કવિતા (3) : ગુજરાતી કવિતાનું દ્વિમાસિક. 1967ના ઑક્ટોબરમાં જન્મભૂમિ ગ્રૂપ, મુંબઈ તરફથી સુરેશ દલાલના તંત્રીપદે શરૂ થયેલા ડિમાઈ કદના આ સામયિકમાં જૂની-નવી પેઢીના કવિઓની કાવ્યકૃતિઓ અને ક્યારેક ક્યારેક કાવ્યસંગ્રહનાં અવલોકનો પ્રકટ થતાં રહે છે. સચિત્ર સામગ્રી અને આકર્ષક સજાવટ એની વિશેષતા છે. પોતાની કારકિર્દીના આ ગાળામાં ‘કવિતા’ના કવિઓના હસ્તાક્ષરમાં કાવ્યકૃતિ, પુષ્પવિષયક કૃતિઓ, પ્રણયકાવ્યો, સૉનેટ આદિના નોંધપાત્ર વિશેષાંકો પ્રગટ થયા છે.

ધીરુ પરીખ