કમ્બરામાયણમ્ (ઈસવી સન નવમીથી બારમી સદી) : તમિળ ભાષામાં પદ્યરૂપે રચાયેલ રામાયણ. ‘કમ્બરામાયણમ્’ કંબનની સર્વશ્રેષ્ઠ રચના છે. કંબને આ કૃતિને ‘રામાવતાર’ નામ આપ્યું હતું; પણ પછીના સમયમાં એ ‘કમ્બરામાયણમ્’ નામે ઓળખાયું. ‘કમ્બરામાયણમ્’ બાલકાંડમ્, અયોધ્યાકાંડમ્, અરણ્યકાંડમ્, કિષ્કિંધાકાંડમ્, સુન્દરકાંડમ્ અને યુદ્ધકાંડમ્ નામના છ કાંડો અને 113 પડલમો(અધ્યાયો)માં વિભાજિત થયેલું છે. એમાં 4 લીટીનું એક એવાં 10,500 પદો છે. કંબને વાલ્મીકિ રામાયણને આધારે કથા રચી હોવા છતાં એમણે એમાં પોતાની કલ્પનાશક્તિ, તમિળ સંસ્કૃતિ અને સભ્યતાને અનુરૂપ યથોચિત ફેરફારો કર્યા છે. તેમાં તેમણે અયોધ્યા ખાતે રામના રાજ્યાભિષેક સુધીની ઘટનાઓનો સવિસ્તર વૃત્તાંત આપ્યો છે. ‘કમ્બરામાયણમ્’ના જુદા જુદા કાંડમાં કેટલાક મૌલિક પ્રસંગો આ પ્રમાણે છે : ધનુષ્યયજ્ઞ પૂર્વે રામસીતાનું મિલન અને પૂર્વાનુરાગ, અગસ્ત્યના આશ્રમમાંથી નીકળી પંચવટી તરફ પ્રસ્થાન કરતી વખતે રસ્તામાં જટાયુ જોડે મિલન, રાવણનું પર્ણશાળા સાથે સીતાનું અપહરણ કરવું, રામ દ્વારા કૈકેયી-નિન્દા વગેરે. સમગ્ર કૃતિ નાટ્યાત્મક છે. કંબને પાત્ર અને પ્રસંગોને અનુરૂપ સંવાદયોજના કરી છે. કંબનના વર્ણનકૌશલનો પરિચય, ઉલાવિયરપડલમ્, નીરવિલેયાટટ્ટુપડલમ્, પૂર્વકાયપડલમ્, કળિયાટટ્ટુપડલમ્ વગેરેમાં મળે છે. પાત્રાલેખન સુરેખ, જીવંત અને રુચિર છે. એમણે પાત્રોના મનોભાવો અને ગુણદોષોનું નિરૂપણ મર્મસ્પર્શી રીતે કર્યું છે. કંબન પ્રકૃતિપ્રેમી હતા. એમણે રામાયણમાં અનેક અદભુતરમ્ય પ્રકૃતિચિત્રો આલેખ્યાં છે. તમિળ ભાષા પર એમનું ઉત્તમ પ્રભુત્વ હતું. એમણે વિષયાનુરૂપ શબ્દો તથા વિરુત્તમ છંદનો સફળતાથી પ્રયોગ કર્યો છે. કમ્બરામાયણનો અંગ્રેજી તથા ફ્રેન્ચ ભાષામાં અનુવાદ પણ થયો છે. ભારતીય સાહિત્યની સર્વશ્રેષ્ઠ કૃતિઓમાં એનું અગ્ર સ્થાન છે.

કે. એ. જમના