કમિશનર ઇન્કમટૅક્સ

January, 2006

કમિશનર, ઇન્કમટૅક્સ : આયકર ખાતાના પ્રાદેશિક સ્તરના સર્વોચ્ચ અધિકારી. કેન્દ્ર સરકારે દાખલ કરેલા આયકર અને અન્ય પ્રત્યક્ષ કરવેરાની વસૂલાતનું નિયંત્રણ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડ (Central Board of Direct Taxes) કરે છે. તેમના હાથ નીચે આયકર આયુક્ત એટલે કે કમિશનર તેમનું કાર્ય કરે છે. સામાન્ય રીતે તેમનું અધિકારક્ષેત્ર એકથી વધારે જિલ્લા ઉપર હોય છે, પરંતુ મહાનગરોમાં આયકરનું કામ પ્રમાણમાં વધુ હોવાથી ત્યાં એકથી વધારે આયુક્ત નીમવામાં આવે છે. આયુક્તના નિયંત્રણ હેઠળ નિર્ધારણ અધિકારી (Assessing Officer) (જેમાં આયકર અધિકારી, સહાયક આયુક્ત અને નાયબ આયુક્તનો સમાવેશ થાય છે.) તથા સંયુક્ત આયુક્ત પોતપોતાની ફરજ બજાવે છે. આયકર આયુક્ત વિશાળ અને વિવિધ સત્તાઓ ધરાવે છે. પોતાના નિયંત્રણ હેઠળના કોઈ પણ નિર્ધારણ અધિકારી પાસેથી બીજા નિર્ધારણ અધિકારી પાસે કરદાતાનો કેસ તે બદલી શકે છે (કલમ 127). કરદાતાના ધંધા કે નિવાસનાં સ્થળોએ આયકર અધિકારીઓનું જૂથ ઝડતી અને જપ્તીની કાર્યવહી કરે છે. (જેને સામાન્ય પરિભાષામાં ‘આયકર ખાતા’નો દરોડો કહેવાય છે.) તે  આયુક્તના લેખિત હુકમ વડે જ થઈ શકે છે (કલમ 132). કરપાત્ર આવક કરવેરામાંથી છટકી ગઈ છે તેવું નિર્ધારણ-અધિકારીને લાગે અને આ આવક જે નિર્ધારણ વર્ષની હોય તે વર્ષની આખર તારીખથી ચાર વર્ષ વીતી ગયાં હોય તો આવકનું નિર્ધારણ કરવા માટે નોટિસ કાઢતાં અગાઉ નિર્ધારણ-અધિકારીએ આયુક્તની લેખિત મંજૂરી લેવી પડે છે (કલમ 147 અને 151). આયુક્ત (અપીલ) એ નિર્ધારણ-હુકમ સામે જે ચુકાદો આપ્યો હોય તેની સામે આયુક્તને વાંધો જણાય તો તે આવા ચુકાદા સામે આયકર ટ્રિબ્યૂનલમાં અપીલ કરવી તેવો નિર્ધારણ-અધિકારીને આદેશ આપી શકે છે (કલમ 253). વળી આયકર ટ્રિબ્યૂનલના ચુકાદા વિરુદ્ધ આયુક્તને વાંધો જણાય તો તે આવા ચુકાદા સામે વડી અદાલતમાં નિર્દેશ (reference) કરવો તેવી માગણી ટ્રિબ્યૂનલ સમક્ષ આયુક્ત કરી શકે છે (કલમ 256). વળી વડી અદાલતના નિર્ણય સામે આયુક્ત સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકે છે (કલમ 261). નિર્ધારણ-અધિકારીનો હુકમ જો જાહેર આવકના હિતને પ્રતિકૂળ હોય તો જે નાણાકીય વર્ષમાં નિર્ધારણ-હુકમ થયો હોય તેની આખર તારીખથી બે વર્ષમાં આયુક્ત તે હુકમ સુધારી શકે છે અથવા રદ કરી શકે છે (કલમ 263). નિર્ધારણ-અધિકારીના હુકમથી એક વર્ષમાં રૂ. 500 ફી ભરીને કરદાતા પોતાના કેસના પુનર્નિરીક્ષણ માટે આવેદનપત્ર આપે તો આયુક્ત કરદાતાને ન્યાયયુક્ત હુકમ કરીને રાહત આપી શકે છે (કલમ 264). કરદાતાએ આયકર અધિનિયમની કોઈ પણ કલમ હેઠળ અપરાધ કર્યો હોય તો તેની સામે ફોજદારી કોર્ટમાં આયુક્તના નિર્દેશ વડે જ કાર્યવહી થઈ શકે છે (કલમ 279). આવી અગત્યની વૈધિક સત્તાઓ ઉપરાંત આયકર અધિનિયમની અન્ય કલમો અનુસાર આયુક્ત કેટલીક અન્ય સત્તાઓ પણ ધરાવે છે.

આયકર આયુક્ત (અપીલ) આયુક્તના સમકક્ષ અધિકારી છે. તે નિર્ધારણ-અધિકારી અને નાયબ આયુક્તના કેટલાક અગત્યના હુકમો સામેની અપીલ સાંભળે છે.

મુખ્ય આયકર આયુક્ત (Chief Commissioner of Income-tax) આયુક્તથી પ્રવર (senior) કક્ષાના અધિકારી હોય છે, જે વિવિધ શાખાઓનું સંકલન કરે છે.

જયન્તિલાલ પો. જાની