કલા (ભારતીય વિભાવના) : ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન સંસ્કૃતિ છે. એમાં પ્રાચીન અને મધ્યકાલમાં કલાને ધર્મસાધનાના મહત્વના અંગ તરીકે સ્વીકારવામાં આવી હતી. આને લઈને ભારતીય કલામાં સૌંદર્યભાવનાની સાથોસાથ એક પ્રકારનું આધ્યાત્મિક બળ પણ વરતાય છે. ભારતીય કલા ધર્મપરાયણ હોવાથી ધર્માલયોમાં એ સોળે કળાએ ખીલેલી દૃષ્ટિગોચર થાય છે. કલાનું સર્જન બહુજન સમાજ માટે થયેલું હોવા છતાં, કાકાસાહેબ કાલેલકર કહે છે તેમ, એ જન-સમાજ અને કલાકાર બંનેને આનંદ આપનારી હોવાથી ‘આત્મનેપદી’ ઉપરાંત ‘પરસ્મૈપદી’ એટલે કે ‘ઉભયપદી’ હતી. એ જમાનાના કલાકારો કલા ખાતર કલાના વિતંડમાં પડ્યા વગર તેની પર જઈને આત્માને ઓળખવા, બ્રહ્મમાં તદ્રૂપ થવા ને બ્રહ્મજ્ઞાનનો પ્રસાર કરવા અર્થાત્ આધ્યાત્મિક અનુભવોનો સર્વલાભ કરાવવા પ્રવૃત્ત હતા. પોતાના ચારિત્ર્યનું પ્રતિબિંબ પોતાની કૃતિમાં પડવાનું જ એમ ધારીને તેઓ સત્વશીલ સદાચારી જીવન ગાળતા. પરિણામે એમની કૃતિઓ યુગોથી ભદ્રદર્શનના પડઘા પાડી રહી છે. ભારતીય પ્રજાની સંસ્કારિતાના ઘડતરમાં આનો ઘણો મોટો પ્રભાવ પડ્યો છે. પ્રાચીન કાળમાં કલાને દેવી અને કલાસિદ્ધોને ઋષિ ગણવાની બાબતનું રહસ્ય પણ આમાં સમાયેલું છે.

ગગનચુંબી મંદિરો, વિશાળ ભવ્ય મૂર્તિઓ અને મસ્જિદો તેમની ભવ્યતાને લઈને કલાકૃતિ તો જરૂર ગણાય, તેમ છતાં કલાકારોએ એમાં સુરુચિપૂર્ણ લાલિત્ય અને લાવણ્યપૂર્ણ રૂપાંકનોની સજાવટ કરીને તેમને શણગાર્યાં. હકીકતે આ બધી કલાકૃતિઓ ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ પ્રતીક છે. એમાં પિંડ બ્રહ્માંડ ન્યાય સચવાયો છે. ભારતીય કલાકારનું પ્રયોજન નિરાકારની સાધના સાકાર કરવામાં રહેલું છે. ભારતીય કલાનું આ લક્ષણ અદ્વિતીય છે. પશ્ચિમના શિલ્પી માટે ઘન પથ્થર કે લાકડામાંથી આકાર કંડારવાનો ઉદ્દેશ રહ્યો છે, જ્યારે ભારતીય શિલ્પી માટે તો ઘન પદાર્થમાં રહેલા આકારને શોધવામાં રહેલો છે. તેઓએ પથ્થરમાંથી ઉપસાવેલાં અર્ધ અને ઉચ્ચમૂર્ત શિલ્પો આનાં સરસ દૃષ્ટાંત છે. ભારતીય શિલ્પીને માટે શિલ્પ અને તેની પશ્ચાદભૂમિકા જુદાં નથી. તેથી જ અહીંના શિલ્પીએ દેવતાઓના આલેખનમાં ઝીણી ઝીણી વિગતો વ્યક્ત કરવામાં કોઈ કચાસ રાખી નથી. અમૂર્તમાંથી મૂર્તને વ્યક્ત કરવા ભારતીય કલાકારો ઉદ્યોગ કરતા. એમાં ધર્મ અને તત્વ ઉતારતા અને એ માટે ધર્મ, દર્શન અને કલાશાસ્ત્રનો તલસ્પર્શી અભ્યાસ કરતા. ધર્માલયો – ખાસ કરીને દેવાલયોમાં આ તત્વ પ્રસ્ફુટ થતું વિશેષ દૃષ્ટિગોચર થાય છે. દેવતાઓ મનુષ્ય કરતાં વિશિષ્ટ શક્તિસંપન્ન અને ખાસ પ્રયોજન પાર પાડનારા દેવોને વિશિષ્ટ દેહમાન(તાલમાન) અન દેહભૂષા ધરાવનારા દર્શાવાયા છે. તેમ તેમનાં મુખ અને હાથની સંખ્યા વધારવી, વિશિષ્ટ પ્રકારનાં આયુધો અને ઉપકરણો ધરાવવાં, ખાસ વાહનોનો ઉપયોગ કરાવવો વગેરે બાબતોમાં ધર્મ-સમ્મત છૂટછાટ લેવાઈ છે. તેઓએ ભોગવિલાસ પણ દેવતાઓની સ્વર્ગસૃષ્ટિને અનુલક્ષીને પ્રયોજ્યા છે. દેવાલયના ઊર્ધ્વમાનમાં ત્રિલોકનું દર્શન થતું દર્શાવાયું છે. એમાં નીચેના ભાગ જગતી(=જગત–મૃત્યુલોક)માં નીચેથી ઉપર જતાં જાણે ઉત્ક્રાંતિનો ક્રમ દર્શાવાતો હોય તેમ પદ્મપત્ર, ગ્રાસ(મકર)પટ્ટી, હંસથર, ગજથર, અશ્વથર અને નરથરનું આલેખન થતું. નરથરમાં માનવસમાજ દર્શાવાતો. તેની ઉપર મંડોવર (મંડરવર = મંડપશ્રેષ્ઠ) એ સ્વર્ગના દેવતાઓનાં તેમના પરિવાર અને પ્રાણીઓ સહિત આલેખન થતાં. આમાં દેવદેવાંગનાઓ અને અપ્સરાઓ જાણે પોતાના ઘરના બારણામાં ઊભાં હોય તેવાં સહજ મનોહર રીતે રજૂ થયાં છે. વસ્તુતઃ પ્રાચીન મંદિરોના ગવાક્ષોમાં થતી વિવિધ અંગભંગયુક્ત દેવાંગનાઓના અનુકરણમાં એવા જ મનોહર અંગભંગવાળી પુષ્પલતાઓ મધ્યકાલીન મંદિરો અને મસ્જિદોની જાળીઓમાં છૂટથી આલેખાઈ છે.

ભારતમાં કલાના વાસવાળું ઘર માંગલિક ગણાતું ને એ વગરનું ઘર સ્મશાનવત્ ગણાતું. તેથી શિલ્પની જેમ ચિત્ર પણ અનિવાર્ય કલા હતી. આજે પણ ગામોમાં મકાનોની ભીંતો, વાસણો, પશુઓ વગેરેને ચિત્રથી શણગારાતાં જોવા મળે છે. ઘરમાં શૃંગારનાં ચિત્રો મેડીની દીવાલો પર થતાં, જ્યારે ધાર્મિક-પૌરાણિક અને હાસ્ય તેમ જ ઉલ્લાસ-ઉમંગપ્રેરક દૃશ્યો અન્ય દીવાલો પર થતાં. મંદિરો જેવાં સાર્વજનિક સ્થાનોમાં મુખ્યત્વે રામાયણ, મહાભારત, પુરાણો, જાતકો વગેરેને લગતા પ્રસંગો, લોકવાર્તાઓ, પર્વો, મેળા વગેરેનાં દૃશ્યો આલેખાતાં. અભણ પ્રજામાં કેળવણીનું આ જ અગત્યનું સાધન હતું. એના દ્વારા લોકોની જીવનભાવનાના આદર્શોને દૃઢ કરીને જીવનને જીવંત બનાવાતું. ભીંતના ભૂષણરૂપ ચિત્રકલાના પ્રાચીન નમૂનાઓ દેશના ઘણા ભાગોમાંથી પ્રાપ્ત થયા છે. તેવી રીતે ગ્રંથસ્થ ચિત્રકલામાં લઘુચિત્રોની તળપદી લોકભોગ્ય શૈલી ઉત્તમ રીતે પ્રગટેલી જોવામાં આવે છે. એમાં ધાર્મિક અને લૌકિક કથાપ્રસંગો, જીવનરીતિઓ, નૃત્યો, સંગીત, રાગમાલાઓ, રાજાઓ, શેઠ-શાહુકારો અને જનસમાજનું વૈવિધ્યપૂર્ણ મનભર આલેખન થયું છે. શ્રી બચુભાઈ રાવત અને સંસ્કારક બળ તરીકે મૂલવતાં યથાર્થ કહે છે કે અબુધ નિરક્ષર ગ્રામજનોને પ્રસન્ન કરનારી, ધર્મ અને જીવનને સતેજ રાખનારી, સંસ્કૃતિનું સ્મરણ આપનારી આ લોકકળા કેવળ પુરાણકાળની સંસ્કૃતિની પ્રશસ્તિ જ નહિ, તત્કાલીન પ્રસંગો, પાત્રો અને પરિધાનોનું પણ એ સ્મારક છે.

વસ્તુતઃ ત્યારે સાહિત્યશ્રવણ અને સંગીતના જલસા મંદિરોમાં થતાં, મૂર્તિવિધાન અને ચિત્રકલા મંદિરો અને વિહારોમાં ઠલવાતાં, ગાયનાચાર્યો ગંગા જેવી નદીને પોતાનું સંગીત સંભળાવતા, ત્યાં સુધી કલા રાય-રંક સર્વને માટે સમાનપણે સુલભ હતી. એ કાળે કલાના પુરુષાર્થ અને સંસ્કારિતાનો લાભ સહુને સરખો મળેલો. હકીકતે એ જમાનામાં લોકોને એની સમજણ પણ અપાતી.

વ્યક્તિઓ નાશવંત છે પણ તેઓની ઉપલબ્ધિઓ પેઢ દર પેઢી વારસાદાન પામીને નિરંતર સુધારા-વધારા-ઘટાડા સાથે સમાજમાં ટકી રહેતી હોય છે. મનુષ્યની કલાત્મક ઉપલબ્ધિઓ પણ આ જ રીતે વારસાદાન પામતી હોય છે. ભારતીય કલા જનજીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલી હોવાથી અને મોટા ભાગનો જનસમાજ ગામડાંઓમાં લગભગ પૂર્વવર્તી પરંપરાઓને આધારે જીવતો હોવાથી ત્યાં કલાનું પરંપરાગત મનોરમ સ્વરૂપ લગભગ અકબંધ જળવાયેલું જોવામાં આવે છે. ત્યાંનાં મકાનો, બારણાં, થાંભલા, ટેકા, તેમના પરની કોતરણી, ભીંતો પરનાં ચિત્રો – બધું શાસ્ત્રસમ્મત સ્વરૂપ ધરાવે છે. આજના પૅનલ ડૉર, તિજોરી, પાકીટ, ટંબલર, બુકસ્ટૅન્ડ વગેરેને ગામઠી પરંપરાગત સુશોભિત મજબૂત દ્વાર, પટારા, બટવા, ગંગા-જમના લોટા-પ્યાલા, ગ્રંથઘોડી સાથે સરખાવતાં બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટ વરતાઈ આવે છે. તેઓનાં દીવી, ધૂપિયાં, આરતી, હિંડોળાની સાંકળો વગેરે બધાં કલાપૂર્ણ છે. ત્યાં બાળકને જન્મતાં જ કલા વચ્ચે લવાતું. તેનું પારણું કે ઘોડિયું કલાત્મક બનતું. તેનાં હૂલરડું, ભમરી, ઝમરખ, ઝોળી, ઝોળીનાં પડ પરનું વેલબુટ્ટાનું ભરતકામ – આ બધું જ આજનાં લોઢાનાં ક્રેડલ કરતાં ચડિયાતું હતું.

અગાઉ જોયું તેમ શિલ્પ-ચિત્રાદિનું પ્રાચીન કાળમાં શૈક્ષણિક મૂલ્ય હતું. અક્ષરજ્ઞાનના પ્રચારને લઈને એ કલાઓ પ્રત્યેનું આકર્ષણ ઘટી ગયું. દૃષ્ટિથી પ્રાપ્ત થતા જ્ઞાન અને અનુભવને અક્ષરમાં પૂરવા જતાં દૃષ્ટિનો વ્યવહાર પુસ્તકમાં જકડાઈ ગયો. સંસારનાં દૃશ્યો અને ભીંતોનું મૌન માણસને સદી ગયું. આજે એવી સ્થિતિ આવી છે કે જીવન સાથે મેળ ખાય એવી અર્થપૂર્ણ કલાઓનું સ્થાન ઉપર ઉપરના ઢોળવાળી તકલાદી કલા લેતી જાય છે. અર્વાચીનતાના ઓપવાળાં ઘરોમાં જૂની કલા તો કબાટમાં પૂરવાની વસ્તુ જેવી બની ગઈ છે.

પ્રવીણચંદ્ર પરીખ