કાદુ મકરાણી

January, 2006

કાદુ મકરાણી : ગુજરાતી ચલચિત્ર. ગુજરાત રાજ્યની અલગ રચના થવા સાથે 1960માં સાધના ફિલ્મ્સે નિર્માણ કરેલું ‘કાદુ મકરાણી’ રજૂઆત પામ્યું. તેના નિર્માતા ચાંપશીભાઈ નાગડા હતા. ગુણવંતરાય આચાર્યની કથા પર આધારિત આ ફિલ્મનું દિગ્દર્શન મનહર રસકપૂરે કર્યું હતું. ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, શાલિની, ચાંપશીભાઈ, મહેશ દેસાઈ, ભૂદો અડવાણી અને બાબુ રાજે હતાં.

ગઈ સદીમાં જૂનાગઢના નવાબી રાજ્યમાં વસતા સ્વમાની મકરાણીઓના અહમને તોડવા તેમની વસાહત ઇણાજને તોપે દેવામાં આવી. આ અન્યાય અને અત્યાચારની સામે કાદરબક્ષ મકરાણી પોતાના ચાર વિશ્વાસુ સાથીઓ સાથે બહારવટે ચડ્યો. કાદુને જીવતો યા મરેલો ઝબે કરવા નવાબી રાજ્યના વફાદાર અને વીર અધિકારી હરભાઈ દેસાઈને અંગ્રેજ સરકારે હુકમ કર્યો. કાદુ અને હરભાઈ બંને બાળપણના ગોઠિયા આમનેસામને જંગે ચડ્યા. બંને દોસ્તોએ ભેટીને પોતાની મિત્રતાને તાજી કરી. ધીંગાણામાં કાદુએ પારોઠનાં પગલાં ભર્યાં અને ભાગી છૂટ્યો પરંતુ એ ઓળખાયો અને 1887ની સાલમાં કરાંચીની જેલમાં હસતે મોઢે ફાંસીને માંચડે ચડ્યો. સ્થાપિત અને માનવીય મૂલ્યો વચ્ચેના દિલેર સંઘર્ષને આલેખતી આ ફિલ્મથી ગુજરાતી ચલચિત્રોમાં એક નવી દિશા ખૂલી અને આ પ્રકારનાં ચલચિત્રોની એક પરંપરા શરૂ થઈ, જે દોઢ દાયકા બાદ હિંદી ચલચિત્રોમાં પણ પ્રતિબિંબિત થતી દેખાઈ.

હરીશ રઘુવંશી