કારાકુમ (તુર્કમેનિસ્તાન)

January, 2006

કારાકુમ (તુર્કમેનિસ્તાન) : તુર્કમેનિસ્તાનમાં આમુદરિયા નદીની ‘કારાકુમ’ નહેરના નામ ઉપરથી ઓળખાતો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 460 49′ ઉ. અ. અને 790 33′ પૂ. રે.. અહીંનું મહત્તમ તાપમાન 500 સે. જેટલું નોંધાયેલું છે. અગાઉના યુએસએસઆરનું તે ઘટકરાજ્ય હતું. ઈરાન અને અફઘાન રાષ્ટ્રોની ઉત્તર સરહદે યુરલ પર્વત તેમજ કાસ્પિયન સમુદ્ર અને આમુદરિયા નદી વચ્ચેનો નીચાણવાળો આ વિસ્તાર રણપ્રદેશ છે. ટ્રાન્સ-કાસ્પિયન રેલમાર્ગ આ રણમાંથી પસાર થાય છે. ‘કારાકુમ’ નહેરે આમુદરિયાથી અશ્ખાબાદ સુધીના રણપ્રદેશને સિંચાઈથી ફળદ્રૂપ બનાવી દીધો છે. કારાકુમ નહેર વિશ્વની સૌથી મોટી સિંચાઈ માટેની નહેર ગણાય છે. પશુપાલન અહીંનો મુખ્ય વ્યવસાય ગણાય છે. અહીંના કારાકુમ ઘેટાં અને તુર્કોમન ઘોડા વિશ્વમાં પ્રખ્યાત છે. કપાસ, મકાઈ, રેશમ, દ્રાક્ષ, ફળ, ઑલિવ વગેરેની સારા પ્રમાણમાં ખેતી થાય છે. આ વિસ્તારમાં સમૃદ્ધ ખનિજતેલના તથા કુદરતી વાયુ તેમજ ગંધકના અનામત જથ્થા છે.

આ વિસ્તારનાં કારાબોગાઝ ગલ્ફમાં સલ્ફેટ, મૅંગેનીઝ, કોલસો અને મીઠું ઉત્પન્ન થાય છે. અને નૈબીત દાગમાં ખનિજતેલના કૂવા છે. અહીં ખનિજતેલ, સિમેન્ટ, કાપડ, ચામડાં, ગાલીચા અને કાચની સામગ્રીના ઉદ્યોગોની સાથે મત્સ્યઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગો વિકાસ પામ્યા છે. કારાકુમના 4,90,000 ચોકિમી. પ્રદેશમાં આશરે 15,20,000 લોકો (1 ચોકિમી.એ 3 માણસ) વસે છે. અશ્ખાબાદ (વસ્તી 1,70,000 મુખ્ય શહેર), ચાર્દઝઉસ, મેરી અને કાન્સનોવડસ્ક વિકાસ પામતાં શહેરો છે.

જ્યોતેન પ્ર. વ્યાસ