કાન : સાંભળવા માટેની જ્ઞાનેન્દ્રિય. તે અવાજના તરંગોને ઝીલીને ચેતા-આવેગો ઉત્પન્ન કરે છે. આ આવેગો શ્રવણચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે. તેનો અંદરનો ભાગ શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કરે છે. કાનના ત્રણ ભાગ છે : બાહ્યકર્ણ, મધ્યકર્ણ તથા અંત:કર્ણ.

બાહ્યકર્ણ : તેની રચના બહારથી આવતા અવાજના તરંગોને અંદર તરફ લઈ જવા માટેની છે. તેના ત્રણ વિભાગો પાડવામાં આવે છે : કર્ણપર્ણ (pinna, auricle), બાહ્યકર્ણનળી (external auditory meatus) તથા કર્ણપટલ અથવા કર્ણઢોલ (tympanic membrane). કર્ણપર્ણ વાજાના આકારનું સ્થિતિસ્થાપક કાસ્થિનું બનેલું હોય છે. તેની ઉપર ચામડીનું જાડું પડ આવેલું છે. તેની ધારને વક્રધાર (helix) કહે છે અને તેના નીચલા કાસ્થિ વગરના ભાગને બુટ્ટી (lobule) કહે છે. (જુઓ આકૃતિ 1)

કર્ણપર્ણમાં આવેલા કાણાને બાહ્યકર્ણછિદ્ર કહે છે અને ત્યાંથી શરૂ થઈને ખોપરીના શંખાકૃતિ હાડકા(temporal bone)માં અંદરની બાજુએ 2.5 સેમી. લાંબી બાહ્યકર્ણનળી જાય છે, તેના અંદરના છેડે કર્ણપટલ આવેલો છે. બાહ્યકર્ણનળીની દીવાલ પાતળી ચામડી, કાસ્થિ તથા હાડકાની બનેલી છે. તેના બહારના છેડે રક્ષણ માટે વાળ તથા ત્વક્તેલગ્રંથિઓ (sebaceous glands) આવેલી છે. કર્ણપટલ પાતળો તંતુમય પેશીનો બનેલો અર્ધપારદર્શક પડદો છે. તે બાહ્યકર્ણનળી અને મધ્યકર્ણને અલગ પાડે છે. તેની બહારની સપાટી ચામડીની તથા અંદરની શ્લેષ્મકલા(mucosa)ની બનેલી છે. તે અંદરની તરફ બહિર્ગોળ આકારે ઊપસેલો છે.

મધ્યકર્ણ : તેના શંખાકૃતિ હાડકામાં આવેલા હવા ભરેલા પોલાણને મધ્યકર્ણ ગુહા (tympanic cavity) કહે છે. તેનું અંદરનું આવરણ અધિચ્છદ(epithelium)નું બનેલું છે. તે કર્ણપટલ દ્વારા બાહ્યકર્ણનળીથી અલગ પડે છે. બારી જેવાં બે કાણાંવાળાં હાડકાંના પડદાથી મધ્યકર્ણ અને અંત:કર્ણ અલગ પડે છે. મધ્યકર્ણની પાછળ શંખાકૃતિ હાડકાનો કર્ણમૂળ પ્રવર્ધ (mastoid process) આવેલો છે.

આકૃતિ 1 : કર્ણપર્ણની રચના : (અ) બાહ્યકર્ણનો કર્ણપર્ણ, (આ) કાનની અંત:રચના, (ઇ) મધ્યકર્ણ, (ઈ) મધ્ય અને અંત:કર્ણ. (1) વક્રધાર, (2) અનુવક્રધાર, (3) બુટ્ટી, (4) ત્રિભુજ, (5) તળપ્રદેશ, (6) બાહ્યકર્ણછિદ્ર, (7) છિદ્રાગ્રગિરિકા, (8) છિદ્રાનુગિરિકા, (9) તલીય વિવર, (10) આંતરગિરિકાખાંચ, (11) કર્ણીય ગંડિકા, (12) કર્ણપર્ણ, (13) બાહ્યકર્ણનળી, (14) કર્ણપટલ (કર્ણઢોલ), (15) મધ્યકર્ણગુહાવિવર, (16) હથોડી-હાડકું, (17) એરણ-હાડકું, (18) પેંગડું-હાડકું, (19) મધ્યકર્ણગુહા, (20) મધ્યકર્ણનળી, (21) ગોળબારી, (22) અપૂર્ણવલયાકાર નલિકાઓ, (23) સંતુલનચેતા, (24) શ્રવણચેતા, (23-24) આઠમી કર્પરીચેતા, (25) શંખિકા, (26) લંબગોળ બારી, (27) નિવેશ, (28) વિપુટ, (29) શંખાકૃતિ-હાડકું.

કર્ણમૂળ પ્રવર્ધમાં વાયુપુટિકાઓ (air cells) આવેલી છે. મધ્યકર્ણનો પાછલો ભાગ ગુહાવિવર (tympanic antrum) દ્વારા કર્ણમૂળની વાયુપુટિકાઓ સાથે જોડાય છે. મધ્યકર્ણની આગળની દીવાલમાંથી ધ્વનિનળી અથવા મધ્યકર્ણનળી (auditory canal or Eustachian tube) નીકળે છે, જે ગળાના નાક પાછળના ભાગમાં ખૂલે છે. સામાન્ય સંજોગોમાં મધ્યકર્ણમાં હવા આ માર્ગે આવે છે. ગળામાં ચેપ લાગેલો હોય તો તે પણ તેના દ્વારા મધ્યકર્ણમાં પ્રસરે છે. મધ્યકર્ણનો ચેપ ગુહાવિવર દ્વારા કર્ણમૂળની વાયુપુટિકાઓમાં પણ પ્રસરે છે અથવા શંખાકૃતિ હાડકા દ્વારા મગજમાં ગૂમડારૂપે પ્રસરે છે. મધ્યકર્ણના પોલાણમાં 3 નાનાં હાડકાં અથવા લઘુ અસ્થિઓ (ossicles) આવેલાં હોય છે. તેમને તેમના આકાર પ્રમાણે હથોડી (malleus), એરણ (incus) અને પેંગડું (stapes) કહે છે. તે મધ્યકર્ણની દીવાલ સાથે, અસ્થિબંધો (ligaments) દ્વારા જોડાયેલા હોય છે. તેમની વચ્ચે સંધિકલામય (synovial) સાંધા આવેલા છે. હથોડી-હાડકાનો હાથા જેવો ભાગ કર્ણપટલની અંદરની સપાટી સાથે જોડાયેલો હોય છે. તેનું શીર્ષ વચલા હાડકા, એરણ સાથે જોડાયેલું હોય છે. એરણ-હાડકું અને પેંગડું-હાડકું પણ જોડાયેલાં હોય છે. મધ્ય અને અંત:કર્ણની વચ્ચે આવેલા પાતળા હાડકાના બનેલા ભાજક(partition)માંની લંબગોળ બારી પર પેંગડું-હાડકાની પાદપટ્ટી ગોઠવાયેલી હોય છે. આ બારીને નિવેશીય બારી (fenestra vestibule) કહે છે. બહારથી આવતા અવાજના તરંગો કર્ણપટલને ધ્રુજાવે છે. આ ધ્રુજારી લઘુ અસ્થિઓ દ્વારા અંત:કર્ણ સુધી પહોંચે છે. લંબગોળ બારીની નીચે ગોળ શંખિકાલક્ષી બારી (fenestra cochlea) નામનું કાણું આવેલું હોય છે. તેના પર આવેલા પડદાને દ્વિતીય કર્ણપટલ કહે છે.

અંત:કર્ણ : તેને વલયનલિકાસમૂહ (labyrinth) પણ કહે છે. તેના બે ભાગ છે  અસ્થીય (bony) અને કલામય (membranous) વલયનલિકાસમૂહો. શંખાકૃતિ હાડકાના પોલાણમાં અસ્થીય વલયનલિકાસમૂહ આવેલો છે. તે નિવેશ (vestibule), શંખિકા (cochlea) તથા અપૂર્ણવલયાકાર નલિકાઓ(semicircular canals)નો બનેલો છે. અસ્થીય વલયનલિકાસમૂહની અંદરની દીવાલ પરિઅસ્થિકલા(periosteum)ની બનેલી હોય છે. તેના પોલાણમાં પરિલસિકાતરલ (perilymph) નામનું પ્રવાહી આવેલું છે.

પરિલસિકાતરલ કલામય વલયનલિકાસમૂહને બધી બાજુથી આવરી લે છે. અસ્થીય વલયનલિકાસમૂહની પુટિકાઓ અને નળીઓના આકારને અનુરૂપ તેમની અંદર કલામય વલયનલિકાસમૂહની પુટિકાઓ અને નળીઓ આવેલી છે. નિવેશ અને અપૂર્ણવલયાકાર નલિકાઓમાં સમતોલની ક્રિયા માટેનાં તથા શંખિકામાં સાંભળવાની ક્રિયા માટેનાં સંવેદના-અંગો આવેલાં છે.

() નિવેશ : અસ્થીય વલયનલિકાસમૂહના મધ્યભાગને નિવેશ કહે છે અને તેમાં ગુરુપુટિકા (utricle) અને લઘુપુટિકા (saccule) નામની બે કલામય વલયનલિકાસમૂહની પુટિકાઓ (sacs) આવેલી છે. બંને પુટિકાઓને એક નિવાહિની (duct) જોડે છે.

() અપૂર્ણવલયાકાર નલિકાઓ : નિવેશના ઉપલા અને પાછલા ભાગ સાથે ત્રણ અપૂર્ણવલયાકાર નલિકાઓ આવેલી છે. તેમના સ્થાન પ્રમાણે તેમને ઉપરની અથવા ઊર્ધ્વીય (superior), પાછળની અથવા પશ્ચ (posterior) તથા બાજુ પરની અથવા પાર્શ્વ (lateral) નલિકાઓ કહે છે. દરેક નલિકાનો એક છેડો ઊપસેલો હોય છે અને તેને વિપુટ (ampula) કહે છે. આ નલિકાઓમાં કલામય વલયનલિકાસમૂહની નિવાહિનીઓ આવેલી છે. તેમનો આકાર અપૂર્ણવલયાકાર નલિકાઓ જેવો જ હોય છે અને તે નિવેશમાં આવેલી ગુરુપુટિકા અને લઘુપુટિકા સાથે જોડાયેલી હોય છે.

() શંખિકા : નિવેશની આગળ શંખિકા આવેલી છે. શંખિકા 2.75 વળાંકો લેતી હાડકાની ઊર્ધ્વવલયી (spiral) નલિકાની બનેલી છે. તેના પોલાણને અક્ષીય વિવર (modiolus) કહે છે. તેના પોલાણને Y આકારનો પડદો ત્રણ લઘુનલિકાઓ(channels)માં વિભાજિત કરે છે. Y આકારનો સ્તંભ બનાવતી પડદી હાડકાની અને તેની બંને પાંખડીઓ કલા(membrane)ની બનેલી હોય છે. બંને કલામય પાંખડીઓ કલામય વલયનલિકાસમૂહ બનાવે છે અને તેઓ તેમની વચ્ચે મધ્ય લઘુનલિકા (scala media) અથવા શંખિકાકીય નિવાહિની (cochlear duct) બનાવે છે. હાડકાની પડદીની ઉપર અને નીચે અનુક્રમે નિવેશલક્ષી લઘુનલિકા (scala vestibuli) અને મધ્યકર્ણગુહાલક્ષી લઘુનલિકા (scala tympani)  એમ બે લઘુનલિકાઓ આવેલી છે, જેની એક બાજુ Y આકારના પડદાની હાડકાની પડદી તથા બીજી બાજુ કલામય પાંખડી આવેલી છે. આમ શંખિકાના અક્ષીય વિવર નામના પોલાણમાં Y આકારના પડદાથી ત્રણ લઘુનલિકાઓ બને છે – નિવેશલક્ષી લઘુનલિકા, મધ્યકર્ણગુહાલક્ષી લઘુનલિકા તથા મધ્યલઘુનલિકા (શંખિકાકીય નિવાહિની). નિવેશલક્ષી લઘુનલિકાનું પોલાણ એક છેડે નિવેશ સાથે

આકૃતિ 2 : અંત:કર્ણની રચના (અ) અસ્થીય (ગાઢો રંગ) અને કલામય (સફેદ) વલયનલિકાસમૂહ અથવા labyrinth (આ) શંખિકાની ઊર્ધ્વવલયી નળીનો આડો છેદ, (ઇ) ઊર્ધ્વવલયી અવયવિકા અથવા (ઈ) શંખિકાની અંત:રચનાનું ચિત્રાત્મક નિર્દેશન (તીર ધ્વનિતરંગોની દિશા સૂચવે છે.) (ઉ) કલામય વલયનલિકાસમૂહ તથા સંતુલનચેતા તથા શ્રવણચેતાતંતુનું ઉદગમસ્થાન, (ઊ) સંતુલન માટેના બિન્દુસ્થાનની સૂક્ષ્મરચના, (ઋ) અપૂર્ણવલયકારી નલિકાઓની અંત:રચના (એ) ઉદ્રેખાની સૂક્ષ્મરચના. (1) નિવેશ, (2) શંખિકા, (3) અપૂર્ણવલયાકારી નલિકાઓ, (4) અક્ષીય વિવર, (5) નિવેશીય કલામય પટલ, (6) તલીય કલામય પટલ, (7) નિવેશલક્ષી લઘુનલિકા, (8) મધ્યકર્ણગુહાલક્ષી લઘુનલિકા, (9) શંખિકા નિવાહિની, (10) ઊર્ધ્વવલયી અવયવિકા, (11) શ્રવણચેતા, (12) સંતુલનચેતા, (13) લંબગોળ બારી, (14) લઘુપુટિકા, (15) ગુરુપુટિકા, (16) વિપુટ, (17) અસ્થીય વલયનલિકાસમૂહ, (18) કલામય વલયનલિકાસમૂહ, (19) ગોળ બારી, (20, 21, 22) અપૂર્ણવલયકારી નલિકાઓ, (20) ઊર્ધ્વીય, (21) પશ્ચ, (22) પાર્શ્વ, (23) સહાયક કોષો, (24) કેશકોષો, (25) છત્રસમપટલ, (26) કેશ, (27, 28) શ્રવણચેતા કંદ, (27) ઉપલો, (28) નીચલો, (29) ચહેરાના સ્નાયુઓની ચેતા, (30) ઊર્ધ્વવલયી ચેતાકંદ, (31) વિપુટલક્ષી ચેતા, (32) કર્ણઅશ્મરી પટલ, (33) ઉદ્રેખા, (34) ઘુમ્મટ (35) બાહ્યકર્ણનળી, (36) કર્ણપટલ (ઢોલ), (37) હથોડી-હાડકું, (38) એરણ-હાડકું, (39) પેંગડું-હાડકું, (40) મધ્યકર્ણગુહા. નોંધ : (ઇ)માં તીર દ્વારા ધ્વનિતરંગોની દિશા દર્શાવી છે : (ક) બાહ્ય કર્ણનળીમાં, (ખ) કર્ણપટલની ધ્રુજારી, (ગ) લઘુઅસ્થિઓમાં ધ્રુજારી, (ઘ) લંબગોળ બારી પર ધ્રુજારી, (ઙ) શંખિકાની નિવેશલક્ષી લઘુનલિકાના પરિલસિકાતરલમાં સ્પંદન, (ચ) મધ્યકર્ણગુહાલક્ષી લઘુનલિકાના પરિલસિકાતરલમાં સ્પંદન, (છ) શંખિકા નિવાહિનીના અંત:લસિકાતરલમાં સ્પંદન અને તે દ્વારા ઊર્ધ્વવલયી અવયવિકાનું ઉત્તેજન (જ) અંત:લસિકાતરલમાંથી પાછાં ફરતાં સ્પંદનો, (ટ) મધ્યકર્ણગુહા તરફ જતાં પાછાં ફરતાં સ્પંદનો – જે ગોળ બારી પર શમે છે.

અને શંખિકામાંના બીજા છેડે મધ્યકર્ણગુહાલક્ષી લઘુનલિકા સાથે સીધેસીધું જોડાયેલું હોય છે. તેથી તેમાં એક જ પરિલસિકાતરલ આવેલું છે. મધ્યકર્ણમાંથી આવતા અવાજના તરંગોના વહન માટે તે જરૂરી છે. મધ્યકર્ણના પેંગડું હાડકાની પાદપટ્ટી દ્વારા આવતા તરંગો લંબગોળ બારી દ્વારા અનુક્રમે નિવેશમાં, નિવેશલક્ષી તથા મધ્યકર્ણલક્ષી લઘુનલિકામાં ફેલાય છે. મધ્યકર્ણલક્ષી લઘુનલિકાના બીજા છેડે ગોળ બારી આવેલી છે અને તેથી મધ્યકર્ણલક્ષી લઘુનલિકામાં પ્રવેશેલા તરંગો ફરીથી મધ્યકર્ણગુહામાં પ્રવેશીને શમી જાય છે. મધ્યકર્ણમાંથી આવતા તરંગો લંબગોળ બારી દ્વારા અંત:કર્ણમાં પ્રવેશે છે અને ગોળ બારી દ્વારા પાછા મધ્યકર્ણમાં જાય છે અને ત્યાં શમી જાય છે. શંખિકાકીય નિવાહિની અથવા મધ્યલઘુનલિકામાં અંત:લસિકાતરલ (endolymph) નામનું પ્રવાહી આવેલું છે અને તેના તલ-પટલ (basal membrane) પર કેશકોષો અને સહાયક કોષોવાળો ઊર્ધ્વવલયી (spiral) અવયવ આવેલો છે. કેશકોષોના કેશ જેવા પ્રવર્ધો અંત: લસિકાતરલમાં લંબાય છે. કેશકોષોના નીચલા છેડે શ્રવણચેતા(acoustic nerve)ના તંતુઓ આવેલા છે. કેશકોષોની ઉપર છત્રસમ (tectorial) પટલ નામનો મૃદુપટલ આવેલો છે. અંત:કર્ણમાં શંખિકામાંથી ઉદભવતી સાંભળવા અંગેની સંવેદનાઓ શ્રવણચેતા દ્વારા અને નિવેશ તથા અપૂર્ણવલયાકાર નલિકાઓમાંથી ઉદભવતી સંતુલન અંગેની સંવેદનાઓ સંતુલનચેતા (vestibular nerve) દ્વારા મગજમાં પહોંચે છે.

શ્રવણચેતા અને સંતુલનચેતા જોડાઈને આઠમી કર્પરીચેતા (cranial nerve) અથવા સંતુલન-શ્રવણ (vestibulo-cochlear)-ચેતા બનાવે છે. આઠમી કર્પરીચેતા અંત:કર્ણનળી (internal auditory meatus) દ્વારા અંત:કર્ણમાંથી નીકળીને શંખાકૃતિ હાડકામાં થઈને ખોપરીના પોલાણમાં પ્રવેશે છે.

સાંભળવાની ક્રિયા : અંત:કર્ણમાં આવેલી શંખિકા સાંભળવાની ક્રિયા માટે ઉપયોગી છે. માણસ 20થી 20,000 ચક્રો/સેકન્ડ (Hz)-વાળા અવાજના તરંગો પારખે છે; પરંતુ તેમાં મુખ્યત્વે 1000-4000 Hzવાળો અવાજ હોય છે. 0થી 170 ડેસિબલના ગાળામાં માણસ અવાજની તીવ્રતામાં આવતો 1 ડેસિબલ જેટલો ફેરફાર નોંધી શકે છે. અવાજની તીવ્રતા સામાન્ય વાતચીત દરમિયાન 45 ડેસિબલ, ઘોંઘાટ સમયે 60 ડેસિબલ તથા કેટલીક શારડીઓમાં 90 ડેસિબલ હોય છે. હવામાં અવાજ તરંગો દ્વારા ફેલાય છે. હવાના અણુઓની એકબીજાની પાસે તથા દૂર જવાની ક્રમિક ક્રિયા થવાથી તરંગો ઉદભવે છે. હવા દ્વારા ફેલાતા તરંગો બાહ્યકર્ણ દ્વારા કર્ણપટલ પર આવે છે. તેને વાયવી વહન (air conduction) કહે છે. તરંગોને કારણે કર્ણપટલ ધ્રૂજે છે અને તેને કારણે મધ્યકર્ણનાં નાનાં હાડકાં અથવા લઘુઅસ્થિઓ પણ ધ્રૂજે છે. તેને અસ્થીય વહન (bone conduction) કહે છે. કર્ણમૂળ અથવા ખોપરીના હાડકા પર ધ્રૂજતો ધ્વનિચીપિયો (tuning fork) મૂકવામાં આવે ત્યારે હાડકા દ્વારા ધ્રુજારી કાનમાં પ્રવેશે છે અને આ પ્રકારે થતા અવાજના વહનને પણ અસ્થીય વહન કહે છે. સામાન્ય રીતે અસ્થીય વહન કરતાં વાયવી વહન વધુ કાર્યક્ષમ હોય છે. મધ્યકર્ણનું છેલ્લું લઘુઅસ્થિ-પેંગડું તેની ધ્રૂજતી પાદપટ્ટી દ્વારા અંત:કર્ણમાંના પરિલસિકાતરલમાં સ્પંદનો સર્જાવે છે. કર્ણપટલ પર આવતા અવાજના તરંગો કરતાં લંબગોળ બારીમાંથી અંત:કર્ણમાં પ્રવેશતાં સ્પંદનો બાવીસગણાં વધુ થયેલાં હોય છે. પરિલસિકાતરલનાં સ્પંદનો શંખિકામાં આવેલી મધ્ય લઘુનલિકા અથવા શંખિકાકીય નિવાહિનીમાંના અંત:લસિકાતરલમાં સ્પંદનો સર્જે છે અને તેને કારણે કેશકોષો ઉત્તેજિત થાય છે. કેશકોષોની નીચે આવેલી આઠમી કર્પરીચેતાના એક ભાગ જેવી શ્રવણચેતાના તંતુઓ ઉત્તેજિત થાય છે અને તે આ સંવેદના મગજના સંબંધિત વિસ્તારમાં પહોંચાડે છે. ત્યાં તેનું અર્થઘટન થાય છે અને કાન પર પડતો અવાજ સંભળાય છે.

સંતુલન જાળવવાની ક્રિયા : અંત:કર્ણનું બીજું અગત્યનું કાર્ય સંતુલન જાળવવાનું છે અને તે માટે નિવેશ, અપૂર્ણવલયાકાર નલિકાઓ અને તેમના વિપુટ ઉપયોગી છે. સંતુલન બે પ્રકારનું છે : સ્થિર સંતુલન તથા ગતિશીલ સંતુલન. ગુરુત્વાકર્ષણના સંદર્ભમાં સ્થિર શરીરની સ્થિતિ જાળવવા સ્થિર સંતુલન અને ગતિમાં કે ગતિમાં આવતા ફેરફાર સમયે શરીરની સ્થિતિ જાળવવા માટે ગતિશીલ સંતુલન ઉપયોગી છે. નિવેશમાંની ગુરુપુટિકા અને લઘુપુટિકાનાં બિન્દુસ્થાનો (maculae) તથા અપૂર્ણવલયાકાર નલિકાઓની ઉદ્રેખા(crista)માં સંતુલન માટેનાં સંવેદના-અંગો આવેલાં છે. ગુરુપુટિકા અને લઘુપુટિકામાં આવેલાં બિન્દુસ્થાનો એકબીજાંને કાટખૂણે હોય છે અને તેમાં કેશકોષો અને સહાયક કોષો આવેલા છે. કેશકોષો સંવેદના-કોષો છે અને તે આઠમી કર્પરીચેતાના એક ભાગ જેવી સંતુલનચેતાના તંતુઓના સંસર્ગમાં હોય છે. તેના દ્વારા સંવેદના-આવેગો મગજમાં અર્થઘટન માટે જાય છે. કેશકોષો નળાકાર અને લોટા જેવા આકારના (flask-like) – એમ બે પ્રકારના હોય છે અને તેમના કેશ પણ બે પ્રકારના હોય છે. તેમને સૂક્ષ્મઅંકુર (microvilli) અને કશા (cilium) કહે છે. સહાયક કોષોમાંથી પ્રવાહી ઝરે છે. તેના દ્વારા કૅલ્શિયમ કાર્બોનેટવાળું કર્ણ-અશ્મરીપટલ (otolithic membrane) બને છે. તે અંત:લસિકાતરલમાં બિન્દુસ્થાન ઉપર એક ચકતીની માફક તરતું રહે છે. માથાની સ્થિતિમાં ફેરફાર થાય ત્યારે કર્ણ-અશ્મરીપટલની ચકતી કેશકોષો પર ખસે છે. આ ચકતીના ખસવાનો વેગ અને તેની દિશા કેશકોષોને વિશિષ્ટ રીતે ઉત્તેજે છે. કેન્દ્રીય ચેતાતંત્રમાં સંતુલનની સંવેદનાઓ સંતુલનકેન્દ્ર, નાના મગજ તથા મોટા મગજમાં જાય છે.

અપૂર્ણવલયાકાર નલિકાઓ પણ એકબીજીને કાટખૂણે હોય છે. તેથી માથાની ત્રણે સમતલોમાંની સ્થિતિની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. અપૂર્ણવલયાકાર નલિકાના એક છેડે આવેલા વિપુટમાં ઊપસેલી લીટી જેવી ઉદ્રેખા હોય છે. તેમાં કેશકોષો, સહાયક કોષો તથા ઘુમ્મટ (cupula) આવેલાં છે. ઘુમ્મટ જિલેટીન જેવા પદાર્થનો બનેલો હોય છે. માથાના હલનચલન વખતે ત્રણે અપૂર્ણવલયાકાર નલિકાઓમાંનું અંત:લસિકાતરલ પણ હાલે છે અને કેશકોષોને ઉત્તેજિત કરે છે. તેમની સંવેદનાઓને સંતુલનચેતાના તંતુઓ કેન્દ્રીય ચેતાતંત્રમાં પહોંચાડે છે.

કાનના રોગો : કાનમાં થતી મુખ્ય તકલીફો દુખાવો, પરુ પડવું, તમરાં બોલવાં, ચક્કર તથા ઊલટી-ઊબકા આવવાં, કાનમાં મેલ જામવો, બહેરાશ આવવી વગેરે હોય છે. કાનના કેટલાક મુખ્ય રોગો સારણીમાં દર્શાવ્યા છે. કાનમાં દુખાવાનું મુખ્ય કારણ કાનમાં ચેપ કે મેલ હોય તે છે. ક્યારેક દાંત કે નીચલું જડબું અને ખોપરી વચ્ચેના સાંધાના રોગો કે ગળામાં લાગેલો ચેપ અથવા કૅન્સર પણ કાનમાં દુખાવો કરે છે.

 

સારણી : કાનના કેટલાક રોગો

1. બાહ્યકર્ણ
(ક) કર્ણપર્ણ : જન્મજાત કુરચના, ઈજા, જીવાણુજન્ય ચેપ.
(ખ) બાહ્યકર્ણનળી : જન્મજાત કુરચના, ઈજા, બાહ્યપદાર્થનો પ્રવેશ, કર્ણમેલ, ચેપ, કેશમૂળશોથ.
(ગ) કર્ણપટલ : ઈજા કે મધ્યકર્ણમાં ચેપને કારણે કાણું પડવું.
2. મધ્યકર્ણ : મધ્યકર્ણશોથ, કર્ણાસ્થિકાઠિન્ય
3. અંત:કર્ણ : (જુઓ : કર્ણઘંટડીનાદ) વલયનલિકાસમૂહમાં ચેપ, મેનિયેરનું સંલક્ષણ

બાહ્યકર્ણની તપાસ માટે માથા પર દર્પણ પહેરીને પ્રકાશના બિંબને કાનની અંદર ફેંકવામાં આવે છે. જરૂર પડ્યે કર્ણદર્શક(otoscope)નો ઉપયોગ કરાય છે. દર્દી સાથે વાતચીત કરીને, ધ્વનિચીપિયાની મદદથી રીની (Rinne) અને વેબર(Weber)ની કસોટીઓ કરીને તથા શ્રવણક્ષમતામાપન (audiometry) કરીને સાંભળી શકવાની ક્ષમતા માપી શકાય છે. 150 સેમી. દૂર બેસીને ધીમેથી બોલેલું કે ગણગણેલું સાંભળી શકાય તો તે સામાન્ય શ્રવણક્ષમતા સૂચવે છે. રીનીની કસોટી માટે 512 Hzના દરે ધ્રૂજતા ધ્વનિચીપિયાને પ્રથમ કાનના છિદ્ર આગળ રખાય છે. દર્દી જ્યારે તેનો અવાજ સાંભળતો બંધ થાય ત્યારે ધ્વનીચીપિયાના સ્તંભને કર્ણમૂલના હાડકા પર મૂકવામાં આવે છે.

જેથી હજુ પણ ધીમા જોરથી ધ્રૂજતા ચીપિયાનાં સ્પંદનો અસ્થીય વહન દ્વારા કાનની અંદર પ્રવેશી શકે. જો દર્દી આવા સમયે અવાજ સાંભળી શકે તો તેને રીનીની કસોટીનું નકારાત્મક પરિણામ કહે છે અને તે દર્દીના તે તરફના કાનમાં વહનક્ષતિ(conduction defect)જન્ય બહેરાશ છે એવું સૂચવે છે. વહનક્ષતિજન્ય બહેરાશવાળા દર્દીમાં અવાજનું હવા કરતાં હાડકા દ્વારા વધુ સારું વહન થાય છે. આ કસોટી બંને કાન માટે વારાફરતી કરાય છે. ત્યારબાદ વેબરની કસોટી કરવા માટે ધ્રૂજતા ધ્વનિચીપિયાના સ્તંભને કપાળ કે ખોપરીની ટોચ પર અડકાડવામાં આવે છે. જે કાનમાં વહનક્ષતિજન્ય બહેરાશ હોય તે કાનમાં અસ્થીય વહનને કારણે અવાજ વધુ સારો સંભળાય છે. સામાન્ય વ્યક્તિમાં બંને કાનમાં એકસરખો અવાજ સંભળાય છે, જ્યારે ચેતાક્ષતિ(nerve defect)જન્ય બહેરાશવાળા દર્દીમાં અસરગ્રસ્ત કાનમાં અવાજ સંભળાતો નથી. આમ આ કસોટીઓ દ્વારા બહેરાશનો પ્રકાર જાણી શકાય છે. બાહ્ય કે મધ્યકર્ણના રોગમાં અવાજના તરંગનું વહન બરાબર થતું હોતું નથી, તેથી તેને વહનક્ષતિજન્ય બહેરાશ કહે છે. અંત:કર્ણ અને શ્રવણચેતાના રોગોમાં ચેતાક્ષતિજન્ય બહેરાશ આવે છે.

આકૃતિ 3 : (અ) આડી લીટીઓ દ્વારા દર્શાવેલો વહનક્ષતિજન્ય બહેરાશ કરતા કાનના રોગોનો વિસ્તાર, બાહ્ય કર્ણ તથા અંત:કર્ણ, (આ) આડી લીટી દ્વારા દર્શાવેલો ચેતાક્ષતિજન્ય બહેરાશ કરતા કાનનો ભાગ, અંત:કર્ણ અને શ્રવણચેતા, (ઇ) રીની અને વેબરની કસોટીઓ, (ઈ) સામાન્ય વ્યક્તિનો શ્રવણક્ષમતા માપન-આલેખ.
(1) બાહ્યકર્ણનો કર્ણપર્ણ, (2) બાહ્યકર્ણનળી, (3) કર્ણપટલ, (4) મધ્યકર્ણગુહા (5) મધ્યકર્ણનાં લઘુઅસ્થિઓ, (6) મધ્યકર્ણનળી, (1-6) આ સંરચનાના વિકારો વહનક્ષતિજન્ય બહેરાશ કરે છે, (7) નિવેશ, (8) અપૂર્ણવલયાકાર નલિકાઓ, (9) શંખિકા, (10) શ્રવણચેતા, (910) આ સંરચનાઓના વિકારો ચેતાક્ષતિજન્ય બહેરાશ કરે છે, (11) કાનની પાસે ધ્રૂજતો ધ્વનિચીપિયો, (12) જમણા કર્ણમૂળ પર ધ્રૂજતો ધ્વનિચીપિયો, (11-12) રીનીની કસોટી, (13) વેબરની કસોટી માટે ખોપરીની મધ્યમાં ધ્રૂજતો ધ્વનિચીપિયો.

શ્રવણક્ષમતામાપન (audtiometry) : શ્રવણક્ષમતામાપક યંત્ર 125થી 12,000 Hz (12 kHz)ના ગાળામાં વિવિધ તીવ્રતાવાળા અવાજના તરંગો ઉત્પન્ન કરે છે. કાનના છિદ્ર આગળ તથા કર્ણમૂળના હાડકા પર સાધન મૂકીને દર્દી કઈ રીતે કેટલો અવાજ પારખી શકે છે તેનો આલેખ બનાવાય છે અને તેને આધારે દર્દીની બહેરાશની તીવ્રતા તથા તેના પ્રકારનું નિદાન કરી શકાય છે. શ્રવણક્ષમતા-માપનમાં ચાર પરિમાણો વપરાય છે – શુદ્ધ નાદ (pure tone), અવરોધી નાદ (impedence), વાણીલક્ષી (speech) અને વીજપ્રતિભાવલક્ષી (electric response) પરિમાણ.

મેનિયેર(Meniere)નો રોગ : અંત:કર્ણમાં આવેલા કલામય વલયનલિકાસમૂહ(membranons labyrinth)માં વધારે પ્રમાણમાં પ્રવાહી એકઠું થાય ત્યારે મેનિયેરનો રોગ થાય છે. તે સમયે અંત:કર્ણના અન્ય રોગો તથા આઠમી કર્પરીચેતાના વિકારોની માફક ચક્કર આવે, ઊલટી થાય, કાનમાં તમરાં બોલે અને બહેરાશ આવે. તે મોટેભાગે 40થી 60 વર્ષની વયની વ્યક્તિમાં કોઈ એક કાનને અસરગ્રસ્ત કરે છે. ક્યારેક બંને કાનને પણ અસરગ્રસ્ત કરે છે. સમય જતાં બહેરાશ વધે છે. હિસ્ટામિનરોધક ઔષધો, પાણી અને મીઠાના ઉપયોગમાં ઘટાડો, ધૂમ્રપાન કે મદ્યપાન તથા કૉફી લેવાનું બંધ કરવું વગેરે જેવા ઉપચાર ઉપયોગી છે. જરૂર પડ્યે શસ્ત્રક્રિયા કરાય છે.

બહેરાશ : બહેરાશ બે પ્રકારની છે. કર્ણમેલ, કાનમાં પરુ થવું, પેંગડું-હાડકાનું લંબગોળ છિદ્ર સાથે ચોંટી જવું, કાનના પડદાને ઈજા થવી વગેરે બાહ્ય અને મધ્યકર્ણના રોગો વહનક્ષતિજન્ય બહેરાશ લાવે છે. વૃદ્ધાવસ્થા, ઘોંઘાટ, જન્મજાત રોગો, મેનિયેરનો રોગ, સ્ટૅ્રપ્ટોમાઇસિન અને જેન્ટામાઇસિન જેવી ઍમાઇનો ગ્લાઇકોસાઇડ જૂથની ઍન્ટિબાયૉટિક દવાઓ, ક્વિનાઇન, ફ્રુસેમાઇડ વગેરે ઔષધો તથા ચેતાતંત્રીય ચેપ જેવા કે લાપોટિયું, હર્પિસ, ઝોસ્ટર, મેનિન્જાઇટિસ, ઉપદંશ (syphilis) અંત:કર્ણ કે શ્રવણચેતાને અસર કરીને ચેતાક્ષતિજન્ય બહેરાશ લાવે છે. બહેરા બાળકની વાણી અપૂરતી વિકસે છે. તેની સારવારમાં બહેરાશ કરતા રોગની સારવાર, શ્રવણ-સહાયક સાધનો, હોઠના હલનચલનને ‘વાંચવા’ની આવડત તથા શંખિકાનો નિરોપ (cochlear graft) વગેરે ગણવામાં આવે છે.

શિલીન નં. શુક્લ