, તેમના શાસને ઘરઆંગણે બિનખર્ચાળ આવાસો, વિનામૂલ્ય તબીબી સહાય અને ફરજિયાત મુક્ત શિક્ષણની સુવિધા પૂરી પાડેલી. એકંદરે તેમના શાસનથી આમપ્રજા અભિભૂત હતી.

તેમના અવસાન બાદ તેમના પુત્ર કિમ-ઇલ-જુંગને શાસનનાં સૂત્રો સોંપાયાં. કારણ છેલ્લાં વર્ષોમાં તેમણે તેને વારસદાર ઘોષિત કરીને રાજકીય વંશપરંપરાગત શાસનને સમર્થન પૂરું પાડેલું.

રક્ષા મ. વ્યાસ