કાનનબાલા (જ. 1916; અ. 1992) : ભારતીય ચલચિત્રજગતની સુવિખ્યાત ગાયિકા-અભિનેત્રી. નિર્ધન કુટુંબમાં કૉલકાતા ખાતે જન્મ. બાળપણ શહેરની ઝૂંપડપટ્ટીમાં વીત્યું. પિતા રતનચંદ્ર દાસનું અવસાન થયું ત્યારે કુટુંબ પર દેવાનો બોજ હોવાથી ગુજરાન માટે દસમા વર્ષે ચલચિત્રક્ષેત્રે પ્રવેશ કર્યો. માદન થિયેટર્સના ‘જયદેબ’(1926)માં પ્રથમ અભિનય. તે પછી રાધા ફિલ્મ્સ દ્વારા નિર્મિત બંગાળી ચલચિત્ર ‘મનમાયી ગર્લ્સ સ્કૂલ’(1935)માં અભિનય દ્વારા નામના મેળવી. બોલપટ યુગનાં તે પ્રથમ ગાયિકા-અભિનેત્રી ગણાય છે. ચલચિત્ર-ક્ષેત્રે ગાયન-અભિનયમાં પ્રથમ સિદ્ધિ મેળવ્યા પછી તેમણે સંગીતની શાસ્ત્રીય તાલીમ પ્રાપ્ત કરી. અશોક મિત્ર સાથે તેમનાં લગ્નપ્રસંગે કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમને શુભેચ્છાઓ પાઠવેલ.

ન્યૂ થિયેટર્સના ‘વિદ્યાપતિ’ (1937) ચલચિત્રથી તેમણે હિંદી ચલચિત્રજગતમાં પ્રવેશ કર્યો અને સંગીત-દિગ્દર્શક પંકજ મલિકની રાહબરી નીચે તેમણે ગાયેલા ‘સાંવરિયા મન ભાયા’ તથા ‘કૈસા ઉજાલા ચમન ખુશી કા’ જેવાં ગીતોએ સંગીતપ્રેમીઓનાં મન જીતી લીધાં હતાં. તે જમાનાના વિખ્યાત સંગીત-દિગ્દર્શક આર. સી. બોરાલની રાહબરી નીચે તેમણે 1937-41ના અરસામાં ગાયેલાં ગીતો તેમની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ સિદ્ધિ ગણાય છે. ‘હમરી નગરિયામેં આય બસો બનવારી’ અને ‘મોરે આંગના મેં આયે આલિ’ [બન્ને ‘વિદ્યાપતિ’ (1936)], ‘લછમી મૂરત દરસ દિખા’ (‘સ્ટ્રીટ સિંગર’, 1938), ‘લૂટ લિયો મન ધીર’ (‘જવાની કી હવા’, 1939) ‘મોહે તુમ બિન કલ ન આવે’ (‘લગન’, 1941) તેમનાં યાદગાર ગીતો છે.

કાનનબાલા

ન્યૂ થિયેટર્સમાંથી 1941માં વિદાય લઈ તે એમ. પી. પ્રોડક્શન્સમાં જોડાયાં. વીસમી સદીના પાંચમા દાયકામાં કમલ દાસગુપ્તાના દિગ્દર્શન હેઠળ તેમણે ગાયેલાં ગીતોએ તેમને પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખર પર મૂક્યાં; એમાં ‘અય ચાંદ છૂપ ના જાના’, ‘કુછ યાદ રહે તો સુનકર જા, યા હાં કર જા’, ‘દૂર દેશ કા રહનેવાલા આયા’, ‘તૂફાન મેલ, દુનિયા અય દુનિયા’, (‘જવાબ’, 1942) તથા ‘પ્રભુજી, તુમ રાખો લાજ હમારી’ (‘હૉસ્પિટલ’, 1943) વિશેષ લોકપ્રિય બન્યાં. ચલચિત્રક્ષેત્રે ચાર દશકની કારકિર્દી દરમિયાન તેમણે કુન્દનલાલ સહેગલ, પ્રથમેશ બરૂઆ અને અશોકકુમાર જેવા વિખ્યાત કલાકારો સાથે અભિનય કર્યો હતો.

‘પરિચય’ અને ‘શેષ ઉત્તર’ ચલચિત્રોની ભૂમિકાઓ માટે સર્વોત્કૃષ્ટ અભિનેત્રીના પુરસ્કાર તેમને એનાયત થયા હતા. ચલચિત્રક્ષેત્રે તેમણે કરેલ પ્રદાન માટે તેમને ‘દાદાસાહેબ ફાળકે પુરસ્કાર’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. (1977)

ચલચિત્રજગતની કારકિર્દીનાં છેલ્લાં વર્ષોમાં તે નિર્માતા અને સ્ટુડિયોનાં માલિક બન્યાં. ‘શ્રીમતી પિક્ચર્સ’ કંપનીના નેજા હેઠળ તેમણે દસ-બાર ચલચિત્રોનું નિર્માણ કર્યું હતું. ‘ઇન્દ્રનાથ, શ્રીકાંત અને અન્નદીદી’ (1964) એ તેમની છેલ્લી નિર્મિતિ. વીસમી સદીના પાંચમા દાયકાની સમાપ્તિ સાથે તેમણે ચલચિત્રઅભિનેત્રી તરીકે નિવૃત્તિ લીધી. ચલચિત્રજગતમાંથી નિવૃત્ત થયા પછી તેમણે બાકીનું જીવન ધાર્મિક અને સામાજિક કાર્યોમાં વિતાવ્યું હતું. તેમણે ગાયેલાં ગીતો દ્વારા રવીન્દ્રસંગીત બંગાળના ખૂણે ખૂણે પહોંચ્યું હતું.

પશ્ચિમ બંગાળના એક વખતના રાજ્યપાલના અંગરક્ષક હરિદાસ ભટ્ટાચાર્ય સાથે તેમનાં બીજી વારનાં લગ્ન થયાં હતાં. તેમની આત્મકથા ‘સબારે આમિ નમિ’ પ્રસિદ્ધ થઈ છે. તેનો ગુજરાતી અનુવાદ ડૉ. ચન્દ્રકાન્ત મહેતાએ ‘સર્વને મારા નમસ્કાર’ એ શીર્ષકથી કરેલો છે. તેમનું અવસાન થયું તે જ વર્ષે તેમને ‘ઇન્દિરા ગાંધી એવૉર્ડ’ (મરણોત્તર) એનાયત થયો હતો.

નલિન શાહ

બાળકૃષ્ણ માધવરાવ મૂળે