કાસિમ, અબ્દુલ કરીમ

January, 2006

કાસિમ, અબ્દુલ કરીમ (જ. ? 1914, બગદાદ; અ. 9 ફેબ્રુઆરી 1963, બગદાદ) : ઇરાકમાં 1958ના બળવા દ્વારા રાજાશાહીને પદભ્રષ્ટ કરનાર લશ્કરી અધિકારી અને નવા પ્રજાસત્તાકના પ્રમુખ અને વડાપ્રધાન. તેમણે ઇરાકની લશ્કરી અકાદમીમાં સૈનિક તરીકેની તાલીમ લીધી અને વિવિધ સ્તરે બઢતી મેળવી 1955 સુધીમાં ઉત્તરોત્તર ઊંચા હોદ્દા હાંસલ કર્યા. રાજાશાહીની પશ્ર્ચિમ તરફ ઢળતી અને સામાજિક રૂઢિચુસ્તતાની નીતિઓ પ્રત્યે તેમને ભારે અણગમો હતો.

1957 સુધીમાં તેમણે વિવિધ વિરોધી જૂથોનું સમર્થન હાંસલ કર્યું. લશ્કરની વ્યાપક હેરફેર નિમિત્તે 14 જુલાઈ 1958માં લશ્કરી બળવો કરી રાજાશાહીનો અંત લાવી રાજાની હત્યા કરી અને પ્રજાસત્તાકની સ્થાપના કરી. આ નવા પ્રજાસત્તાકના વડાપ્રધાન અને પ્રમુખ તરીકે તેમણે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. ઇરાકના વડાપ્રધાન મુલ્લા મુસ્તફા બરઝાની, જેમણે 11 વર્ષથી સોવિયેત સંઘમાં આશરો લીધો હતો તેમને 6 ઑક્ટોબર 1958ના રોજ ઇરાકમાં રાષ્ટ્રીય નેતા તરીકે આવકાર્યા. જોકે થોડા સમય પછી બંને નેતાઓ વચ્ચેના સંબંધો તંગ બન્યા હતા. કાસિમે સત્તા પર આવતાં પૂર્વે કુર્દિશ (સાંસ્કૃતિક સંદર્ભે અન્ય આરબો કરતાં અલગ વ્યક્તિત્વ ધરાવતું લઘુમતી મુસ્લિમ જૂથ.) પ્રજાને ઘણાં વચનો આપ્યાં હતાં, પરંતુ સત્તા મેળવ્યા પછી આ લઘુમતી સાથેના તેમના સંબંધોમાં બદલાવ આવ્યો અને કુર્દિશ લઘુમતીને કનડગત કરવાની શરૂઆત થઈ. કુર્દિશ અખબારો પર પ્રતિબંધ મુકાયો, તેમની સ્વાયત્તતા કચડવામાં આવી અને તેમના અધિકારો તેઓ માન્ય રાખવા તૈયાર નહોતા. આ સંજોગોમાં મોસુલ શહેરમાં તેમના શાસન વિરુદ્ધ થયેલા ખુલ્લા બળવાને કચડી નાંખવામાં આવ્યો, બળવાની શંકાને કારણે લશ્કરના 200 અધિકારીઓ પદભ્રષ્ટ કરાયા. સામ્યવાદીઓનો તેમને ટેકો હોવા છતાં શંકાને કારણે પોલીસ અને લશ્કરમાંથી તેમણે સામ્યવાદી તત્વોને હઠાવ્યાં. આથી દિનપ્રતિદિન તેમના ટેકેદારોની સંખ્યા ઘટતી ગઈ. 1960 સુધીમાં ડાબેરી અને જમણેરી નાગરિકી નેતાઓને પણ કચડવા પ્રયાસો થયા. પરિણામે એક અધિકારી સાલેમ આરફેના નેતૃત્વ હેઠળ તેમની વિરુદ્ધ બળવો થયો અને ફેબ્રુઆરી 1963માં તેમની હત્યા કરવામાં આવી.

રક્ષા મ. વ્યાસ