કર્ટીઝ ઇમરે

January, 2006

કર્ટીઝ, ઇમરે (જ. 9 નવેમ્બર 1929, બુડાપેસ્ટ, હંગેરી, યુરોપ; અ. 31 માર્ચ 2016, બુડાપેસ્ટ, હંગેરી) : હંગેરિયનયહૂદી નવલકથાકાર. 2002ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમને હંગેરીમાંથી ઑશ્યવિડ્ઝ કૉન્સન્ટ્રેશન કૅમ્પ માટે લઈ જવાયા હતા. ઇતિહાસમાં જ્યાં જ્યાં આપખુદી ઊભી થઈ ત્યારે વ્યક્તિના નાજુક પણ મજબૂત અવાજના તેઓ પ્રતિનિધિ રહ્યા છે. તેમને રાજકીય કેદી તરીકે કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં લઈ જવાયા ત્યારે તેમની ઉંમર માત્ર 14 વર્ષની હતી.

ઇમરે કર્ટીઝ

કર્ટીઝની શ્રેષ્ઠ કૃતિ ‘ફૅટલેસ’(1975)માં 15 વર્ષની ઉંમરના જ્યૉર્જી (જ્યૉર્જ) કૉવ્ઝની કથા છે. તેમાં ઑશ્યવિડ્ઝ કૅમ્પની સાથે બુચેનવાલ્ડ અને ઝીટ્ઝના શિબિરોના કેદીઓ પર થયેલ જુલમની હૂબહૂ વર્ણન કરતી વાત રજૂ થઈ છે. કેટલાક વિવેચકો આ કૃતિમાં કર્ટીઝની આત્મકથા જુએ છે. આ નવલકથાના 10થી વધુ ભાષાઓમાં અનુવાદ થયા છે. ‘કડિશ ફૉર અ ચાઇલ્ડ નૉટ બૉર્ન’ (1990) અને ‘લિક્વિડેશન’ અને ‘ફિયાસ્કો’ (1988) અન્ય નવલકથાઓ છે. લેખક પોતે હંગેરીમાંથી જર્મની ચાલી ગયેલા. હંગેરિયન અને જર્મન  એમ બંને ભાષામાં કર્ટીઝ પોતાની કૃતિઓ રચે છે. 2005માં ‘ફૅટલેસનેસ’ કૃતિને ચિત્રપટમાં મૂકવામાં આવી હતી. આ ફિલ્મ 2005 અને 2006માં દુનિયાનાં મુખ્ય નગરોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. કર્ટીઝ પોતાનાં પત્ની સાથે બર્લિનમાં નિવાસ કરે છે.

યુરોપ અને રોમાનિયાના નેતાઓને ઉદ્દેશી કર્ટીઝે હંગેરિયન ભાષા(માગ્યાર)ની નવી યુનિવર્સિટી રોમાનિયાની લઘુમતી માટે સ્થાપવામાં આવે તેની માગણી કરી છે. 22 ફેબ્રુઆરી, 2006માં જર્મન દૈનિકમાં એક લેખ પ્રસિદ્ધ કરીને બેબ્ઝ બોલ્યાઇ યુનિવર્સિટી ઉપર મોટો આરોપ મૂકેલો.

કર્ટીઝની કેટલીક કૃતિઓના અંગ્રેજીમાં અનુવાદ થયા છે. તેમાં ‘ફૅટલેસનેસ’ (2004), ‘કડિશ ફૉર ઍૅન અન્બૉર્ન ચાઇલ્ડ’ (2004), ‘લિક્વિડેશન’ (2004), ‘ડિટેક્ટિવ સ્ટૉરી’ (2008) તથા ‘ધ પાથસીકર’ (2008) મુખ્ય છે.

‘ઇમરે કર્ટીઝ ઍન્ડ હોલોકોસ્ટ લિટરેચર’(વેસ્ટ લાફાયેટ : પર્ડુ યુનિવર્સિટી પ્રેસ, 2005)માં વસવારી, લુઇસઓ અને ટૉટૉસી દ ઝીપેટનેક અને સ્ટીવને કર્ટીઝ ઉપર વિવેચનલેખો લખ્યા છે.

વિ. પ્ર. ત્રિવેદી