કબ્રકાવ્ય (epitaph) : અંગ્રેજી કાવ્યપ્રકાર. પશ્ચિમમાં મૃત્યુ પછી વ્યક્તિને કબરમાં દફનાવવાનો રિવાજ છે. ત્યાંથી પશ્ચિમના સંપર્ક પછી એટલે કે ઓગણીસમી સદી દરમિયાન આ કાવ્યપ્રકાર ભારતમાં આવ્યો છે. તે પૂર્વે સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યના અંશરૂપે ‘રતિવિલાપ’ અને ‘અજવિલાપ’ જેવી સર્ગ-રચનાઓ છે. પણ એ રચનાઓ કબ્રકાવ્ય બનતી નથી. ‘કબ્રકાવ્ય’ માટે પશ્ચિમના વિદ્વાનોએ મૃત્યુ પામેલી વ્યક્તિની કબર પર સૂત્રાત્મક શૈલીમાં ગદ્ય કે પદ્યમાં લખેલો પ્રશસ્તિનો ટૂંકો લેખ એવાં લક્ષણ બાંધ્યાં છે. એટલે ‘કબ્રકાવ્ય’માં, મૃત્યુ પામેલી વ્યક્તિની સ્મૃતિમાં સઘન, ટૂંકી, સૂત્રાત્મક, શોકયુક્ત પ્રશસ્તિ હોવી જોઈએ. વળી તે એલિજી – ‘કરુણપ્રશસ્તિ’થી જુદો કાવ્યપ્રકાર છે. કરુણપ્રશસ્તિથી તે (1) મંગલ સમાપનાના અભાવથી ને (2) દીર્ઘતાના અભાવથી જુદો પડે છે. ગુજરાતી લોકસાહિત્યમાં મરસિયા ને રાજિયા આદિમાં વ્યક્તિશોક અને પ્રશસ્તિના અંશો હોય છે; પણ ‘કબ્રકાવ્ય’ એ લોકસાહિત્ય જેવું અકર્તૃવાચક નથી. વિદ્વાનોએ ‘કબ્રકાવ્ય’નું મૂળ ઇજિપ્તમાં જોયું છે. ત્યાંથી તે યુરોપમાં ગયું હશે. ગ્રીક અને લૅટિન ભાષામાં એપિટાફને મળતા શબ્દો મળે છે. લૅટિનના ‘એપિટાફિયમ’ શબ્દમાં પ્રશસ્તિ(eulogy)નું તત્વ હોય છે. ગ્રીકમાં epitaphios એટલે કબર ઉપરનો પ્રશસ્તિ-લેખ. વિદ્વાનોએ આવા લેખ માટે સાહિત્યિક રસાત્મકતા, ગહન ને કોમળ લાગણી, સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ તથા epigrammic એટલે સૂત્રાત્મકતા – ઘનતાનો ગુણ જરૂરી ગણ્યો છે. પશ્ચિમમાં કબ્રકાવ્ય અને કરુણપ્રશસ્તિ બંનેનો આરંભ કરનારામાં સ્પેન્સર (1591), મિલ્ટન (1667), શેલી (1821), ટેનિસન (1850), મૅથ્યુ આર્નોલ્ડ (1861) અને અમેરિકાના કવિ વૉલ્ટ વ્હિટમન(1865)નાં નામ છે. ભારતીય ભાષાઓમાં શુદ્ધ કબ્રકાવ્ય ઓછાં જ મળે છે. ગુજરાતીમાં કબ્રકાવ્યનું ર્દષ્ટાંત હસમુખ પાઠકની આ રચના છે :

‘‘આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય ગાંધી કદી સૂતો ન’તો.’’

નટવરલાલ પંડ્યા