કાર્પ માછલી (Carp) : મીઠા જળાશયમાં રહેતી અને માનવખોરાક તરીકે સ્વાદિષ્ટ ગણાતી Cyprinidae કુળની માછલી. ઉષ્ણ કટિબંધ પ્રદેશની આ માછલીનો ઉછેર રશિયા અને જર્મની જેવા પાશ્ચાત્ય દેશોમાં પણ કરવામાં આવે છે. કાર્પ માછલીનાં જડબાંમાં દાંત હોતા નથી અને તે ખોરાક તરીકે મુખ્યત્વે સૂક્ષ્મ જીવોનું પ્રાશન કરે છે. જોકે ઘાસ કાર્પ (grass carp) જેવી માછલીઓ જલજ વનસ્પતિઓનો ઉપયોગ પણ ખોરાક તરીકે કરે છે. પ્રતિકૂલ પર્યાવરણનો સહેલાઈથી સામનો કરી ઝડપથી વૃદ્ધિ પામતી હોવાથી આ માછલીઓનો ઉછેર મત્સ્યોદ્યોગ માટે મોટા પાયા પર કરવામાં આવે છે. મીઠા પાણીનાં મત્સ્યોમાં 64 % માછલી કાર્પ પ્રકારની હોય છે.

મેજર કાર્પ : ભારતનાં મીઠાં જળાશયોમાં વિપુલ એવી કટ્લા (Catla catla), રોહુ (Labeo rohita) અને મૃગલ (Cirrhina mrigala) માછલીઓને મેજર કાર્પ્સ કહે છે. ત્રણેય પ્રકારની માછલીઓ એક જ જળાશયમાં પાણીના જુદા જુદા સ્તરે રહે છે. સૌથી ઉપલી સપાટીએ રહેતી કટ્લા માછલી ખોરાક તરીકે મુખ્યત્વે વાનસ્પતિક સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરે છે. રોહુ માછલી મીઠા જળાશયના વચલા સ્તરે રહે છે. વાનસ્પતિક અને પ્રાણિજ સૂક્ષ્મ જીવો રોહુ માછલીનો ખોરાક હોય છે. મૃગલ માછલી પાણીના નીચલા સ્તરે એટલે કે જળાશયના તળિયા પાસે રહીને સૂક્ષ્મ જીવો તેમજ સડેલા કાર્બનિક પદાર્થો ખાય છે.

મેજર કાર્પ માછલીઓ ચોમાસાની શરૂઆતમાં પ્રજનન કરે છે. નદી, વહેતા પાણીનાં ઝરણાં અને કૅનાલ જેવાં મીઠાં જળાશયોમાંથી આ માછલીઓનાં બીજ મેળવી શકાય છે. જોકે આ માછલીઓનું બીજોત્પાદન મુખ્યત્વે પ્રેરિત પ્રજનન (induced breeding) દ્વારા કરવામાં આવે છે. એકલા ગુજરાતમાં પ્રેરિત પ્રજનનથી દર વર્ષે 10થી 15 કરોડ મેજર કાર્પનું બીજોત્પાદન કરવામાં આવે છે. પંચાયતનાં તળાવો અને બંધિયાર પાણીના સંગ્રહોમાં આ માછલીઓનો ઉછેર કરવામાં આવે છે.

માઇનર કાર્પ : આ માછલી પણ ભારતનાં મીઠાં જળાશયોમાં વિપુલ પ્રમાણમાં મળે છે. ભેલાજી (Labeo fimbriatus), ખુરસા (L. boggut), કામશી (L. calbasu), કુર્ચા (L. gonius) અને મૂરખી (Cirrhina reba) જેવી માછલીઓ પણ માનવખોરાક તરીકે સ્વાદિષ્ટ ગણાય છે. જોકે આ માછલીઓનો ઉછેર કરવામાં આવતો નથી. પકડેલી માછલીઓનું જ વેચાણ થાય છે.

કૉમન કાર્પ (Cyprinus carpio) : દુનિયાનાં ઘણાં મીઠાં જળાશયોમાં કૉમન કાર્પ જોવા મળે છે. જોકે ભારતમાં આ માછલીની આયાત સૌપ્રથમ મત્સ્યસંવર્ધન માટે કરવામાં આવી હતી. કૉમન કાર્પ ખાઉધરી અને સર્વભક્ષી હોવા ઉપરાંત કૃત્રિમ આહાર પણ તેને માફક આવે છે. પરિણામે તેની વૃદ્ધિ ઝડપથી થાય છે. મૃગલ અને કામશીની માફક આ માછલી તળિયે રહે છે અને બંધિયાર જળાશયોમાં વર્ષમાં બે વાર – ચોમાસા અને શિયાળામાં – ઈંડાં મૂકે છે. તે ઈંડાં મૂકવા હાઇડ્રિલા, વૅલિસનેરિયા જેવી પાણીમાં તરતી અથવા ડૂબેલી વનસ્પતિ હોય તેવાં સ્થળો પસંદ કરે છે. તેથી પ્રજનન-ઋતુકાળ દરમિયાન એક ‘હાપા’ની અંદર નર અને માદાને હાઇડ્રિલા જેવી વનસ્પતિ સાથે મૂકવામાં આવે છે. આવા પર્યાવરણથી ઉત્તેજિત થયેલી માદા ઈંડાં મૂકે છે અને ત્યારબાદ તરત જ તેના પર નર શુક્રકોષોનો ત્યાગ કરે છે.

ઘાસ કાર્પ (Ptenopharyngodon idella) : તેનું મૂળ વતન રશિયા અને ચીન દેશની નદીઓ છે. આજે જાપાન, ચીન, ભારત, મધ્ય અને અગ્નિ એશિયાના દેશો ઉપરાંત મધ્ય યુરોપમાં ઘાસ કાર્પનો ઉછેર મોટા પાયા પર કરવામાં આવે છે. જળાશયની વનસ્પતિ એ તેનો મુખ્ય ખોરાક છે. આવી વનસ્પતિ હોય તેવાં જળાશયોમાં તે ઝડપથી વૃદ્ધિ પામે છે. વધારે પ્રમાણમાં વનસ્પતિ ઊગતી હોય તો તેનું નિયમન કરવા પણ ઘાસ કાર્પનો ઉપયોગ થઈ શકે છે. પ્રેરિત પ્રજનન દ્વારા ઘાસ કાર્પના બીજનું ઉત્પાદન કરી શકાય છે.

રૂપેરી કાર્પ (Hypopthalmichthys molitrex) : અગાઉ મધ્ય ચીન અને રશિયાની નદીઓમાં વાસ કરતી આ માછલીને આજે યુરોપ અને એશિયાના ઘણા દેશોમાં ઉછેરવામાં આવે છે. જળાશયના ઉપલા સ્તરે જોવા મળતી આ માછલી સૂક્ષ્મ જીવોનું ભક્ષણ કરીને જીવે છે. મેજર કાર્પની જેમ પ્રેરિત પ્રજનન દ્વારા આ માછલીના બીજનું ઉત્પાદન કરી શકાય છે.

મ. શિ. દૂબળે