કારાકાસ : દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા રાજ્યનું પાટનગર અને દક્ષિણ અમેરિકાના મુક્તિદાતા સાયમન-દ-બોલીવારનું જન્મસ્થળ. ભૌગોલિક સ્થાન : 100 30’ ઉ. અ. અને 660 56’ પ. રે.. તુર્કમેન ભાષામાં અહીંના રણને ‘ગારાગુમ’ કહે છે. તેનો અર્થ ‘કાળી રેતી’ એવો થાય છે. તે ઉત્તર મધ્ય કૅરિબિયન સમુદ્રના કિનારાથી 11 કિમી. દૂર 960 મી.ની ઊંચાઈએ આવેલું છે અને લા ગુએરા બંદર સાથે ધોરી માર્ગથી જોડાયેલું છે. ડિયેગો-દ-લોસાડાએ 1567માં તેની સ્થાપના કરી. મૂળ નામ સ્થાનિક ઇન્ડિયન આદિવાસી જાતિ પરથી સેન્ટિયાગો-દ-લિયોન-દ-કેરાકાસ રખાયું હતું. તેનું ટૂંકું નામ કારાકાસ હાલ પ્રચલિત છે.

તેનું સરેરાશ વાર્ષિક તાપમાન 200 સે. છે પણ જાન્યુઆરીમાં 180 સે.થી પણ નીચું જાય છે. એપ્રિલથી ઑક્ટોબર દરમિયાન 220 સે. તાપમાન રહે છે. વરસાદ 810 મિમી. પડે છે. ઊંચાઈ ઉપર આવેલું હોવાથી આબોહવા આહલાદક છે.

અહીં સંસ્થાન કાળનાં મકાનો અને સ્થાપત્ય સચવાયાં છે. શહેરના મુખ્ય ચોકમાં દેશના મુક્તિદાતા સાયમન-દ-બોલીવારનું બાવલું છે. પ્લાઝામાં જૂનાં દેવળો, આર્ચબિશપનો મહેલ, ઘી કાસા અમરીલ્લા (વિદેશમંત્રીનું પરંપરાગત કાયમી નિવાસસ્થાન) અને ત્રણ સંગ્રહસ્થાનો છે. સેન્ટ્રલ બોલીવાર મહાલયના બે ટાવરયુક્ત બત્રીસ માળના મકાનમાં ઉપરના મજલાઓમાં સરકારી કચેરીઓ તથા નીચે ભોંયતળિયે દુકાનો, રેસ્ટોરાં વગેરે છે.

વેનેઝુએલાના સ્વાતંત્ર્ય-શહીદોનું સ્મારક, કારાકાસ

તેલક્ષેત્રોની શોધ સાથે શહેરની વસ્તીનો તથા ઉદ્યોગોનો 1960-70ના દસકામાં ખૂબ ઝડપી વિકાસ થયો છે. ખાદ્ય પદાર્થોનું પૅકિંગ કરવાનો, કાપડ, ડેરી, કાગળ, કાચ, તમાકુ, દવા, મોટર ગાડી, પેટ્રોલિયમ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. વસ્તી ન્યૂયૉર્ક કરતાં અહીં વધારે ગીચ છે. કૉફી, કોકો અને પેટ્રોલિયમ પેદાશો નિકાસ થાય છે. જ્યારે યંત્રો, રસાયણો, દવા, કાપડ વગેરે આયાત થાય છે.

1695માં અંગ્રેજોના અને 1766માં ફ્રેન્ચોના હુમલામાં શહેરને ઘણું સહન કરવું પડ્યું હતું. સાયમન-દ-બોલીવાર ઉપરાંત ફ્રાન્સિસ્કો મિરાન્ડા નામના બીજા દેશભક્તનું પણ તે વતન છે. દક્ષિણ અમેરિકાનાં સ્પૅનિશ સંસ્થાનો પૈકી 1811માં તેણે સ્પેનની ચુંગાલમાંથી મુક્તિ મેળવી હતી. 1812માં ધરતીકંપે શહેરને ખંડિયેરોમાં ફેરવી નાખેલ. એમાં 12,000 માણસો મરણ પામ્યા હતા. 1900માં થયેલા બીજા ધરતીકંપથી પણ તેને ઘણું નુકસાન થયું હતું.

શિવપ્રસાદ રાજગોર