કાલકાચાર્ય (અ. ઈ.પૂ. 61) : પશ્ચિમના ક્ષત્રપો તરીકે ઓળખાતા શકોને આમંત્રણ આપનાર જૈન આચાર્ય. અનુશ્રુતિ પ્રમાણે કાલકાચાર્ય વિક્રમાદિત્યના સમકાલીન અને ક્ષત્રિય હતા. તેમની પૂર્વાવસ્થાની બહેન સાધ્વી સરસ્વતીના રૂપથી મોહિત થઈને ઉજ્જનના રાજા ગર્દભિલ્લે તેનું અપહરણ કર્યું હતું. તેથી રોષે ભરાઈને તેનું વેર લેવા તેઓ પારસકૂલ (ઈરાન) ગયા અને ત્યાંથી 96 શાહી રાજાઓને ભારત ઉપર ચડાઈ કરવા આમંત્રણ આપીને લઈ આવ્યા. પારસથી સિંધ અને ત્યાંથી સીધા સૌરાષ્ટ્રના ઢાંક કે ઢાંકગિરિ આવ્યા. સાથે આવેલ રાજાઓએ સૌરાષ્ટ્રનો પ્રદેશ 96 મંડળોમાં વહેંચી લીધો. કાલકાચાર્ય શક સરદારો સાથે તેમના ભાણેજ બલમિત્રના પાટનગર ભરૂચમાં આવ્યા. બલમિત્ર અને તેના પુત્રનો સાથ લઈને ઉજ્જન ઉપર ચડાઈ કરી. ગર્દભિલ્લને મારી કાલકાચાર્યની બહેન પાછી મેળવી.

કાલકસૂરિએ લખેલા ‘પ્રથમાનુયોગ’ અને ‘કાલકસંહિતા’ ગ્રંથો હાલ ઉપલબ્ધ નથી. કેટલાક વિદ્વાનોના મતાનુસાર આર્ય શ્યામાચાર્ય એ જ કાલકાચાર્ય હતા. તેમણે ‘પ્રજ્ઞાપનાસૂત્ર’ ગ્રંથ લખ્યો હતો. તેમના કહેવાથી પર્યુષણનો ઉત્સવ પાંચમને બદલે ચોથને દિવસે ઊજવાયો હતો. આ જૈન આચાર્ય સુવર્ણભૂમિ (મલેશિયા) ગયા હતા એવી અનુશ્રુતિ ભોગીલાલ સાંડેસરાએ નોંધી છે. કાલકાચાર્યની મૂર્તિ મલેશિયામાંથી પણ મળી આવી છે.

રસેશ જમીનદાર