કાસાવુબુ, જોસેફ

January, 2006

કાસાવુબુ, જોસેફ (જ. 1910, ત્શેલે, પ્રાંત લિયોપોલ્ડવિલે; અ. 24 નવેમ્બર 1965, વેમ્બ) : સ્વાધીન ઝૈર(બેલ્જિયન-કૉંગો, લિયોપોલ્ડવિલે-કૉંગો કિન્સાશા-કાગો)ના પ્રથમ પ્રમુખ. તેમનાં માતા મુકોન્ગો ટોળીનાં હતાં અને પિતા રેલવેના બાંધકામ ખાતામાં કામ કરતા ચીની મજૂર હતા. રોમન કૅથલિક શાળા અને સેમિનરીમાં તેમણે અભ્યાસ કર્યો હતો. પાદરી બનવાને બદલે તેમણે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો અને 1942માં કાગોના વહીવટી તંત્રમાં જોડાયા. કાગોમાં શિક્ષિત (evolues) આફ્રિકનોને જ સંગઠન રચવાની છૂટ હોવાથી કાસાવુબુ માજી વિદ્યાર્થીઓના સંગઠનના મહામંત્રી બન્યા. રાજકીય મહત્વાકાંક્ષા તેમને પુરાતન કાગોના રાજ્યને પુન: સાકાર કરવા વિવિધ જૂથોને એકત્ર કરવાના પ્રયાસ તરફ દોરી ગઈ. બાકૉંગો(મૂળ કૉંગોવાસી ટોળી)નું કાગો ઉપર નિયંત્રણ હોવું જોઈએ તેવી હિમાયત તે કરતા હતા. બેલ્જિયન સરકારે 1957માં લોકશાહી ચૂંટણીઓ આપી ત્યારે અબાકો (Association de Bakongo pour I’ unification le expansion et le defence de la Langue Kikongo) દ્વારા તેમાં ભાગ લીધો અને લિયોપોલ્ડવિલેમાં સંપૂર્ણ વિજય મેળવ્યો. આ દરમિયાન મૂવમેન્ટ નૅશનલ કૉંગોલીઝ પક્ષના પેટ્રિસ લુમુમ્બા પણ વગદાર નેતા તરીકે ઊપસ્યા હતા. સ્વાધીનતા પછી કાસાવુબુ પ્રમુખ બન્યા જ્યારે લુમુમ્બા વડાપ્રધાન બન્યા. પરંતુ બંને વચ્ચેના સંબંધ વણસ્યા અને 1960ના સપ્ટેમ્બરમાં તેમણે લુમુમ્બાને પદભ્રષ્ટ કરવા કોશિશ કરી એટલે લુમુમ્બાએ તેમને ફરજમોકૂફ કર્યા. અલબત્ત, સેનેટે બંને પગલાં રદ કર્યાં. તા. 15 સપ્ટેમ્બર 1960ના રોજ મોબુતુએ સૈન્યના બળે સત્તા કબજે કરીને, બંનેને સત્તાસ્થાનેથી દૂર કર્યા. લુમુમ્બાની હત્યા થઈ. આ દરમિયાન મોબુતુ અને કાસાવુબુ વચ્ચે કોઈ સમજૂતી હોય તેમ જણાતું હતું. લુમુમ્બાની હત્યામાં કાસાવુબુ સંડોવાયા હોવાનું યુનોના તપાસ પંચે પણ જણાવ્યું હતું. નવેમ્બરમાં યુનોમાં હાજરી આપી તેમણે કૉંગોની સ્વીકૃતિ માટે સફળ કામગીરી બજાવી. આ દરમિયાન તે કૉંગોનું શિથિલ સંઘ-રાજ્ય રચાય તે માટે પ્રયાસ કરતા રહ્યા. ત્શોમ્બેના કાટાંગાના વિદ્રોહને કારણે સ્થિતિ સ્ફોટક બની અને તેનો ઉકેલ લાવવા કાસાવુબુએ યુનો સાથે સહકારનું વલણ અપનાવ્યું. ત્શોમ્બેને ચૂંટણીના ગાળા માટે વડાપ્રધાન બનાવવા બાબત કાસાવુબુએ સંમતિ દર્શાવી હતી, પરંતુ પછી બન્ને વચ્ચેના સંબંધો તનાવપૂર્ણ થતાં, ફરી 1960ની 24 નવેમ્બરે મોબુતુએ સત્તા કબજે કરી ત્યાં લશ્કરી સરમુખત્યારશાહી સ્થાપી.

જયંતી પટેલ

શિવપ્રસાદ રાજગોર