કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ)

January, 2006

કપ્પસુત્ત (કલ્પસૂત્ર) (દસાસુયકખંધ) : જૈન આગમ સાહિત્યમાં છેદસૂત્રો તરીકે ઓળખાતા છ ગ્રંથોમાંનો એક. તે કલ્પસૂત્ર કે દશાશ્રુતસ્કંધ તરીકે પ્રસિદ્ધ છે. આચાર્ય ભદ્રબાહુને એના કર્તા માનવામાં આવે છે. અર્ધમાગધી ભાષામાં ગદ્યબદ્ધ આ આગમ ગ્રંથ પર ‘નિર્યુક્તિ’ અને ‘ચૂર્ણી’ નામક ટીકાઓ પણ રચાયેલી છે.

ગ્રંથમાં દસ પ્રકરણો છે. એમાં આઠમા અને દસમા પ્રકરણને અધ્યયન અને બાકીનાંને ‘દશા’ તરીકે ઓળખવામાં આવેલાં છે. પ્રથમ પ્રકરણમાં અસમાધિનાં વીસ સ્થાન ગણાવવામાં આવ્યાં છે. બીજામાં શબલનાં એકવીસ સ્થાનનો ઉલ્લેખ છે. તેમાં હસ્તકર્મ, મૈથુન, રાત્રિભોજન, રાજપિંડગ્રહણ, ગણાન્તર ઇત્યાદિ મુખ્ય છે. ત્રીજા પ્રકરણમાં મુનિઓ માટે વર્જ્ય એવા આશાતનાના ત્રેવીસ પ્રકારોનો ઉલ્લેખ છે. ચોથા પ્રકરણમાં આઠ પ્રકારની ગણિસંપદાઓનું વિસ્તારથી વર્ણન છે. પાંચમા પ્રકરણમાં ચિત્તસમાધિસ્થાનનું વર્ણન છે. છઠ્ઠા પ્રકરણમાં ઉપાસક(શ્રાવક)ની અગિયાર પ્રતિમાઓનું વર્ણન છે. સાતમા પ્રકરણમાં બાર પ્રકારની ભિક્ષુ-પ્રતિમાઓનું વર્ણન છે. આઠમું પ્રકરણ વિશિષ્ટ છે  પર્યુષણપર્વ દરમિયાન તેનું વાચન થતું હોવાથી તે પજ્જોસણાકપ્પ (પર્યુષણકલ્પ) કે કલ્પસૂત્ર તરીકે પ્રસિદ્ધ છે. તેમાં શ્રમણ ભગવાન મહાવીરના જીવનનું સુંદર વિસ્તૃત વર્ણન છે. નવમા પ્રકરણમાં મહામોહનીય કર્મબંધનાં ત્રીસ સ્થાનોનું પ્રરૂપણ છે અને અંતિમ દશમા પ્રકરણમાં નવ નિદાનોનું વર્ણન છે.

રમણિકભાઈ મ. શાહ