કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી)

January, 2006

કપ્પૂરમંજરી (કર્પૂરમંજરી) : પ્રાકૃત ભાષામાં રચાયેલું સંગીતરૂપક. માત્ર પ્રાકૃત ભાષામાં રચાયેલાં નાટકોનો આ પ્રકાર સટ્ટક તરીકે ઓળખાય છે. આવા સટ્ટકોમાં તે આદ્ય અને વિશિષ્ટ સટ્ટક છે. તેની રચના સંસ્કૃત સાહિત્યના પ્રસિદ્ધ કવિ-નાટ્યકાર યાયાવરવંશીય કવિરાજ રાજશેખરે (ઈ. સ. દશમી સદી) કરી છે.

ચાર જવનિકા અર્થાત્ અંકોના બનેલા ‘કપ્પૂરમંજરી’નું કથાવસ્તુ હર્ષની રત્નાવલીના કથાનક જેવું જ છે. તેમાં રાજા ચંડપાલ અને કુંતલની રાજકુમારી કર્પૂરમંજરીની પ્રણયગાથા અત્યંત કાવ્યાત્મક રીતે રજૂ થઈ છે. ભૈરવાનંદ નામક કાપાલિક તંત્રજાળથી નાયિકાને રાજસભામાં હાજર કરે છે, રાજા પ્રથમ ર્દષ્ટિએ જ તેને ચાહવા લાગે છે. બંને વચ્ચે વિદૂષકની મદદથી મિલન યોજાય છે. પરંતુ મહારાણી વિભ્રમલેખા પ્રણયમાં વિઘ્નરૂપ બને છે. અંતે કાપાલિક ભૈરવાનંદની મદદથી રાજા નાયિકાને પરણવામાં સફળ થાય છે.

આરંભથી અંત સુધી કવિ શૃંગારની જમાવટ કરે છે. અનુપમ પદલાલિત્ય અને ગીતિસૌન્દર્યથી મંડિત ‘કપ્પૂરમંજરી’ પ્રાકૃત ભાષાનું ઉત્તમ રૂપક ગણાય છે.

રમણિકભાઈ મ. શાહ