કરુણા-મૃત્યુ

January, 2006

કરુણા-મૃત્યુ (euthanasia) : કષ્ટ વિનાનું મોત નિપજાવવું તે. અસાધ્ય રોગથી પીડાતી વ્યક્તિ પર દયા લાવીને તેનું વહેલું મૃત્યુ નિપજાવવું તે. તે માટે દવાની મદદ કે અન્ય કોઈ પદ્ધતિ હોઈ શકે. એક વ્યક્તિનું આયુષ્ય તથા તેની પીડાનો આંક નક્કી કરવો અન્ય વ્યક્તિ માટે શક્ય ગણાતો નથી. વળી ઘણી વખત લાંબા સમયની અસાધ્ય માંદગીથી પીડાતો દર્દી ખિન્નતા અને હતાશાને કારણે પણ વહેલા મૃત્યુની માગણી કરતો હોય છે. આમ, આ સમગ્ર પ્રશ્ન કાયદા અને નૈતિકતાની ર્દષ્ટિએ ચર્ચાસ્પદ છે. હાલ ભારતમાં કરુણામૃત્યુ બિનકાયદેસર ક્રિયા ગણાય છે. વળી મૃત્યુ એક અફર (irreversible) સ્થિતિ સર્જે છે તેથી તે વિશે લેવાયેલો નિર્ણય ખોટો હોય તો તે સુધારી પણ ન શકાય. લાંબા સમયથી બેભાન દર્દીનું જીવન ઘણી વખતે તેને અપાતી તબીબી અને પરિચર્યા-સંબંધિત સારવાર પર નિર્ભર હોય છે. આવું અચેત જીવન (vegetative life) દર્દીના કુટુંબના સભ્યો તથા તેના વાલીઓ/માતાપિતા માટે પણ દુ:ખદાયક હોય છે. આવા સમયે જીવન ટકાવતાં સાધનો અને ઔષધોની સારવાર બંધ કરવાનો નિર્ણય મુશ્કેલ તેમજ ચર્ચાસ્પદ બને છે. યુ.એસ.માં આવા કિસ્સામાં કોર્ટની મંજૂરી મેળવવા માટેના પ્રયત્નોના દાખલા નોંધાયેલા છે.

એમ. ટી. ભાટિયા

શિલીન નં. શુક્લ