કાલસર્પયોગ : અત્યંત ચર્ચાયેલો પણ કપોલકલ્પિત મનાયેલો ગ્રહયોગ. લગભગ 1930-1940ના ગાળાથી જ્યોતિષીઓમાં કાલસર્પ નામના અશુભ યોગની ચર્ચા થાય છે. આ યોગ જ્યોતિષશાસ્ત્રના ફલિતવિભાગના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય જોવામાં આવતો નથી. કેટલાક લોકો કપોલકલ્પિત રીતે, પ્રાચીન કાળથી આ યોગ જાણવામાં હતો અને તેનું કેટલાક ગ્રંથોમાં વિવેચન છે એમ પ્રતિપાદન પણ કરે છે, પરંતુ તે અશાસ્ત્રીય માલૂમ પડ્યું છે. આ યોગના પ્રતિપાદકોના કહેવા મુજબ કુંડળીમાં રાહુ-કેતુની વચ્ચે સૂર્યથી લઈ શનિ પર્યંતના સાત ગ્રહો આવી જાય તો કાલસર્પયોગ થાય. એવા યોગમાં જન્મેલી વ્યક્તિનું જીવન દુ:ખમય નીવડે એમ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં આ યોગ થયો હોય તેમના માટે એટલે આ યોગ માટે શાંતિ (પૂજાવિધાન) આદિ મન:કલ્પિત વિધિઓ પણ સૂચવવામાં આવે છે.

કાલસર્પયોગ ખગોલીય ચમત્કૃતિવાળો પણ નથી. ગ્રહોની ગતિના આધારે કાલસર્પયોગ ક્યારે ક્યારે ઉદભવી શકે છે તે સમજવાની સહેલી રીત નીચે મુજબ છે :

જ્યારે રાહુ રાશિ બદલે ત્યારે સર્વપ્રથમ શનિ કેતુથી કેટલામી રાશિ ઉપર છે તે શોધી કઢાય છે. શનિ જો કેતુની રાશિથી આગળની રાશિમાં હોય તો તે રાહુ-કેતુની વચ્ચે રહેવાનો છે એમ મનાય છે. પણ જો કેતુની રાશિ પહેલાંની રાશિ ઉપર તે હોય તો તેની ગતિના હિસાબથી ગણિત કરી તે કેતુની રાશિના અંશ કરતાં ક્યારે આગળ નીકળી જશે તે નક્કી કરી લેવાય છે. કેતુની રાશિ ઉપર આવી ગયા પછી તે લગભગ બાર-પંદર વર્ષ સુધી રાહુ અને કેતુની વચ્ચે ભ્રમણ કરે. આવી જ રીતે ગુરુ કેતુની રાશિ વટાવી આગળ નીકળી જાય ત્યારપછી લગભગ છ-સાત વર્ષ પર્યંત રાહુ અને કેતુની વચ્ચે રહે. આમ આ બે મંદગતિવાળા ગ્રહોનું રાશિભ્રમણ નક્કી કર્યા પછી મંગળનો રાશિચાર જોવાય છે. મંગળ કોઈ કોઈ વખત છ-છ મહિના એક રાશિ ઉપર રહે છે, છતાં તે વર્ષ દરમિયાન ગમે ત્યારે પણ કેતુની રાશિ વટાવી રાહુ-કેતુની વચ્ચે આવી જાય છે. કેતુની રાશિવાળી સંક્રાંતિમાં સૂર્ય આવે ત્યારે શુક્ર, બુધ પણ તેની નજીકમાં રહેતા હોવાથી તે પણ રાહુ-કેતુની વચ્ચે લગભગ છ-સાત મહિના જેટલા સમય સુધી રહે. વળી પાછા બીજી સાત રાશિઓ વટાવી ફરીથી રાહુ-કેતુની વચ્ચે આવી જાય. આમ શનિ અને ગુરુ રાહુ-કેતુના અંતરાલમાં હોય ત્યારે દર વરસે છ-સાત મહિના તે રાહુ-કેતુની વચ્ચે રહે. ચંદ્ર તો દર મહિનામાં લગભગ પંદર દિવસ રાહુ-કેતુની વચ્ચે આવી જ જાય છે. એટલે આવા ગ્રહચારવાળા વર્ષે, દર છ-સાત મહિનાના ગાળામાં લગભગ 15-15 દિવસના અંતરે બધા જ ગ્રહો દર પંદર દિવસ સુધી રાહુ-કેતુ વચ્ચે રહે છે. તે સમયમાં જન્મનાર દરેક વ્યક્તિને કાલસર્પયોગ લાગુ પડે એમ માનવું પડે.

હવે ગણિતની ર્દષ્ટિએ વિચાર કરીએ તો જ્યારે જ્યારે રાહુ અને કેતુની વચ્ચે શનિ, ગુરુ અને મંગળ (ગમે તે રાશિમાં) આવી જતા હોય તે વર્ષોમાં ઘણા લાંબા સમય સુધી કેતુથી લઈ રાહુની રાશિ પર્યન્તમાં ચંદ્રની સ્થિતિવાળા સમયમાં જન્મેલાઓને બહુધા કાલસર્પયોગ થવાનો; તેથી શું એ બધા દરિદ્ર થવાના ? જો તેમ જ હોય તો કાલસર્પયોગ બધા જ રાજયોગો કે શુભ યોગોનો ભંગ કરે છે એમ માનવું પડે અથવા કાલસર્પયોગનો બીજા યોગો ભંગ કરે છે એમ માનવું પડે. પરંતુ, આવું કોઈ પણ વિધાન કાલસર્પયોગ વિશે મળતું નથી. તેથી કાલસર્પયોગ નિર્મૂળ ઠરે છે. ગાણિતિક ર્દષ્ટિએ એક ઉદાહરણ જોઈએ : સંવત 2042ના પોષ સુદ એકમથી જેઠ વદ અમાસ સુધીના ગાળામાં તુલાથી મેષ સુધીની રાશિમાં (ચંદ્ર રાશિમાં) જન્મેલી દરેક વ્યક્તિને કાલસર્પયોગ થાય. આવી જ રીતે બીજાં વર્ષોમાં જિજ્ઞાસુઓ શોધી શકે. અને તે તે કાળમાં જન્મેલાનું જીવન કેવું વીતે છે તે તપાસે તો આ યોગ પર વિશેષ પ્રકાશ પડે.

કાલસર્પયોગમાં જન્મેલી વ્યક્તિને દારિદ્ર્ય, કૌટુંબિક વિટંબણાઓ, દાંપત્યસુખમાં વિઘ્ન આદિ અશુભ ફળ થાય છે એમ કેટલાક કહે છે. પરંતુ ઘણી કુંડળીઓના અભ્યાસ પછી આ બધું ભ્રાંતિભરેલું છે એમ જણાયું છે. ઊલટું, આવા યોગમાં જન્મેલી વ્યક્તિઓને અશુભ ફળની જગ્યાએ ઘણું શુભ ફળ થતું પણ માલૂમ પડ્યું છે. કાલસર્પયોગની કલ્પના અને તેનાથી ઉત્પન્ન થતું ફળ તે કારણે નિરાધાર ઠરેલ છે.

હિંમતરામ જાની