કાંગડી ગુરુકુળ : ગુરુને ત્યાં કુટુંબી તરીકે રહીને વિદ્યાભ્યાસ કરવાની પ્રાચીન પદ્ધતિ પ્રમાણે શિક્ષણ આપતી આર્યસમાજીઓની એક પ્રસિદ્ધ સંસ્થા. 2 માર્ચ 1902ના રોજ મહાત્મા મુન્શીરામે (સંન્યાસી થયા પછી જેઓ સ્વામી શ્રદ્ધાનંદના નામે પ્રસિદ્ધ થયા) તેની સ્થાપના કરી. હરિદ્વારની સામે ગંગા નદીના પૂર્વીય તટ ઉપર કાંગડી નામના ગામમાં સ્થાપના થવાથી તે કાંગડી ગુરુકુળ તરીકે પ્રસિદ્ધ થયું. 1924માં ગંગામાં પૂર આવતાં ગુરુકુળને મૂળ સ્થળેથી હવે કનખલ-જ્વાલાપુર માર્ગના દક્ષિણમાં ગંગા નહેરની પાસે ખસેડી લેવામાં આવ્યું છે.

લૌકિક સંસ્કૃત સાથે વેદાદિ સત્યશાસ્ત્રોનાં અધ્યયન-અધ્યાપન, દેશભક્તિ અને રાષ્ટ્રીયતાની રક્ષા, બ્રહ્મચર્યવ્રતનું પાલન, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે પિતા-પુત્ર જેવો સંબંધ, ધનિક અને નિર્ધન સૌને માટે એકસરખું શિક્ષણ અને ભારતીય પ્રાચીન ઇતિહાસનું સાચા રૂપમાં પ્રસારણ કરવા માટે આ સંસ્થા સ્થપાઈ. એ જમાનામાં હિન્દી માધ્યમથી સરકારની સહાય મેળવ્યા વિના ઉચ્ચ શિક્ષણ આપનારી પોતાની રીતની આ સૌપ્રથમ સંસ્થા હતી. અહીં શિક્ષણનો સમય 18 વર્ષનો છે – 12 વર્ષ વિદ્યાલય વિભાગમાં અને 6 વર્ષ મહાવિદ્યાલય વિભાગમાં. વિદ્યાભ્યાસને અંતે વિદ્યાલંકાર, વેદાલંકાર, સિદ્ધાન્તાલંકાર, આયુર્વેદાલંકાર વગેરે ઉપાધિઓ આપવામાં આવે છે.

લગભગ સાઠ વર્ષ સુધી શિક્ષણ અને પ્રશાસનમાં સ્વાયત્ત રહ્યા પછી તેનો ઉચ્ચતમ શિક્ષણ વિભાગ 1962થી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(U.G.C.)ના અનુદાનથી તેના અધિકાર હેઠળ ચાલે છે.

ગુરુકુળે અનેક સાહિત્યકાર, કવિ અને ઉપન્યાસ-લેખક ઉત્પન્ન કર્યા છે. હિન્દીના પત્રકારત્વ-ક્ષેત્રમાં ગુરુકુળના સ્નાતકોનું સ્થાન પ્રતિષ્ઠિત છે. વીસમી સદીના મધ્યભાગ સુધી હિન્દીના સર્વશ્રેષ્ઠ પત્રકારોમાં ગુરુકુળના સ્નાતક સૌથી વધારે સંખ્યામાં હતા. વ્યાપાર, વ્યવસાય અને ઉદ્યોગના ક્ષેત્રમાં પણ ગુરુકુળે અનેક સ્નાતકો આપ્યા છે. આ રીતનાં વિવિધ ક્ષેત્રો ઉપરાંત એના મૂળ ઉદ્દેશ પ્રમાણે વેદ-વેદાંગના પ્રકાંડ પંડિતો તથા દર્શનશાસ્ત્ર અને સંસ્કૃત સાહિત્યના પણ અનેક વિદ્વાનો તૈયાર કર્યા છે.

કમલેશ ચોકસી