કાંગા, જમશેદજી બહેરામજી

January, 2006

કાંગા, જમશેદજી બહેરામજી (જ. 29 ફેબ્રુઆરી 1875; અ. 23 માર્ચ 1969) : ભારતના પ્રથમ ઍડવોકેટ મુંબઈના ખ્યાતનામ વકીલ તથા મુંબઈ ઇલાકાના પ્રથમ ભારતીય ઍડવોકેટ-જનરલ. પારસી ધર્મગુરુ બહેરામજીનું તે ચૌદમું અને છેલ્લું સંતાન હતા. મુંબઈ યુનિવર્સિટીની એમ.એ. અને એલએલ.બી. ડિગ્રીઓ લઈને સને 1903માં તેઓ ભારતના પ્રથમ ઍડવોકેટ (ઓ.એસ.) બન્યા. વકીલાતના વ્યવસાયમાં આવકવેરા કાયદાના તેઓ નિષ્ણાત હતા. તેમનું લખેલું આવકવેરાના કાયદાનું પુસ્તક પ્રમાણભૂત ગણાય છે. આવકવેરા કાયદાના ઘડતર અને વિકાસમાં તેમનો ફાળો અનન્ય છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ, છ ફૂટની ઊંચાઈ અને માથે ધર્મગુરુની પાઘડીવાળા જમશેદજી ન્યાયાલયોમાં પોતાની દલીલોના સમર્થનમાં પોતાની અદભુત યાદશક્તિથી ચુકાદાઓનાં પુસ્તક, પાનાં અને ફકરા સુધ્ધાં ટાંકતા જેને કારણે તેઓ કાયદાના પ્રખર વિદ્વાન ગણાતા.

1921માં તેઓ મુંબઈ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ તરીકે નિમાયા. ત્યારબાદ 1923માં તેઓ મુંબઈ પ્રાંતના પ્રથમ હિંદુસ્તાની ઍડવોકેટ-જનરલ તરીકે નિમાયા. સને 1929માં અંગ્રેજ સરકારે તેમને ‘સર’નો ખિતાબ આપ્યો. 1935માં તેમણે ઍડવોકેટ-જનરલનો હોદ્દો છોડ્યો.

તેઓ યુવાન વકીલો માટે માર્ગદર્શક હતા. ન્યાયાલયની પ્રક્રિયા તથા વ્યાવસાયિક નીતિ-નિયમોમાં વકીલો તેમજ ન્યાયાધીશો તેમની પાસેથી માર્ગદર્શન મેળવતા. તેમની સાદાઈ અને ઋજુતા અનુકરણીય હતાં. તેઓ કોઈ પણ જાતના ડોળ કે ભપકાના વિરોધી હતા. અંગ્રેજી અને ફારસી સાહિત્યના અભ્યાસી હોવાની સાથે તેઓ એ બંને ભાષાઓમાં અસ્ખલિત બોલી શકતા.

તેમની ચેમ્બરમાં તેમની નિગેહબાની નીચે તૈયાર થયેલા વકીલોમાં ભારતની સર્વોચ્ચ અદાલતના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ શ્રી હરિલાલ કણિયા, ન્યાયાધીશો શ્રી તેંડુલકર, શ્રી કોયાજી વગેરે, ઍટર્ની-જનરલ એચ. એમ. સિરવાઈ, ઍડવોકેટો નાની પાલખીવાલા, સોલી સોરાબજી, રુસ્તમ કોલાહ વગેરેનો સમાવેશ થાય છે.

વકીલાતના ક્ષેત્રમાં તેમની કારકિર્દી કદાચ સૌથી દીર્ઘ 65 વર્ષની હતી.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી