કિતાક્યુશુ : જાપાનના ક્યુશુ ટાપુના વાયવ્ય છેડે આવેલું ફુકુઓકા પ્રિફૅક્ચરનું મુખ્ય શહેર અને ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 33o 53′ ઉ. અ. અને 130o 50′ પૂ. રે.. ક્યુશુ ટાપુ અને હોન્શુ ટાપુ વચ્ચે સુઓ-નાડા ગેનાકીનો સમુદ્ર અને કાનમોન સામુદ્રધુની આવેલાં છે. 1963માં તેની રચના થયેલી છે.

જાપાનના ચાર મોટા ઔદ્યોગિક વિસ્તારો પૈકી કિતાક્યુશુ એક છે. અહીં લોખંડ અને પોલાદ, રસાયણો, ખાદ્ય પદાર્થો, કાચ, ચીનાઈ માટીનાં વાસણો, પથ્થરની વસ્તુઓ વગેરેનાં કારખાનાં છે. મોજી આંતરરાષ્ટ્રીય બંદર છે. અહીં દર વરસે સંખ્યાબંધ જહાજો આવજા કરે છે.

કિતાક્યુશુ ઉચ્ચ શિક્ષણનું મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. વસ્તી 9,40,978 (2019) છે.

શિવપ્રસાદ રાજગોર