કરુણાલહરી

January, 2006

કરુણાલહરી (સોળમી સદી) : સંસ્કૃત કાવ્ય. સમર્થ કવિ, પ્રસિદ્ધ આલંકારિક અને વ્યાકરણકાર પંડિત જગન્નાથનું પાંચ લહરીકાવ્યો પૈકીનું એક. 60 શ્લોકના આ લઘુકાવ્યનું બીજું નામ ‘વિષ્ણુલહરી’ છે. તેમાં મૃદુતાભરી, ભાવસભર, ભક્તિમય વાણીમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ તથા તેમની કૃપા અને કરુણાની યાચના કરવામાં આવી છે. કાવ્ય ‘ગંગાલહરી’નું સમકક્ષ છે; તેની કાવ્યશૈલી ઉત્કૃષ્ટ છે. કવિએ વિયોગિની, વંશસ્થ, ઔપચ્છન્દસિક, શાર્દૂલવિક્રીડિત, પૃથ્વી વગેરે છંદોનો પ્રયોગ કર્યો છે. ભાવની ઉત્કટતા, પ્રસાદ વગેરેની ર્દષ્ટિએ આ કાવ્ય નોંધપાત્ર છે. સંસ્કૃત લઘુકાવ્યો અને સ્તોત્રકાવ્યોમાં આ કાવ્યનું ઊંચું સ્થાન છે.

રમેશ બેટાઈ