કમિશન એજન્ટ : જથ્થાબંધ અને છૂટક માલ વેચતા વેપારીઓ વચ્ચે મધ્યસ્થી કરનાર વ્યક્તિ. તે વેપાર અને વાણિજ્યના કાર્યક્ષેત્રના નિષ્ણાત તેમજ અનુભવી હોય છે. તેમની સેવા બદલ તે જે મહેનતાણું કે સેવામૂલ્ય વસૂલ કરે છે તેને ‘કમિશન’ કહેવામાં આવે છે અને આ રીતે સેવા આપનારને કમિશન-એજન્ટ કહેવામાં આવે છે.

કમિશન-એજન્ટ તેના માલિકના પ્રતિનિધિ તરીકે માલની ખરીદીમાં રસ ધરાવનારને શોધે છે અને જરૂરી વેચાણને લગતી વિધિ અર્થે કરાર કરે છે; જો ખરીદનાર માલની ડિલિવરી લેવામાં નિષ્ફળ જાય તો એજન્ટ પોતે માલની ડિલિવરી લઈ લે છે અને તેની કિંમત ચૂકવી આપે છે.

કમિશન-એજન્ટની નિમણૂક માલ ખરીદવા માટે કરવામાં આવી હોય તો તેણે માલની ખરીદી શક્ય તેટલી વાજબી કિંમતે કરવાની હોય છે. કમિશન-એજન્ટ પોતાની આ પ્રકારની સેવા બદલ માલના માલિક પાસેથી નિયત કમિશન વસૂલ કરે છે.

આ પ્રકારની મધ્યસ્થી તરીકેની સેવાઓ વિવિધ ક્ષેત્રોના કાર્ય અનુસાર વિવિધ નામથી ઓળખાય છે; જેમ કે, દલાલ, કમિશન-એજન્ટ, આડતિયા, આસામી આડતિયા, હરાજી કરનાર, મારફતિયા, બાંયધરી આપનાર, આંગડિયા વગેરે.

રોહિત ગાંધી