કાંગારુ ટાપુ : ઑસ્ટ્રેલિયાના દક્ષિણ કિનારે સેન્ટ વિન્સેન્ટ અખાતના મુખ નજીક ઍડીલેડથી નૈર્ઋત્યે 130 કિમી. દૂર આવેલો મોટો ટાપુ. ભૌગોલિક સ્થાન : 33o 50′ દ. અ. અને 137o 05′ પૂ. રે.. ન્યૂગિની અને ટાસ્માનિયા પછી તેનો ત્રીજો ક્રમ છે. આ ટાપુ ઉપર કાંગારુની વસ્તી ઘણી હોવાથી તેને આ નામ મળ્યું છે. 4351 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો, 90 મી. લાંબો, 34 મી. પહોળો અને 300 મી. ઊંચો આ ડુંગરાળ પ્રદેશ મૂળ ખંડભૂમિના લૉફ્ટી ફ્લિન્ડર્સ ગિરિમાળાનો ભાગ છે. 1802માં અંગ્રેજ સંશોધક મૅથ્યુ ફ્લિન્ડર્સે તેની મુલાકાત લીધી તે પછી વહેલ અને સીલના શિકારીઓ આ ટાપુ ઉપર અવારનવાર આવતા હતા. 1836માં નેપિયન ઉપસાગર ઉપરના સુંદર બંદર પાસે કામચલાઉ વસવાટ થયો હતો. અહીંની બિનઉપજાઉ જમીન ચરાણ તરીકે તથા જવના વાવેતર માટે ઉપયોગી છે. મહાસાગરની મચ્છીમારી તથા ફ્લિન્ડર્સ ચેઇઝ નૅશનલ પાર્ક પ્રવાસીઓને આકર્ષે છે. ‘સીલ બે’ના દક્ષિણ કાંઠે રુવાંટીવાળું મુલાયમ ચામડું મેળવવા સીલનું ઉછેરકેન્દ્ર વિકસાવાયું છે. ચિરોડી તથા ફેલ્સપારના ખનિજો અહીં થોડા પ્રમાણમાં મળે છે.

શિવપ્રસાદ રાજગોર