કાલગણના (પુરાતત્ત્વ) : ભૂતકાળના વૃત્તાન્ત તરીકે ઇતિહાસના બનાવોને સમયના માપદંડમાં મૂકવાની પદ્ધતિ.

મનુષ્યના વ્યક્તિગત અને સામૂહિક વ્યવહારોના નિશ્ચય માટે કાલગણના આવશ્યક છે. અન્ય જાતિઓની જેમ, આર્યજાતિઓમાં પણ અતિપ્રાચીન કાળથી કાલગણના પ્રવર્તમાન હતી. વૈદિક આર્યોની પ્રાચીનતમ કાલગણના કલ્પ, મન્વન્તર અને યુગપરક હતી. પૂર્વસૃષ્ટિના વિલય પછી નવસૃષ્ટિનો આરંભ તે કલ્પ. કલ્પમાં મન્વન્તરો અને તેમાં મહાયુગો એ પ્રમાણે ગણના થતી. પુરાણોમાં વ્યક્તિઓ અને પ્રસંગોના નિર્દેશ કૃત, દ્વાપર, ત્રેતા, કલિ એમ યુગાનુસાર થયેલા જોવા મળે છે. આ નિર્દેશોને આધારે ઐતિહાસિક કાલક્રમ ગોઠવાય છે. વ્યક્તિના નામથી સર્વપ્રથમ યુધિષ્ઠિર સંવતની શરૂઆત થયાનો મહાભારતમાં નિર્દેશ છે. પ્રસંગ ઉપરથી કલિ સંવત આરંભાયો. વિક્રમ સંવતના આરંભપૂર્વે પુરાણોમાં કલિ સંવત અનુસાર કાલગણના થતી હતી. વિક્રમપૂર્વેના વીરનિર્વાણ સંવત સિવાયના કોઈ સંવતનું નામ મળતું નથી. પણ મહત્વની વ્યક્તિઓ અને પ્રસંગો પર આધારિત કાલગણના થતી હોવી જોઈએ.

વિક્રમ અને શક સંવત આજે પણ ગુજરાતમાં પ્રચલિત છે. ભારતના સ્વાતંત્ર્ય પછી શકાનુસારી ભારતીય સંવત આરંભાયો છે. ગુપ્ત, વલભી, કલચુરિ, સિંહ આદિ કેટલીક કાલગણનાઓ તે તે રાજવંશના અસ્ત સાથે અટકી ગઈ.

કાલગણના સૂર્ય અને ચંદ્રના નક્ષત્રભ્રમણને આધારે થાય છે. અહોરાત્ર, માસ, ઋતુ, અયન અને સંવત્સર સૂર્યની ગતિના આધારે નિશ્ચિત થાય છે. તિથિ, પક્ષ એ ચંદ્રની ગતિને આધારે નિશ્ચિત થાય છે. મહાભારત, રામાયણ અને પુરાણોમાં આ પ્રકારે કાલગણના થતી હોવાના ઉલ્લેખો છે.

ભારતી શેલત