કર્વે, ઇરાવતી દિનકર (જ. 15 ડિસેમ્બર 1905, બ્રહ્મદેશ; અ. 11 ઑગસ્ટ 1970, પુણે) : સુવિખ્યાત માનવશાસ્ત્રજ્ઞ, સમાજશાસ્ત્રજ્ઞ તથા લેખિકા. પિતા બ્રહ્મદેશમાં ઇજનેરના પદ પર સરકારી નોકરીમાં હતા. 1920માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1926માં પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી ડૉ. ગોવિંદ સદાશિવ ઘુર્યેના માર્ગદર્શન હેઠળ ‘ચિત્પાવન કોંકણસ્થ બ્રાહ્મણ’ વિષય પર સંશોધન-નિબંધ દ્વારા 1928માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. પછી ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે તે જર્મની ગયાં અને 1931માં ત્યાંની બર્લિન યુનિવર્સિટીમાંથી ડૉ. હ્યુજિન ફિશરના માર્ગદર્શન હેઠળ માનવશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. સ્વદેશ પાછા આવ્યાં પછી તેમણે શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી (SNDT) યુનિવર્સિટીમાં કુલસચિવના પદ પર કામ કર્યું. 1939માં પુણેની વિખ્યાત ડેક્કન કૉલેજ પોસ્ટ ગ્રૅજ્યુએટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થતાં તે સંસ્થામાં સમાજશાસ્ત્ર તથા માનવશાસ્ત્રના સંશોધક પ્રાધ્યાપક તરીકે તેઓ જોડાયાં અને જીવનના અંત સુધી તે વિભાગનાં અધ્યક્ષ રહ્યાં. 1955માં લંડન યુનિવર્સિટીમાં તથા 1959માં અમેરિકામાં કૅલિફૉર્નિયાની બર્કલી યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કરવાનું સન્માન પણ તેમણે પ્રાપ્ત કર્યું હતું.

તેમણે માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તથા માનસશાસ્ત્રના વિષયોમાં વિપુલ સંશોધનકાર્ય કર્યું છે તથા 80 જેટલા સંશોધન-લેખો પ્રકાશિત કર્યા છે. સગપણ-વ્યવસ્થા, જ્ઞાતિપ્રથા, જાતિતત્વો, કુટુંબ, દંતકથા, લોકસાહિત્યનાં વિશિષ્ટ પાસાં જેવા વિષયો પર અંગ્રેજી તથા મરાઠી ભાષામાં તેમણે લખેલા વિદ્વત્તાપૂર્ણ લેખોને કારણે તેમને દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. 1947માં દિલ્હી ખાતે યોજાયેલ સાયન્સ કૉંગ્રેસના માનવશાસ્ત્ર વિભાગનાં તે અધ્યક્ષ નિમાયાં હતાં. 1955માં પ્રાગ્-ઇતિહાસની અખિલ આફ્રિકી કૉંગ્રેસમાં તેમણે ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

ઇરાવતી દિનકર કર્વે

તેમના લેખનકાર્યનું સ્વરૂપ સૈદ્ધાંતિક-વૈચારિક તથા લલિત એમ દ્વિવિધ રહ્યું છે. માનવવંશશાસ્ત્ર તથા સમાજશાસ્ત્ર વિષય પરનું તેમનું લેખનકાર્ય મહદ્અંશે અંગ્રેજીમાં થયું છે તથા મરાઠી ભાષામાં તેમણે કરેલું લેખનકાર્ય પણ તેના પર આધારિત છે. મહારાષ્ટ્રમાં વસવાટ કરતી જુદી જુદી જાતિઓનું સમાજશાસ્ત્રની ર્દષ્ટિએ નિરીક્ષણ, મનુષ્યના શારીરિક વર્ગીકરણ (physical type) તથા રક્તવંશસંબંધ (kinship) જેવા વિષયો પર તેમણે વિપુલ અને મૌલિક સંશોધનકાર્ય કર્યું છે. વંશશાસ્ત્રીય લક્ષણો માપવાની કસોટીઓના ઉપયોગની બાબતમાં ભારતમાં પહેલ કરનારાઓમાં તેમનું સ્થાન પ્રથમ સ્થાને મૂકી શકાય. ભારતમાં સદીઓથી અસ્તિત્વ ધરાવતી કુટુંબવ્યવસ્થા તથા ભારતીય કુટુંબરચના અંગે તેમણે કરેલા સંશોધન પર આધારિત ‘કિનશિપ ઑર્ગેનિઝેશન ઇન ઇન્ડિયા’ નામના તેમના ગ્રંથ(1953)ને વિશ્વવ્યાપી ખ્યાતિ મળી છે. આ સંશોધનના કારણે હિંદુ સમાજરચના અંગેના અગાઉ વણઊકલ્યા રહેલા કેટલાક કોયડાના તર્કશુદ્ધ ઉકેલ સાંપડ્યા છે.

ભારતીય સંસ્કૃતિ, મહારાષ્ટ્રીય સમાજ તથા સંસ્કૃતિ, રામાયણ-મહાભારત જેવા ગ્રંથોનું સમાજશાસ્ત્રીય-માનસશાસ્ત્રીય ર્દષ્ટિકોણથી તેમણે કરેલું પરિશીલન, તેમના લલિત નિબંધો વગેરેને કારણે એક ઉમદા સાહિત્યકાર તરીકેની પ્રતિષ્ઠા પણ તેમને પ્રાપ્ત થયેલી છે.

જર્મનીના તેમના રોકાણ દરમિયાન ભારતરત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વેના સુપુત્ર ડૉ. દિનકર કર્વે સાથે તેમનો પરિચય થયો અને તેમની સાથે તેઓ વિવાહબદ્ધ થયાં. ડૉ. દિનકર કર્વેએ પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજના આચાર્યપદે નોંધપાત્ર કામગીરી કરી છે.

તેમના ગ્રંથો પૈકી ‘હિંદુ સોસાયટી : ઍન ઇન્ટરપ્રિટેશન’ (1961), ‘કિનશિપ ઑર્ગેનિઝેશન ઇન ઇન્ડિયા’ (1953), ‘મહારાષ્ટ્ર લૅન્ડ ઍન્ડ પીપલ’ (1968) જેવા અંગ્રેજી ભાષામાં લખેલા ગ્રંથો તથા ‘પરિપૂર્તિ’ (1949), ‘ભોવરા’ (1951), ‘મરાઠી લોકાંચી સંસ્કૃતિ’ (1951), ‘યુગાન્ત’ (1967) જેવા મરાઠી ભાષામાં લખેલા ગ્રંથો વિશેષ નોંધપાત્ર છે. અંગ્રેજી ભાષામાં તેમણે લખેલા ગ્રંથોને આંતરરાષ્ટ્રીય નામના પ્રાપ્ત થઈ છે, તો મહાભારત પર લખેલા ‘યુગાન્ત’ નામના તેમના વિવેચનગ્રંથને સાહિત્ય અકાદમી તથા મહારાષ્ટ્ર શાસન પ્રેરિત પુરસ્કારથી સન્માનવામાં આવ્યો છે.

ઉષા ટાકળકર

ઉષા કાન્હેરે

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે